ન્યૂઝ18 ગુજરાતી : નરેન્દ્ર મોદીની ગત સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહેલા જેપી નડ્ડા સહિત કુલ 37 મંત્રીઓને નવી સરકારમાં મંત્રી પદ આપવામાં આવ્યું નથી. એની સાથે જ બીજી ચર્ચા એ શરૂ થઈ છે કે જેપી નડ્ડા માટે ભાજપા મોટું વિચારી રહી છે. એવા સમાચાર છે કે એક સમયે બીજેપીના યુવા મોરચાના અધ્યક્ષ રહેલા જેપી નડ્ડાને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનું વિચારી રહી છે. હાલ આ જવાબદારી અમિત શાહ સંભાળી રહ્યા છે. જમીન સાથે જોડાયેલા જેપી નડ્ડાને બીજેપીના 'સંકટમોચન' કહેવામાં આવે છે.
ઉત્તર પ્રદેશ જીતવામાં મહત્વનું યોગદાન
લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તર પ્રદેશમાં પાર્ટીના દેખાવને ઊંચાઈ પર લઈ જવાની જવાબદારી અમિત શાહે જેપી નડ્ડાને આપી હતી. નડ્ડાએ ગુજરાતના પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા સાથે મળીને ઉત્તર પ્રદેશમાં પાર્ટીને 50 ટકા કરતા વધારે મતો અને 64 બેઠકો અપાવી હતી.
2014ની ચૂંટણી પછી અધ્યક્ષ પદની રેસમાં હતા નડ્ડા
હિમાચલ પ્રદેશના જેપી નડ્ડા 2014માં લોકસભાની ચૂંટણી પછી બીજેપીને મળેલી જીત બાદ પાર્ટી અધ્યક્ષની દોડમાં હતા. ત્યારે પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંઘને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા અને અધ્યક્ષનું પદ ખાલી પડવાનું હતું. પરંતુ ત્યારે ઉત્તર પ્રદેશમાં સારું પ્રદર્શન કરનાર અમિત શાહે બાજી મારી લીધી હતી. આ સમયે જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.
પટનાથી રાજકીય કારકિર્દી શરૂ કરી
જેપી નડ્ડાએ પોતાની રાજકીય સફરની શરૂઆત બિહારથી વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી. હિમાચલ પ્રદેશના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા નડ્ડાનો જન્મ પટનામાં થયો હતો. તેમના પિતા એનએલ નડ્ડા પટના યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. નડ્ડા 1977માં પટના યુનિવર્સિટીમાં વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી જીતી ગયા હતા. નડ્ડાએ જય પ્રકાશ નારાયણના આંદોલનમાં પણ ભાગ લીધો હતો. બાદમાં તેઓ ઉચ્ચ શિક્ષણ માટે પોતાના ગૃહરાજ્યમાં પરત ફર્યાં હતા. તેમણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો હતો અને એબીવીપી સાથે જોડાઈ ગયા હતા.
ઇતિહાસ રચ્યો
નડ્ડાના નેતૃત્વમાં 1984માં એબીવીપીએ હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં પ્રથમ વખત થયેલી બાર સ્ટૂડેન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસએફઆઈ)ને હાર આપી હતી અને પોતે સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ બની ગયા હતા. જે બાદમાં 1986 થી 1989 સુધી એબીવીપીના મહાસચિવ રહ્યા હતા. તેમના નેતૃત્વની શક્તિને જોઈને બીજેપીએ તેમને 1991માં ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ બનાવ્યા હતા. ત્યારે તેમની ઉંમર 31 વર્ષ હતી.
1993માં નડ્ડા પ્રથમ વખત ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. તેમણે હિમાચાલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં બિલાસપુરમાંથી જીત મેળવી હતી. પાર્ટીના મોટાં મોટાં નેતાઓ ચૂંટણી હારી ગયા હતા ત્યારે નડ્ડાને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા. 1998માં નડ્ડાએ બિલાસપુરથી જીત મેળવી હતી. જે બાદમાં તેમને પ્રેમ કુમાર ધૂમલની સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે, 2003માં તેઓ ચૂંટણી હારી ગયા હતા. 2007માં ફરીથી જીત મેળવી અને ધૂમલ સરકારમાં મંત્રી બન્યા હતા. જોકે, ધૂમલ સાથે મતભેદને કારણે તેમણે કેબિનેટ છોડીને સંગઠનમાં કામ કરવાનું ચાલુ કર્યું હતું. નીતિન ગડકરીએ વર્ષ 2010માં તેમને પાર્ટીના મહાસચિવ બનાવ્યા હતા. 2017માં સીએમ પદના ઉમેદવાર ધૂમલની હાર બાદ નડ્ડા મુખ્યમંત્રી પદ માટે એકલા દાવેદાર રહ્યા હતા. જોકે, એ વખતે રાજકીય માહોલ જોતા એક રાજપૂત ચહેરાને સીએમ પદની કમાન સોંપવામાં આવી હતી.
પસંદગી થાય તો નડ્ડા સામે અનેક પડકાર
2019ના વર્ષમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી નકારી શકાય નહીં. એવામાં તેમને જો અધ્યક્ષ બનાવવામાં આવશે તો વર્તમાન અધ્યક્ષ અમિત શાહે સ્થાપેલા માપદંડોને નવી ઊંચાઈએ લઈ જવાની જવાબદારી નડ્ડાની રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર