ભોપાલ : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખૂદ તેમણે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. શિવરાજસિંહ ચૌહાણે શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ટ્વીટ કરીને લખ્યું છે કે, "મારા પ્રિય દેશવાસીઓ, મારામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું મારા સાથીઓને અપીલ કરું છું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો રિપોર્ટ કરાવી લે. મારી નજીકના લોકો હૉમ ક્વૉરન્ટીન થઈ જાય."
કોરોનાની સમીક્ષા બેઠક
શિવરાજસિંહે વધુ એક ટ્વીટમાં લખ્યું છે કે, "સમયસર સારવાર મળે તો કોરોનાનો દર્દી સાજો થઈ જાય છે. હું 25મી માર્ચથી દરરોજ સાંજે કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા બેઠક કરતો રહ્યો છું. હવે હું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠક કરવાનો પ્રયાસ કરીશ."
અન્ય એક ટ્વીટમાં શિવરાજસિંહે લખ્યું છે કે, "મારી ગેરહાજરીમાં આ બેઠક ગૃહમંત્રી @drnarottammisra, નગર વિકાસ તેમજ પ્રશાસન મંત્રી @bhupendrasingho, સ્વાસ્થ્ય શિક્ષા મંત્રી @VishvasSarang અને સ્વાસ્થ્ય મંત્રી @DrPRChoudhary કરશે. હું મારી સારવાર દરમિયાન રાજ્યમાં #COVID19ના નિયંત્રણ માટે શક્ય તમામ પ્રયાસ કરીશ."
મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસની સ્થિતિ :
મધ્ય પ્રદેશ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 26,210 કેસ સામે આવ્યા છે. જેમાંથી 17,866 લોકો સાજા થયા છે. શનિવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં 507 નવા કેસ ઉમેરાયા છે. રાજ્યમાં કોરોનાને પગલે અત્યાર સુધી 791 લોકોએ જીવ ગુમાવ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:July 25, 2020, 12:20 pm