પેપર લીક મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરીથી મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'બાળકોનો તણાવ દૂર કરવા માટે તેમણે એક્ઝામ વોરિયર બુક લખી હતી. હવે તેમનું આગામી પુસ્તક હશે એક્ઝામ વોરિયર-2, જે પેપર લીક બાદ પરેશાન સ્ટુડન્ટ્સ અને તેમના પરિવારના લોકોને તણાવ મુક્ત રહેવાની ટિપ્સ આપશે.'
કોંગ્રેસે સરકારને ઘેરી
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ)નું ધોરણ-12 અને ધોરણ-10નું પેપર લીક થયા બાદ આખા દેશમાં બુમરાણ મચી ગઈ છે. સીબીએસઈ પેપર લીક મામલે કેન્દ્ર સરકાર ચારે તરફથી ઘેરાતી નજરે પડી રહી છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ મોદી સરકારને પાંચ સવાલ પૂછ્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર આ મુદ્દાને દબાવવા માટે 'ઓપરેશન કવરઅપ' ચલાવી રહી છે. તો આ અંગે કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે દેશમા પરીક્ષા સિસ્ટમ પર માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે સીબીએસઈએ ધોરણ-10ના ગણિત અને ધોરણ-12ના અર્થશાસ્ત્રની પરીક્ષા ફરીથી લેવાની જાહેરાત કરી છે.
આખા દેશના સ્ટુડન્ટ્સ પરેશાનઃ સિબ્બલ
મોદી સરકાર પર નિશાન સાધતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, 'એવું લાગી રહ્યું છે કે આખા દેશની પરીક્ષા વ્યવસ્થા માફિઓના હાથમાં છે. 20 લાખ બાળકોએ ફરીથી પરીક્ષા આપવી પડશે. મોદી મૌન છે, તેમને કોઈ ચિંતા નથી શું? બાળકો રસ્તા પર છે. કોઈએ માફી સુદ્ધા નથી માંગી. ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે 20 લાખ બાળકો એક જ પેપરથી પરીક્ષા આપી રહ્યા છે. આ સિસ્ટમ કેમ બદલવામાં આવી? આને બદલવા માટે કોનું દબાણ હતું? પહેલા દરેક ઝોન પ્રમાણે અલગ અલગ પેપર હતા. જેના કારણે કોઈ પેપર લીક થાય તો ફક્ત એટલા વિસ્તારમાં જ ફરીથી પેપર લેવામાં આવે. હવે આખા દેશના સ્ટુડન્ટ્સ પરેશાન છે. બાળકો ટેન્શનમાં છે. તેઓ ડરી ગયા છે.'
સૂત્રોના જણાવ્યા પ્રમાણે માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે આજે સવારે સીબીએસઈ ચીફ અનિતા કરવાલ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે સીબીએસઈ ચીફ અનિતા કરવાલને મોકલવામાં આવેલા ઇમેલની જાણકારી માટે ગૂગલની મદદ માંગી છે. નોંધનીય છે કે ધોરણ-10ની પરીક્ષાની આગલી રાત્રે અનિતા કરવાલને પેપર લીક અંગેની જાણકારી ઇમેલ પર મળી હતી. એફઆઈઆર પ્રમાણે તેમને રાત્રે 1.30 વાગ્યે એક ઇમેલ મળ્યો હતો.
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન
શુક્રવારે સવારથી જ દિલ્હી ખાતે કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા પેપર લીક મામલે દેખાવો કરવામાં આવી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ હાથમાં પ્લે કાર્ડ્સ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
સુરજેવાલાએ પૂછ્યા પાંચ સવાલ
1) પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્રનો એક જ સેટ કેમ મોકલવામાં આવ્યો?
2) દેશભરમાં પરીક્ષા માફિયાઓનું રાજ કેમ છે?
3) CBSE ચેરમેનને કાર્યકાળ સમાપ્ત થયા પહેલા કેમ હટાવવામાં આવ્યા?
4) CBSEએ પેપર લીકના સમાચારનું વારેવારે ખંડન શા માટે કર્યું?
5) HRD મંત્રી અને CBSE ચેરમેનને પદ પરથી કેમ ન હટાવવામાં આવ્યા?
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર