કોલકાતા : લોકસભાની ચૂંટણીમાં બીજેપીને મળેલા પ્રચંડ વિજય બાદ હવે પશ્ચિમ બંગાળમાં રાજકીય હત્યાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં હિંસા ફેલાવવાનો આરોપ લગાવીને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ બીજેપીના વિજય સરઘસો પર પ્રતિબંધ લગાવી દીધો છે. મમતાએ કહ્યું કે બીજેપીના વિજય સરઘસોને મંજૂરી નહીં આપવામાં આવે. સાથે જ તેમણે પોલીસને આદેશ કર્યો છે કે નિયમ નહીં માનનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
24 પરગણા જિલ્લામાં માર્યા ગયેલા ટીએમસી નેતા નિર્મલ કુંજૂના ઘરે પહોંચેલા મમતાએ કહ્યું કે, મને જાણકારી મળી છે કે વિજય સરઘસોના નામે બીજેપી હુગલી, બાંકુરા, પુરુલિયા અને મદનાપુરમાં હિંસા ફેલાવી રહી છે. હવે આવું એક પણ સરઘસ નહીં કાઢવામાં આવે. મમતાએ કહ્યુ કે, લોકસભાની ચૂંટણીના પરિણામને 10થી વધારે દિવસ થઈ ગયા છે, એવામાં જો કોઈ હિંસા ફેલાવવાનું કામ કરશે તો પોલીસ કાયદા પ્રમાણે કડક હાથે કામ કરશે.
મમતા બેનરજી ગુરુવારે સીઆઈડી અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે નિમતા ગયા હતા. આ એ વિસ્તાર છે જ્યાં નિર્મલ પર અજાણ્યા લોકોએ હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. મમતાએ નિર્મલના પરિવાર સાથે મુલાકાત કરીને તેમને આશ્વાસન આપ્યું હતું કે આ ઘટનાની તપાસ થશે અને પરિવારને ન્યાય મળશે. આ હત્યા નહીં પરંતુ ષડયંત્ર છે, અમે આવું કાવતરું રચનારા લોકોની જાણકારી મેળવીને જ રહીશું.
મમતા બેનરજીએ કહ્યું કે, 2014માં જ્યારે લોકસભા ચૂંટણીમાં તૂણમૃલ કોંગ્રેસ અને કોંગ્રેસે સંયુક્ત રીતે અનેક બેઠકો પર જીત મેળવી હતી ત્યારે હિંસા થઈ ન હતી. પરંતુ હવે બીજેપીની બેઠકો વધી છે તો હિંસા અટકવાનું નામ નથી લઈ રહી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર