ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપતા કહ્યું છે કે, જ્યારે તેઓ વિપક્ષ સાશિત રાજ્યોની મુલાકાત લે છે ત્યારે તેમણે યોગ્ય વર્તન કરવું જોઇએ અને વડાપ્રધાન પદની ગરીમા જળવાય તેમ વર્તર્વુ જોઇએ. મનમોહન સિંઘે પૂર્વ મંત્રી મનીષ તિવારીનાં પુસ્તક ફેબલ્સ ઓફ ફ્રેક્ચર્ડ ટાઇમ્સ પુસ્તકનાં વિમોચન સમારોહમાં હાજરી આપી હતી અને એ પ્રસંગે તેમણે મોદીને સલાહ આપી હતી. આ પ્રસંગે જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પણ હાજર રહ્યાં છે.
જાહેર જીવનમાં નૈતિક્તા અને ચર્ચાનું સ્તર તળિયે જઇ રહ્યું છે ત્યારે મનમોહન સિંઘે આ શબ્દો કહ્યા હતા. તેમણે કહ્યું, “જ્યારે હું વડાપ્રધાન હતો ત્યારે વિપક્ષ સાશિત રાજ્યોમાં જતો ત્યારે તે રાજ્યોનાં મુખ્યમંત્રી સાથે તેમના સારા સંબધો રહેતા હતા. મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજ સિંઘ ચૌહાણા પણ એ વાતને સમર્થન આપશે કે, કોંગ્રેસનાં શાસન દરમિયાન ભાજપ શાસિત રાજ્યો સામે ભેદભાવનું વલણ રાખવામાં આવતું નહોતું.”
મનમોહન સિંઘે વધુમાં જણાવ્યું કે, “જ્યારે વડાપ્રધાન વિપક્ષ સાશિત રાજ્યોની મુલાકાત લે છે ત્યારે તેમણે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો જોઇએ નહીં. અભદ્ર ભાષાનો ઉપયોગ હવે રોજબરોજ થાય છે. વડાપ્રધાને દાખલો બેસાડવો જોઇએ. તેઓ દેશનાં દરેક નાગરિકનાં વડાપ્રધાન છે અને તેમનું વર્તન વડાપ્રધાનનાં પદને શોભા આપે તેવુ હોવુ જોઇએ”.
આ પહેલા કોંગ્રેસનાં સીનિયર નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચાર વખતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન રહેતા નથી અને વિપક્ષો પર આરોપો કરે છે અને ઇતિહાસનું ખોટુ અર્થઘટન કરે છે. વડાપ્રધાન એ વડાપ્રધાન હોય છે. એ પછી કોઇ પણ વ્યક્તિ હોય. વડાપ્રધાન પદની સન્માન આપવું જ જોઇએ”.