ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)માં ભાજપ અને તેના સહયોગીઓ (NDA ગઠબંધન)ના હાથે કારમી હાર બાદ મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ઘણી ચર્ચાસ્પદ રહી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પદથી રાજીનામાની રજૂઆત કરી, પરંતુ પાર્ટીના સિનિયર નેતાઓએ તેમના આ પ્રસ્તાવનો અસ્વીકાર કરી દીધો. જોકે, પાર્ટીના અંદરના સૂત્રોએ જણાવ્યું કે તેમ છતાંય રાહુલ ગાંધી રાજીનામું આપવા હજુ પણ મક્કમ છે. તેમને સમજાવવાના પ્રયાસ ચાલુ છે, પરંતુ એ વાતની શક્યતા ઓછી છે કે રાહુલ પોતાનો મૂડ બદલશે. તેઓએ એ વાત પર ભાર મૂક્યો કે અધ્યક્ષની જવાબદારી બીજા કોઈએ સંભાળવી જોઈએ.
સૂત્રો મુજબ, અધ્યક્ષ પદ માટે વર્કિંગ કમિટીની મીટિંગમાં પ્રિયંકા ગાંધીનું નામ આવ્યું તો રાહુલે કહ્યું કે, મારી બહેનને આમાં ન ખેંચો. નવા અધ્યક્ષ નૉન ગાંધી હોવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, હારની સમીક્ષા કરવા અને રાહુલ ગાંધીના રાજીનામા પર મંથન કરવા માટે શનિવારે લગભગ 6 કલાક સુધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી. રાહુલે આ પ્રસ્તાવ આજ મીટિંગમાં આપ્યો હતો. 23 મેના દિવસે જ રાહુલે માતા સોનિયાને નૈતિક આધારે પાર્ટી અધ્યક્ષ પદ છોડવાની વાત કહી હતી. રાહુલ ગાંધી તે દિવસે સાંજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સાર્વજનિક રીતે પોતાના રાજીનામાની જાહેરાત કરવા માંગતા હતા, પરંતુ સોનિયાએ રાહુલને સીડબલ્યૂસીની બેઠક સુધી રોકાવા માટે કહ્યું હતું.
'હું અધ્યક્ષ તરીકે નથી રહેવા માંગતો'
મીટિંગમાં રાહુલ ગાંધી પહેલા સૌને સાંભળતા રહ્યા. પછી તેઓએ પોતાના સમાપન ભાષણમાં કહ્યું, હું પાર્ટી અધ્યક્ષ નથી રહેવા માંગતો. હારની જવાબદારી મારી છે. નવા અધ્યક્ષને ચૂંટો. મહેરબાની કરી પ્રિયંકા ગાંધીનું નામ ન લો. ગાંધી પરિવારના બહારથી નવા અધ્યક્ષને ચૂંટો.
'પાર્ટી માટે કામ કરતો રહીશ'
રાહુલે સીડબલ્યૂસીની મીટિંગમાં કહ્યું કે, આપણે આપણી લડાઇને ચાલુ રાખવી પડશે. હું કોંગ્રેસનો અનુશાસિત સિપાહી છું અને રહીશ અને ડર્યા વગર લડતો રહીશ. પરંતુ હવે પાર્ટીના અધ્યક્ષ બનીને નથી રહેવા માંગતો. કાર્યસમિતિની આ બેઠકમાં રાહુલની માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સામેલ હતા.
રાહુલના રાજીનામનો અસ્વીકાર
ત્યારબાદ સીડબલ્યૂસીએ રાહુલના રાજીનામાની રજૂઆતનો અસ્વીકાર કરતાં પ્રસ્તાવ પાસ કર્યો કે રાહુલ અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે અને તેઓ પાર્ટીમાં જે ઈચ્છે ફેરફાર કરે. સમિતિની બેઠકમાં ઉપિસ્થિત સભ્યોએ સ્પષ્ટ કર્યું કે તેઓએ રાહુલના રાજીનામાનો અસ્વીકાર કરી દીધો છે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, આવી કઠિન સ્થિતિમાં અમારે રાહુલ ગાંધીના નેતૃત્વની જરૂર છે. સૂત્રોનું માનીએ તો હજુ પણ રાહુલ પોતાની વાત પર મક્કમ છે. રાહુલ અધ્યક્ષ સિવાયની કોઈ પણ ભૂમિકામાં કામ કરવાનો વિકલ્પ પાર્ટી સામે મૂકી ચૂક્યા છે.