Home /News /national-international /નેહરુની જેમ વાણીવિલાસમાં નહીં, ચીનને ચૂપચાપ પાઠ ભણાવવામાં માને છે મોદી!

નેહરુની જેમ વાણીવિલાસમાં નહીં, ચીનને ચૂપચાપ પાઠ ભણાવવામાં માને છે મોદી!

નરેન્દ્ર મોદીનું આ મૌન એક સારી રીતે વિચારેલી વ્યૂહરચનાનો ભાગ છે. (એપી)

પીએમ મોદી 1962ની નહેરુ જેવી ભૂલ કરવા નથી માંગતા. તેઓ ચીન સામે અડગ રહેવામાં માને છે. ડોકલામથી લઈને ગલવાન અને હવે તવાંગમાં પણ આવું જોયું જ છે. હકીકતમાં 60 વર્ષ પહેલાં નહેરુના વાણીવિલાસથી ચીનને ભારત પર પૂરેપૂરી તાકાતથી આક્રમણ કરવાનું બહાનું મળ્યું હતું.

વધુ જુઓ ...
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય સેના અને ચીની સૈનિકો સાથે ઘર્ષણના અહેવાલો વચ્ચે વિપક્ષ માંગ કરી રહ્યું છે કે, પીએમ મોદી ચીનની સામે ચૂપ કેમ છે? તેઓ કેમ ખુલીને નથી બોલી રહ્યા? મોદીનું આ મૌન સારી રીતે વિચારેલી વ્યૂહરચનાનો એક ભાગ છે. મોદી 1962ની નહેરુ જેવી ભૂલ કરવા નથી માંગતા. તેઓ ચીન સામે અડગ રહેવામાં માને છે. ડોકલામથી લઈને ગલવાન અને હવે તવાંગમાં પણ આવું જોયું જ છે. હકીકતમાં 60 વર્ષ પહેલાં નહેરુના વાણીવિલાસથી ચીનને ભારત પર પૂરેપૂરી તાકાતથી આક્રમણ કરવાનું બહાનું મળ્યું હતું.

ગત 9 ડિસેમ્બરને શુક્રવારે તવાંગ સેક્ટરમાં LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી અને પથ્થરમારો થયો હતો. આ ઘટના તવાંગ સેક્ટરના યંગસ્ટેની છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રો કહી રહ્યા છે કે, આ ઘર્ષણમાં ભારત કરતા વધુ ચીની સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલ ભારતીય સૈનિકોની ગુવાહાટીની મિલિટરી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, તવાંગ સેક્ટરના આ વિસ્તારમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની સૌથી મોટી પેટ્રોલિંગ પાર્ટી LACની નજીક આવી ગઈ અને તેનો ભારતીય સૈનિકોએ વિરોધ કર્યો, ત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. ઝઘડો વધી ગયો અને પછી હુમલો શરૂ થયો હતો. જેમાં બાવીસ ચીની અને નવ ભારતીય સૈનિકોને ઈજાની પ્રાથમિક માહિતી તમામ સૂત્રો પાસેથી મળી રહી છે. ભારતીય સેનાએ ચીની સેનાને શિખર પર કબજો કરતા રોકી હતી, આ શિખર પર કબજો કરવા ચીનની લગભગ ત્રણસો સૈનિકોની ટુકડી આવી હતી.

આ પણ વાંચો: મુંબઈના વિદ્યાર્થીએ સેવા આપવા માટે CA એન્ટ્રેસની પરીક્ષા છોડી, 4 મહિનાથી અહીં છે

વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આ અથડામણના સમાચાર આવતા જ ઉગ્ર રાજકારણ શરૂ થઈ ગયું છે. ભારતીય સેનાના પરાક્રમના વખાણ કરવાને બદલે અને તેમનું મનોબળ વધારવાને બદલે કોંગ્રેસના નેતાઓથી માંડીને ઓવૈસી સુધીના મોટાભાગના વિપક્ષી નેતાઓએ મોદી સરકાર પર પોતાના પ્રહારો વધારી દીધા છે. ચીનની સામે કેન્દ્ર સરકારનું વલણ નબળું હોવાનો આક્ષેપ કરી સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે વડાપ્રધાન મોદી આ અંગે કેમ ચૂપ છે? કેમ બોલતા નથી? સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે એવી પણ માંગણી કરવામાં આવી છે કે મોદી પોતે આ મામલે ગૃહની અંદર નિવેદન આપે અને પરિસ્થિતિ સ્પષ્ટ કરે.

