પરંપરાને તોડતી કેરળની આ 23 વર્ષની 'બુરખા' બોડીબિલ્ડર!

 • Share this:
  ભારતમાં બુરખો પહેરીને કોઈ યુવતીએ બોડીબિલ્ડિંગ કે વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ જીતી હોય તેવું કોઈ કહે તો આ વાત સાંભળવી જરા અજીબ લાગે. પરંતુ કેરળની 23 વર્ષીય મજીઝીયા ભાનુએ આ પરંપરાને તોડીને પોતાનું નામ રોશન કર્યું છે.

  ભાનુ હાલમાં ડેન્ટિસ્ટનો અભ્યાસ કરી રહી છે. તેણે પાવર લિફ્ટિંગમાં અનેક એવોર્ડ જીત્યા છે. છેલ્લે તેણે 25મી ફેબ્રુઆરીના રોજ બોડીલિફ્ટિંગ એસોસિએશન દ્વારા આયોજીત સ્પર્ધામાં બેસ્ટ વુમન ફિટનેસ ફિઝીકનો એવોર્ડ જીત્યો છે.

  આ અંગે વાત કરતા ભાનુએ જણાવ્યું હતું કે, 'હું અકસ્માતે બોડિબિલ્ડિંગ પ્રોફેશનમાં આવી ગઈ હતી. આ માટે મને મારા ફિયાન્સે પ્રોત્સાહિત કરી હતી. શરૂઆતમાં મેં આનાકાની કરી હતી, કારણ કે આનાથી મારું શરીર ઉઘાડું પડવાની શક્યતા રહેલી હતી. પરંતુ મારા ફિયાન્સે મને ઈજીપ્ત જેવા દેશમાં બુરખો પહેરીને બોડીબિલ્ડિંગ કરતી મહિલાઓની તસવીરો બતાવીને મને પ્રોત્સાહિત કરી હતી. ત્યારે મેં વિચાર્યું હતું કે હું પણ આવું તો કરી જ શકું.'

  રાજ્યના પાવરલિફ્ટિંગ એસોસિએશન દ્વારા ભાનુને ત્રણ વખત રાજ્યની શક્તિશાળી મહિલાનો ખિતાબ આપવામાં આવી ચુક્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભાનુએ 2016ના અંતમાં પાવર લિફ્ટિંગની તાલિમ લેવાનું શરૂ કર્યું હતું.

  ભાનુના જીમ ઇન્ટ્રક્ટરે કહ્યું હતું કે, 'તેને છોકરીની જેમ જ તાલિમ આપવામાં આવી છે. હું તો એમ કહીશ કે તેણીએ જેવી તાલિમ મેળવી છે તેવી તો છોકરાઓ પણ નથી લઈ શકતા. તે પોતાની તાલિમને 100 ટકા સમર્પિત રહી હતી. બુરખો પહેરીને આવી તાલિમ લેવી એવું અહીં ક્યારેય જોવા મળતું નથી. પરંતુ તેણીએ આ શક્ય બનાવ્યું છે.'

  બુરખામાં તે સ્વસ્થ અનુભવ કરી રહી છે તેવું જણાવતા ભાનુ કહે છે કે, 'મારે જે કરવું હતું તે મેં બધુ જ કર્યું છે. હંમેશા મારી પડખે ઉભા રહેવા બદલ મારા માતા-પિતા અને ફિયાન્સની હું ખૂબ આભારી છું. મહિલાઓને તેમના સપના પૂરા કરવાની છૂટ આપવી જોઈએ.'
  Published by:Vinod Zankhaliya
  First published: