ન્યૂઝ18 ગુજરાતી: કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સીબીઆઇના પૂર્વ પ્રમુખ આલોક વર્મા અંગેનો સીવીસી રિપોર્ટ જાહેર કરવાની માગ કરી છે. નોંધનીય છે કે, ત્રણ સભ્યોની સિલેક્શન કમિટીમાં ખડગે એકમાત્ર સભ્ય હતાં જેમણે વર્માને ખસેડવાનો વિરોધ કર્યો હતો.
ખડગેએ મોદીને પત્ર લખી કહ્યું કે, સીવીસીની તપાસનો રિપોર્ટ, જસ્ટિસ એકે પટનાયકની તપાસનો રિપોર્ટ અને પસંદગી સમિતિની બેઠકની વિગતો જાહેર કરવામાં આવે. જેથી લોકો આ મામલે પોતે જ નિષ્કર્ષ સુધી પહોંચી શકે.
સાથે જ ખડકેએ વધારે સમય ન લેતાં નવા પ્રમુખની નિયુક્તિ માટે પસંદગી સમિતિની બેઠક તાત્કાલિક ધોરણે બોલાવવા અંગે પણ માગ કરી છે. તેમણે એ પણ દાવો કર્યો કે આ મામલે સરકારના પગલાથી એ સંકેત મળી રહ્યાં છે કે, સરકાર ઇચ્છતી નથી કે સીબીઆઇ સ્વતંત્ર રીતે કામ કરે.
જોકે, 10 જાન્યુઆરીએ મળેલી પસંદગી સમિતિની બેઠકમાં ખડગેએ આલોક વર્માને સીબીઆઇના પ્રમુખ પદેથી ખસેડવાનો વિરોધ કર્યો હતો. જ્યારે જસ્ટિસ પટનાયકે કહ્યું હતું કે, આલોક વર્મા વિરુદ્ધ ભ્રષ્ટાચારનવા કોઇ પુરાવા નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બનેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ ગયા ગુરુવારે વર્માને સીબીઆઇના પ્રુમખ પદેથી હટાવ્યા હતા. જે બાદ શુક્રવારે વર્માએ રાજીનામું આપ્યું હતું.
ભારતીય પોલીસ સેવા (આઇપીએસ)ના 1979 બેચના અરુણાચલ પ્રદેશ, ગોવા, મિજોરમ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ કેડરના અધિકારી વર્માની બદલી ડાયરેક્ટ જનરલ ઓફ નાગરિક સુરક્ષા અને ગૃહ રક્ષાના પદે કરવામાં આવી હતી.
સીબીઆઇના પ્રમુખ પદે વર્માને બે વર્ષ આગામી 31 જાન્યુઆરીના રોજ પૂરા થવાના હતા, પરંતુ 21 દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાઅર્જુન ખડગે અને જસ્ટિસ એકે સીકરીની સમિતિએ 2:1ના બહુમત સાથે વર્માને સીબીઆઇ પ્રમુખ પદેથી હટાવવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ખડગે વર્માને ખસેડવાની વિરુદ્ધમાં હતાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર