ન્યૂઝ18 ગુજરાતી : ગુરુવારે પીએમ મોદી સાથે 57 મંત્રીઓએ શપથ લીધા છે. મંત્રી મંડળમાં આ વખતે 22 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ 22 લોકોમાં અમિત શાહનો પણ સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને કયુ ખાતું સોંપવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે. અમિત શાહને બીજેપીના ચાણક્ય માનવામાં આવે છે. માનવામાં આવે છે કે મોદી સરકારમાં અમિત શાહને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. એવી પણ ચર્ચા છે કે તેમને નાણા મંત્રાલય સોંપવામાં આવી શકે છે. તો જાણીએ શા માટે અમિત શાહ નાણામંત્રી તરીકે ઉત્તમ સાબિત થઈ શકે છે.
શા માટે ઉત્તમ નાણામંત્રી સાબિત થઈ શકે?
અમિત શાહ આર્થિક બાબતો સાથે જોડાયેલા છે. શાહનો જન્મ મુંબઈના એક વેપારી પરિવારમાં થયો છે. તેઓ ગુજરાતના એક શ્રીમંત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સ્નાતક પછી તેમણે પોતાના પિતાનો બિઝનેસ સંભાળ્યો હતો. રાજકારણમાં આવતા પહેલા તેઓ પ્લાસ્ટિકના પાઇપનો પોતાનો પારિવારિક બિઝનેસ સંભાળતા હતા.
અમિત શાહ ફક્ત રાજનીતિ જ નહીં પરંતુ શેર બજારના મોટા ખેલાડી છે. અમિત શાહે શેર બજારમાં આશરે રૂ. 17.56 કરોડનું રોકાણ કર્યું છે. તેમણે ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં આ જાણકારી આપી છે.
મનીકંટ્રોલ.કોમના ડેપ્યૂટી એક્ઝિક્યુટિવ એડિટર ગૌરવ ચૌધરીના જણાવ્યા પ્રમાણે અમિત શાહ નાણામંત્રી પદના મજબૂત દાવેદાર છે. કારણ કે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં દેશના તમામ વિસ્તારોનો પ્રવાસ કર્યો છે, અને તેમને લોકોની જરૂરિયાતનો સારી રીતે અંદાજ છે. કયા વિસ્તારમાં કેવી પોલીસી લાવવી જોઈએ તે વાત તેઓ સારી રીતે જાણે છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી સાથે તેમને સારો મેળ છે. આ કારણે કોઈ પણ પ્લાનને મંજૂર કરવા માટે ઓછો સમય લાગે તેવી સંભાવના છે.
અમિત શાહની કુલ સંપત્તિ રૂ. 20 કરોડ છે. જેમાંથી આશરે 17.56 કરોડ રૂપિયા અમિત શાહે કેપિટલ માર્કેટમાં રોક્યા છે. જેમાં ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ અને ડિબેન્ચર્સ સામેલ છે. આ ઉપરાંત અમિત શાહના પત્નીએ પણ શેર બજારમાં રૂ. 4.39 કરોડનું રોકાણ કર્યું છે.