દેવાસ: મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લા (Dewas district)માં હૃદયને હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. અહીં એક આખો હસતો રમતો પરિવાર એક જ અઠવાડિયામાં કોરોનાને કારણે ખતમ થઈ ગયો છે. સાસુ, જેઠ અને પતિના કોરોનાને કારણે નિધન થયા બાદ પૂત્રવધૂએ ગળેફાંસો ખાઈને આપઘાત (Suicide in Dewas) કરી લીધો છે. પરિવારમં હવે માતમ મનાવવા માટે પણ કોઈ નથી બચ્યું!
હૃદયને હચમચાવી દેતો આ બનાવ દેવાસ અગ્રવાલ સમાજના અધ્યક્ષ બાલકિસન ગર્ગના ઘરે બન્યો છે. સૌથી પહેલા તેમના પત્ની ચંદ્રકલા (ઉં.વ. 75)ને કોરોના થયો હતો. 14મી એપ્રિલના રોજ તેમનું નિધન થયું હતું. તેના બે દિવસ પછી તેના પુત્ર સંજય (ઉં.વ. 51) અને સ્વપ્નેશ (ઉં.વ. 48)નું નિધન થયું હતું. આ બનાવનો આઘાત તેની નાની પુત્રવધૂ સહન કરી શકી ન હતી. રેખા (ઉં.વ. 45)એ બુધવારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. એટલે કે ફક્ત એક જ અઠવાડિયામાં આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. પરિવારમાં હવે બાલકિસન ગર્ગ, તેમની મોટી પુત્રવધૂ અને પૌત્ર-પોત્રીઓ વધ્યા છે.
આપઘાતના સમાચાર બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધારે તપાસ કરી રહી છે.
લોકોને ડરાવી રહ્યાં છે મોતના આંકડા
મધ્ય પ્રદેશના ભોપાલમાં સતત કોરોનાથી મોતના આંકડા વધી રહ્યા છે. સરકારી ચોપડે ખૂબ ઓછા આંકડા સામે આવી રહ્યા છે. બીજી તરફ જો શહેરના મુખ્ય સ્મશાનના આંકડા તપાસવામાં આવે તો કંઈક નવી જ તસવીર સામે આવે છે. 21 જાન્યુઆરીના રોજ અહીં 138 મૃતદેહના પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કાર થયા હતા. જ્યારે સરકારી ચોપડે ફક્ત પાંચ મોત બતાવવામાં આવ્યા છે. 20 એપ્રિલના રોજ 148 મૃતદેહના કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કાર થયા હતા.
દેશમાં 24 કલાકમાં 3.16 લાખ લોકો થયા કોરોના સંક્રમિત
દેશમાં કોરોનાથી હાલત ખરાબ થઈ રહી છે. કોરોના વાયરસ દરરોજ નવાં નવાં રેકોર્ડ તોડી રહ્યો છે. બુધવારે દેશમાં 24 કલાકમાં જ કોરોના વાયરસ (Coronavirus)ના નવા 3 લાખ 15 હજાર 478 કેસ નોંધાયા છે. કોરોનાની શરૂઆત બાદ એક દિવસમાં નોંધાયેલા વિશ્વમાં આ સૌથી વધારે કેસ છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે સંક્રમિતનો રેકોર્ડ અમેરિકાના નામે હતો. અમેરિકામાં આઠમી જાન્યુઆરી, 2021ના રોજ 3,07,570 સંક્રમિત મળ્યા હતા. હવે આ મામલે ભારત સૌથી આગળ નીકળી ગયું છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 2,101 લોકોનાં મોત થયા હતા. બુધવારે રેકોર્ડ 1 લખા 79 હજાર 372 લોકો સાજા પણ થયા છે. કોરોનાને પગલે દેશમાં અત્યારસુધી 1 લાખ 84 હજાર 672 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારસુધી કોરોનાથી કુલ સંક્રમિત સંખ્યા વધીને 1 કરોડ 59 લાખ 24 હજાર 732 થઈ છે. દેશમાં હાલ 24 લાખ 84 હજાર 209 દર્દીની સારવાર ચાલી રહી છે. આ સંખ્યા કુલ સંક્રમિતના 14.3 ટકા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર