વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસ્કવરી ચેનલના જાણીતા શો પૈકીના એક Man vs Wildમાં ખાસ મહેમાન બનીને સામેલ થયા. ઉત્તરાખંડમાં જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં શૂટ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં પીએમ મોદી અને Man vs Wildના હોસ્ટ બેયર ગ્રિલ્સે અનેક બાબતો પર ચર્ચા કરી. આ દરમિયાન પીએમ મોદીએ બેયર ગ્રિલ્સને પોતાના જીવન સાથે જોડાયેલી અનેક બાબતો જણાવી. કાર્યક્રમમાં પીએમ મોદીએ કઈ બાબતોનો કર્યો ઉલ્લેખ, ચાલો આપને જણાવીએ...
પ્રકૃતિથી સંઘર્ષ ખતરનાક
કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી અને બેયર ગ્રિલ્સની વચ્ચે પ્રકૃતિને લઈને વાતચીત થઈ. જ્યારે બેયર ગ્રિલ્સે જિમે કોર્બેટ નેશનલ પાર્કને ખતરનાક કહ્યું તો પીએમ મોદીએ કહ્યું કે જો આપણે પ્રકૃતિ સાથે સંઘર્ષ કરીએ છીએ તો આ પ્રકૃતિની સાથે સૌથી ખતરનાક થાય છે, પરંતુ આપણે પ્રકૃતિ સાથે સંતુલન બનાવી લઈએ છીએ તો તે પણ આપણી મદદ કરે છે.
એક સમયે કપડા ધોવા માટે સાબુ નહોતો
કાર્યક્રમ દરમિયાન બેયર ગ્રિલ્સે પીએમ મોદી પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે તેમનું બાળપણ કેવી રીતે પસાર થયું હતું? તેની પર વડાપ્રધાને કહ્યું કે તેમનું બાળપણ ખૂબ ગરીબીમાં પસાર થયું. તેઓ વડનગરમાં પોતાના પરિવારની સાથે રહેતા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે પરીવાર ગરીબ હોવાથી તેમની પાસે નહાવા અને કપડા ધોવા માટે સાબુના પૈસા નહોતા. એવામાં તેઓ ઝાકળની સૂકાયેલા પડનો ઉપયોગ નાહવા અને કપડા ધોવા માટે કરતા હતા. બેયર ગ્રિલ્સે પૂછ્યું કે કેવી રીતે નહાવા માટે તેનો ઉપયોગ કરતા હતા. તેની પર પીએમે કહ્યું કે તેઓ એ પડને પાણીમાં ગરમ કરીને તેનો ઉપયોગ નહાવા માટે કરતા હતા.
નાનપણથી જ ચોખ્ખું રહેવું પસંદ હતું
વડાપ્રધાન મોદી તેમના કપડા અને ફેશન માટે પણ જાણીતા છે. Man vs Wild દરમિયાન બેયર ગ્રિલ્સે પીએમ મોદીને પૂછ્યું કે તેઓ પોતાને આટલા મેન્ટેન કેવી રીતે રાખે છે. તેની પર પીએમ કહ્યું કે નાનપણથી જ તેમને ચોખ્ખું રહેવું પસંદ છે. પીએમ મોદીએ જણાવ્યું કે નાનપણમાં ગરમ કોલસાને એક તાંબાના વાસણમાં રાખીને તેનાથી પોતાના કપડા ઈસ્ત્રી કરતા હતા.
રેલવે સાથે ખાસ કનેક્શન
શો દરમિયાન વડાપ્રધાને રેલવે સ્ટેશન પર ચા વેચવાનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે તેમના પિતા રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. તેઓ સ્કૂલથી આવીને પોતાના પિતાની મદદ કરતા હતા. તેની પર બેયર ગ્રિલ્સે કહ્યું કે આપના માટે રેલવે સ્ટેશન ઘણું ખાસ હશે, જેનો જવાબ પીએમ મોદીએ હકારમાં આપ્યો.
કોઈને મારવું મારા સંસ્કારમાં નથી
જંગલમાં સફર દરમિયાન બેયર ગ્રિલ્સે એક લાકડી અને ચાકૂની મદદથી સુરક્ષા માટે એક હથિયાર તૈયાર કરીને પીએમ મોદીને આપે છે. તેની પર મોદીએ કહ્યું કે કોઈને મારવાના મારા સંસ્કાર નથી. પરંતુ આપની સુરક્ષા માટે હું આને મારી પાસે રાખું છું. પીએમ મોદીએ આ પહેલા કહ્યું કે ઈશ્વર પર ભરોસો રાખો, તે સૌની મદદ કરે છે.
18 વર્ષમાં લીધી પહેલી રજા
બેયર ગ્રિલ્સને પીએમ મોદીએ કહ્યું કે, 8 વર્ષમાં આ તેમની પહેલી રજા હશે. બેયર ગ્રિલ્સે પીએમ મોદીને સવાલ પૂછ્યો કે તેમના મનમાં પહેલીવાર વડાપ્રધાન બનવાનો વિચાર ક્યારે આવ્યો. તેની પર મોદીએ કહ્યું કે તેઓ લગભગ 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. ત્યારબાદ દેશની જનતાએ પીએમ બનાવી દીધો. પીએમ મોદીએ કહ્યું કે તેઓએ હંમેશા વિકાસ પર ધ્યાન આપ્યું. જો આને (શો ને) વેકેશન કહેશો તો 18 વર્ષમાં આ તેમનું પહેલું વેકેશન છે.
પિતાજી પત્ર લખીને કરતા હતા વરસાદ પડવાની જાણ
કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે આપણે પ્રકૃતિ પ્રતિ ઉત્સાહિત રહેવું જોઈએ. તેઓએ જણાવ્યું કે જ્યારે હું નાનો હતો તો અમારી આર્થિક સ્થિતિ સારી નહોતી. જ્યારે પણ વરસાદ પડતો તો પિતાજી 25-30 પોસ્ટકાર્ડ લઈને આવતા અને તમામ સગા-વહાલાઓને વરસાદની જાણ કરતાં હતા. અમને લાગતું કે આ કારણ વગરના ખર્ચની શું જરૂર છે, પરંતુ હવે અનુભવાય છે કે જ્યારે તેઓ સગા-વહાલાને જણાવતા હતા કે ગામમાં વરસાદ પડ્યો છે તો તેમના ચહેરા પર સંતોષ દેખાતો હતો.
ભૂખે મરી જઈશું પણ લાકડું નહીં વેચીએ
Man vs Wildમાં પીએમ મોદીએ જણાવ્યું કે કેવી રીતે તેમના પરિવાર પાસેથી પ્રકૃતિને પ્રેમ કરવાની શીખ મળી. તેઓએ પોતાની દાદી સાથે જોડાયેલો એક કિસ્સો જણાવતાં કહ્યું કે મારા દાદીજી ભણેલાં-ગણેલા નહોતા. મારા કાકાએ લાકડાનો વેપાર કરવાનું નક્કી કર્યુ. તેની પર મારી દીદી ખૂબ નારાજ થઈ. જ્યારે દાદીને તેનું કારણ પૂછ્યું તો તેઓએ કહ્યું કે ભૂખે મરી જઈશું પણ લાકડું વેચવાનું કામ નહીં કરીએ. મારી દાદીનું માનવું હતું કે લાકડામાં પણ જીવન છે. વૃક્ષ કાપીને પરિવાર ચલાવવું યોગ્ય નથી.
પીએમ મોદીએ કહ્યો તુલસી વિવાહનો ઉલ્લેખ
કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી અને બેયર ગ્રિલ્સ વચ્ચે પ્રકૃતિને લઈને ઘણી વાતો થઈ. આ દરમિયાન બેયર ગ્રિલ્સે લીમડાનો ઉલ્લેખ કર્યો અને તેને પેટ માટે ઘણું લાભકારક ગણાવ્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અમારા દેશમાં દરેક છોડને ભગવાન માનવામાં આવે છે. અહીં તુલસી વિવાહની પરંપરા છે. તુલસી વિવાહમાં ભગવાનની સાથે તુલસીના લગ્ન કરાવવામાં આવે છે.
પીએમ મોદીએ દુનિયાએ આપ્યો આ સંદેશ
બેયર ગ્રિલ્સે પીએમ મોદીને પૂછ્યું કે જો તમે દુનિયાને કોઈ સંદેશ આપવા માંગો છો તો શું હશે? તેની પર પીએમ મોદીએ કહ્યું કે પ્રકૃતિથી કંઈ પણ લઈએ છીએ તો વિચારો કે 50 વર્ષ બાદ જે બાળક હશે તે પૂછશે કે મારા હકની હવા કેમ ખરાબ કરી રહ્યા છો. હું શાકાહારી છું, પ્રાણી માટે પ્રકૃતિનું મહત્વ મને ખબર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર