સુંજવાન હુમલોઃ ભાનમાં આવતા જ મેજરે પૂછ્યું- 'એ આતંકીઓનું શું થયું?'

હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલા મેજર અભિજીત

ભાનમાં આવ્યા બાદ તેમને પોતાની નહીં, હુમલાના પરિણામની ચિંતા હતી.

 • Share this:
  જમ્મુ-કાશ્મીરના સુંજવાનમાં આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં દાખલ થયેલા મેજર અભિજીત આજે ભાનમાં આવી ગયા હતા. હુમલા દરમિયાન મેજર અભિજીત ખરાબ રીતે ઘાયલ થયા હતા. જોકે, ભાનમાં આવ્યા બાદ તેમને પોતાની નહીં, હુમલાના પરિણામની ચિંતા હતી. મંગલવારે ભાનમાં આવતા જ આ બહાદુર જવાનના શબ્દો હતા, 'એ આતંકીઓનું શું થયું?'

  ધરમપુર કમાન્ડ હોસ્પિટલના કમાન્ડેન્ટ મેજર જનરલ નદીપ નૈથાનીએ જણાવ્યું કે, 'તેમનું મનોબળ ખૂબ જ મજબૂત છે. સર્જરી બાદ મેજરે તરત પ્રથમ સવાલ કર્યો હતો કે એ આતંકીઓનું શું થયું? ઈજાગ્રસ્ત મેજર ફરી પરત જવા માટે તત્પર હતા.'

  તમને જણાવી દઈએ કે મેજર અભિજીતની ઉધમપુર હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. છેલ્લા બે દિવસમાં તેમના પર અનેક સર્જરી કરવામાં આવી હતી. મંગળવારે તેઓ ભાનમાં આવ્યા હતા. તેમણે પરિવાર સાથે વાતચીત કરી હતી. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે મેજર અભિજીતની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.

  ન્યૂઝ એજન્સી એનએનઆઈ સાથે વાતચીત કરતા મેજર અભિજીતે કહ્યું કે, 'હવે મને સારું લાગી રહ્યું છે. હવે ડોક્ટર્સ સાથે વાતચીત કરી શકું છું. દિવસમાં બે વખત હું મારા પગ પર ચાલ્યો પણ હતો.'

  નોંધનીય છે કે ગત શનિવારે જમ્મુ-કાશ્મીરની શિયાળુ રાજધાની જમ્મુના સુંજવાન આર્મી કેમ્પમાં આતંકીઓ ઘૂસી ગયા હતા. આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધી 6 જવાના શહીદ થઈ ગયા છે.

  Published by:Vinod Zankhaliya
  First published: