ચૂંટણી 2019 : J&Kની આ એક બેઠક પર ત્રણ તબક્કામાં મતદાન યોજાશે!

ફાઇલ તસવીર

અનંતનાગ લોકસભા ક્ષેત્રમાં 16 વિધાનસભા ક્ષેત્ર છે, આ તમામ દક્ષિણ કાશ્મીરમાં આવે છે. આ તમામ વિધાનસભા ક્ષેત્ર ગત પાંચ વર્ષથી હિંસાની ઝપેટમાં છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : દક્ષિણ કાશ્મીર સ્થિત તેમજ આતંકવાદથી પ્રભાવિત અનંતનાગ લોકસભા વિસ્તારમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. આ ખરેખર અભૂતપૂર્વ છે, કારણ કે કદાચ પ્રથમ વખત કોઈ એક જ બેઠક પર ત્રણ તબક્કામાં વોટિંગ થશે. આ અંગે જણાવતા મુખ્ય ચૂંટણી કમિશ્નાર સુનિલ અરોડાએ કહ્યુ કે, "અમારે અનંતનાગમાં એક જ લોકસભા ક્ષેત્રની ત્રણ તબક્કામાં ચૂંટણી કરવી પડશે. તમે વિચારી શકો છો કે આ કામ કેટલું જટિલ છે."

  રાજ્ય તેમજ તેની આસપાસ ઘટી રહેલી ઘટનાઓને કારણે આવું કરવું પડી રહ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં કહ્યુ કે ચૂંટણી પંચ પુલવામા હુમલા બાદ સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહેલા રાજ્યમાં કેવી રીતે ચૂંટણી યોજી શકાશે તેના પર વિચારી રહી છે.

  2014ના વર્ષમાં અનંતનાગ બેઠક પર મહેબૂબા મુફ્તિએ જીત મેળવી હતી. તેમને કુલ 2,00,429 મત મળ્યા હતા, જે કુલ વોટના 53.41 ટકા હતા. મહેબૂબા મુફ્તિ તેમના પિતા મુફ્તિ મોહમ્મદ સઈદના નિધન બાદ સીએમ બન્યા તો તેમણે સાંસદ પદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા અહીં પેટા ચૂંટણી યોજાઈ ન હતી.

  આ પણ વાંચો : 30 દિવસમાં ચૂંટણી : શું બીજેપીને ફરીથી જીત મળશે? આવું છે રાજકીય ગણિત 

  અનંતનાગ લોકસભા ક્ષેત્રમાં 16 વિધાનસભા ક્ષેત્ર છે, આ તમામ દક્ષિણ કાશ્મીરમાં આવે છે. આ તમામ વિધાનસભા ક્ષેત્ર ગત પાંચ વર્ષથી હિંસાની ઝપેટમાં છે. બીજી તરફ રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પણ અનિશ્ચિત કાળ માટે સ્થિગિત કરી દેવામાં આવી છે. હાલ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે.

  જુલાઇ 2016માં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાણીના મોત બાદ રાજ્યમાં હિંસા ભડકી હતી. જે બાદમાં અલગતાવાદીઓને જેલમાં જવાનો વિરોધ, એનઆઈએના દરોડા, જમાત-એ-ઇસ્લામી પર કાર્યવાહી, પુલવામા હુમલો અને આર્ટિકલ 370 અને 35-એને લઈને વિરોધ પ્રદર્શન શરૂ છે. આથી જ ચૂંટણી પંચ માટે અહીં ચૂંટણી કરાવવાનું કામ સૌથી મુશ્કેલ હશે.

  અમુક સમય પહેલા પૂર્ણ થયેલી નગરપાલિકા ચૂંટણીમાં જમ્મુના અમુક વિસ્તારોમાં 80 ટકા મતદાન થયું, જ્યારે ઘાટીમાં 8 ટકા જેટલું મતદાન થયું. જમ્મુ-કાશ્મીરમાં પાંચ તબક્કામાં 11મી એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ અને છઠ્ઠી મેના રોજ મતદાન થશે.
  Published by:Vinod Zankhaliya
  First published: