ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019 પૂર્ણ થયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસની વચ્ચે વિવાદ અટકવાને બદલે વધતો જઈ રહ્યો છે. જય શ્રીરામ બોલવા પર થયેલા હોબાળા બાદ હવે બંને પાર્ટીઓ વચ્ચે કાર્યાલયને લઈ મારામારી શરૂ થઈ ગઈ છે. ઉત્તર 24 પરગણા જિલ્લામાં મમતા બેનર્જી ભાજપ કાર્યાલય પહોંચી અને કાર્યાલયમાં લાગેલું તાળું ખોલાવ્યું. તૃણમૂલ કોંગ્રેસનો દાવો છે કે ભાજપે તેમના કાર્યાલય પર કબજો કર્યો છે.
મળતી માહિતી મુજબ, જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળના શપથ લઈ રહ્યા હતા, તે સમયે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી ધરણા પર બેઠી હતી. ધરણા દરમિયાન મમતાએ નૌહાટીમાં રેલીને સંબોધિત કર્યા બાદ ભાજપ કાર્યાલય પહોંચી. તેઓએ જાતે કમળના નિશાનને પેઇન્ટ કરી તેની પર ટીએમસીનો લોકો બનાવ્યો.
ભાજપના કાર્યાલય પર કબજો કર્યા બાદ મમતાએ પોતાની સામે જ સફેદો લગાવડાવ્યો. ત્યારબાદ મમતાએ જાતે દીવાલ પર પોતાની પાર્ટીનું ચિન્હ પેઇન્ટ કર્યુ અને પાર્ટીનું ના પણ લખ્યું. મમતાનો આરોપ છે કે ટીએમસીના આ કાર્યાલય પર ભાજપે કબજો કરી લીધો હતો. હવે મમતાની આગેવાનીમાં તૃણમૂલે ફરી આ કાર્યાલય પર કબજો જમાવી દીધો છે.