સવાલ એ થાય છે કે, મોદીના મૌનનો અર્થ શું છે? શું મોદીએ ચીન સામે શબ્દો થકી મોરચો માંડવો જોઈએ કે પછી તેમણે ભારતીય સૈનિકો અને તેમની કમાન સંભળાતા અધિકારીઓને તેમનું કામ કરવા દેવું જોઈએ. LAC પર ડોકલામથી લઈને ગલવાન અને હવે અરુણાચલ પ્રદેશ સુધી તેઓ પોતાનું કામ કરી રહ્યા છે. ચીનની PLA સાથે ક્યાંય પણ ઘર્ષણ થાય ત્યારે ભારતીય સૈનિકોએ પીછેહઠ કરી નથી, તેમને જડબાતોડ જવાબ આપ્યો જ છે. માત્ર કહેવા ખાતર નહીં પણ ખરેખર. પરિણામે ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં તેના સૈનિકો માર્યા ગયા હોવાની વાત ઔપચારિક રીતે સ્વીકારી છે. આમ તો ચીન ઘણીવાર આવી બાબતો પર મૌન જાળવી રાખતું હોય છે.

ચીન સાથેના આ નાનકડા છમકલાં બાદ શું પીએમ મોદી ખુલ્લેઆમ ચીન સામે બોલવાનું શરૂ કરશે કે પછી આંતરરાષ્ટ્રીય કૂટનીતિના મામલે છેલ્લા આઠ વર્ષમાં પોતાનો પ્રભાવ ફેલાવનાર મોદી ચાણક્ય નીતિ પર ભરોસો કરશે, જેમાં પોતાના સૈનિકો પર દબાણ લાવવા અને દુશ્મનને ઘર્ષણ વધારવાની તક આપવાની જગ્યાએ દુશ્મનને ચૂપચાપ હટાવવા વધુ ઉપયોગી માનવામાં આવે છે.

આ પણ વાંચો: પહેલા પતિના પરિવારજનોએ પીલર સાથે બાંધી મહિલાને તાલિબાની સજા આપી, વીડિયો વાયરલ

વાસ્તવમાં દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેવી ભૂલો મોદી કરવા માંગતા નથી. મોદી માત્ર રાજકારણ અને રણનીતિમાં જ પારંગત નથી, પરંતુ ઇતિહાસમાંથી પણ ઊંડાણપૂર્વક શીખે છે. કહેવાય છે કે જે લોકો ઇતિહાસમાંથી શીખતા નથી તેઓ પોતાનું નુકસાન કરે છે. ડિસ્કવરી ઓફ ઈન્ડિયા અને વિશ્વ ઇતિહાસની ઝલક જેવા પુસ્તકો લખીને ઈતિહાસકારોની શ્રેણીમાં સ્થાન મેળવનાર નહેરુએ ચીનના કિસ્સામાં ઈતિહાસ પર ભરોસો ન કર્યો, ન તો ઈતિહાસથી વાકેફ સરદાર પટેલની ચેતવણી પર ધ્યાન આપ્યું હતું. સરદાર માત્ર ઈતિહાસ વાંચતા જ નહોતા, તેઓ ઇતિહાસ રચવામાં પણ માનતા હતા.

ચીન તિબેટ પર પોતાનું નિયંત્રણ વધારી રહ્યું હતું, ત્યારે 1950માં પોતાના મૃત્યુ પહેલાં સરદારે નહેરુને ચેતવણી આપતા કહ્યું હતું કે ચીન તિબેટને ગળી રહ્યું છે અને આપણે તેને આ બાબતે ટેકો આપતા રહીશું તો ચીન આવતીકાલે આપણી સરહદે આવશે અને ભવિષ્યમાં આપણા માટે મુશ્કેલી ઊભી થશે. આ ચેતવણી આપ્યાના થોડા જ સમયમાં સરદારનું અવસાન થયું, પરંતુ પોતાની જાતને આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીના નિષ્ણાંત માનનારા નેહરુ તેમની સલાહ માનવાને બદલે ચીન સામે ચુકી ગયા હતા. પહેલા તો 'હિન્દી - ચીની ભાઈ-ભાઈ'નો રાગ આલાપતા રહ્યા, સુરક્ષા પરિષદમાં ભારતને ઓફર કરવામાં આવેલું કાયમી સભ્યપદને સ્વીકારવાને બદલે ચીનને તે સભ્યપદ અપાવી દીધું અને બાદમાં જ્યારે ચીને પીઠમાં છરો ભોંકવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે એવું નિવેદન આપ્યું કે જેનો આશરો લઈને ચીને ભારત પર પૂરી તાકાતથી હુમલો કર્યો હતો.

આ ઘટના વર્ષ 1962ની છે. દેશવાસીઓની માનસ પટલમાંથી આ ઘટના ક્યારેય દૂર થઈ શકી નથી. 1947માં સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી દેશને એકમાત્ર લશ્કરી પરાજય અપાવવામાં અંતે તો નહેરુ અને તેમના ચંપલૂસ સંરક્ષણપ્રધાન વી. કે. કૃષ્ણમેનનની ભૂમિકા રહી હતી. તેઓએ ભારતીય લશ્કરના બહાદુર સેનાપતિઓની સલાહ સાંભળવાને બદલે એવા ચાપલુસ અધિકારીઓની વાત સાંભળી કે જેમને વ્યૂહાત્મક બાબતોનું કોઈ જ્ઞાન ન હતું. કોઈ પણ હોંશિયાર રાજકારણી-રાજદ્વારી ક્યારેય ન કરે એવા સમયે અને એવી જગ્યાએ ચીન સામે લડાઈ કરી હતી.

આ પણ વાંચો: શિક્ષાના પાઠ ભણાવવાની જગ્યાએ લંપટ શિક્ષકે કર્યું ખરાબ કામ

સરદાર પટેલની ચેતવણી છતાં હિન્દી - ચીની ભાઈ ભાઈનો રાગ આલાપતી વખતે નેહરુ ચીનના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા હતા, ત્યારે ચીન મેકમોહન લાઇનની બીજી બાજુ ચૂપચાપ ભારતીય પ્રદેશો પર કબજો કરવાનું કાવતરું ઘડી રહ્યું હતું અને આ માટે જરૂરી તૈયારીઓ કરી રહ્યું હતું. આની સામે ભારત પોતાની સૈન્ય તૈયારી નહોતું કરતું, અધૂરામાં પૂરું વિશ્વ શાંતિના મસીહા બનવાની ઈચ્છામાં નહેરુ માની રહ્યા હતા કે ભારતને પોતાની સૈન્ય તાકાત વધારવાની જરૂર નથી. ચીનના ખતરાની વાત તો એક તરફ રહી.



આવી સ્થિતિમાં 1959 પછી ચીને ઘણા ભારતીય વિસ્તારોમાં એક પછી એક ઘૂસણખોરી શરૂ કરી, ત્યારે આપણે સૈન્ય શક્તિ વધારવાને બદલે આપણે મૂર્ખામી ભરેલી 'ફોરવર્ડ પોલિસી' તરફ આગળ વધ્યા, જેમાં આપણે કોઈપણ સંસાધનો વિના આગળ વધ્યા. માત્ર સૈન્ય ચોકી ઊભી કરવાની ઔપચારિકતાઓનું પાલન કરવામાં આવી રહ્યું હતું અને એવું માનવામાં આવતું હતું કે ચીન તેને શાંતિથી સ્વીકારશે અને આપણી સરહદ સુરક્ષિત થઈ જશે. એવું નથી કે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ ચેતવણી આપતા ન હતા. લેફ્ટનન્ટ જનરલ એસપીપી થોરાટથી લઈને લેફ્ટનન્ટ જનરલ ઉમરાવ સિંઘ અને લેફ્ટનન્ટ જનરલ દૌલત સિંહ સુધીના ભારતની રાજકીય નેતાગીરી સતત ચીનના ખતરા તરફ ધ્યાન દોરતાં હતા, પરંતુ નેહરુ અને તેમના સંરક્ષણ પ્રધાન કૃષ્ણ મેનન, તત્કાલીન આઈબી ચીફ બીએન મલિક અને ક્યારેય કોઈ મોટી સૈન્ય કાર્યવાહીનો ભાગ ન રહેલા લેફ્ટનન્ટ જનરલ બીએમ કૌલ જેવા ચાપલુસોની વાત સાંભળતા હતા.

તત્કાલિન આર્મી ચીફ જનરલ કેએસ થિમય્યાનો મામલો જગજાહેર હતો. 1947-48ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં કાશ્મીરનો મોટો હિસ્સો ભારત પાસે રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર જનરલ થિમૈયા અને ઝોજિલાની 11 હજાર ફૂટથી વધુની ઉંચાઈએ ટેન્કો ચઢાવીને લદ્દાખને પાકિસ્તાનના હાથમાં જતાં બચાવ્યું હતું. વિશ્વના લશ્કરી ઈતિહાસમાં આલ્પ્સ પર હાથીઓ ચઢાવવાના હેનીબલની ઝુંબેશ સાથે જેમની બહાદુરીની સરખામણી કરવામાં આવે છે, તે થિમય્યાને નહેરુ ક્યાં સાંભળતા હતા? સંજોગો એવા બની ગયા હતા કે સંરક્ષણ પ્રધાન કૃષ્ણ મેનન ભારતીય સેનામાં જૂથવાદને પ્રોત્સાહન આપવામાં વ્યસ્ત હતા અને નેહરુ મેનનની વાત આંખ બંધ કરીને સાંભળતા હતા. તેમજ લશ્કરી વડા બનવાના મનસૂબાના ભાગરૂપે તત્કાલીન મેજર જનરલ સેમ માણેકશાને ખોટા આરોપો હેઠળ કોર્ટ-માર્શલ કરવામાં વ્યસ્ત જનરલ કૌલને તેમના ખોળામાં બેસાડ્યાં હતા.

સેનામાં રાજકીય ચંચુપાતથી નારાજ થિમ્મૈયાએ એક વખત રાજીનામું આપી દીધું હતું, સંસદમાં થયેલા હોબાળા બાદ નેહરુએ કૃષ્ણ મેનન અને કૌલને અંકુશમાં રાખવાની ખાતરી આપીને રાજીનામું પરત ખેંચવ્યું હતું, પરંતુ આ સાથે જ નહેરુ પોતાનું વચન પણ ભૂલી ગયા હતા. પીએમ નહેરુની આ છેતરપિંડીથી દુઃખી થિમ્મૈયા આખરે રજા પર ઉતરી ગયા હતા. જનરલ થોરાટને આગામી લશ્કરી વડા બનાવવાની થિમ્મૈયાની ભલામણને નેહરુએ બાજુએ મૂકી જનરલ પી.એન.થાપરને લશ્કરના વડા બનાવ્યા હતા. જેઓ પોતાના નિર્ણયો લેવાને બદલે કૌલની વાત સાંભળતા હતા અને સેનાની વાસ્તવિક સ્થિતિ રજૂ કરવાની હિંમત પણ એકઠી ન કરી શક્યા નહોતા.

આ પણ વાંચો : કલમ 370 હટાવ્યા બાદ ઘૂસણખોરીના કેસમાં લગભગ 75 ટકાનો ઘટાડો

આવા માહોલમાં ચીને અત્યારે અરૂણાચલ પ્રદેશ તરીકે ઓળખાતા નેફામાં ઘૂસણખોરી કરી હતી. ત્યારે નહેરૂ વધુ ફસાઈ ગયા હતા. 8 સપ્ટેમ્બર, 1962ના રોજ ચીની સેનાએ બપોરે 2.30 વાગ્યાની આસપાસ ઘૂસણખોરી કરી હતી અને ધોલા પોસ્ટને ઘેરી લીધી હતી. 12 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે ધોલા વિસ્તારમાંથી ચીની સેનાને હાંકી કાઢવાનો સેનાને આદેશ આપ્યો હતો. તે સમયે તે વિસ્તારમાં તૈનાત ભારતીય સેનાની 33 કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉમરાવ સિંહે આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. પાછલા વર્ષોમાં સેના દ્વારા આપવામાં આવેલી તમામ ચેતવણીઓ છતાં ન તો સૈનિકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો અને ન તો લશ્કરી સંસાધનોમાં વધારો કરવામાં આવ્યો હતો. નહેરુ સામ્યવાદી ચીન સાથેની મિત્રતાના નશામાં હતા, પંચશીલની વિચારસરણી તેમના દિવાસ્વપ્નોનો એક ભાગ હતી.

ધોલા વિસ્તારમાં ચીનનું મોટું આક્રમણ થતાં 14 સપ્ટેમ્બર, 1962ના રોજ નહેરુ અને કૃષ્ણ મેનનની સામે આજ્ઞાંકિત બાળકની જેમ ઉભેલા જનરલ થાપરને સરકારને એ કહેવાની ફરજ પડી હતી કે જો આપણે ચીનની સામે ધોલા વિસ્તારમાં લડવા જઈશું તો સ્થિતિ ગંભીર હશે. કારણ કે ન તો આપણી પાસે જરૂરી લશ્કરી સંસાધનો, દારૂગોળો છે, ન તો પૂરતા સૈનિકો છે. આ જ વાત તે સમયે લદ્દાખની સુરક્ષા માટે જવાબદાર પશ્ચિમી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ દૌલત સિંહ અને નેફાની સુરક્ષા માટે જવાબદાર પૂર્વી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ એલ પી સેન દ્વારા પણ કહેવામાં આવી હતી.

ત્યાં ન તો દારૂગોળો હતો કે ન તો પૂરતું લશ્કર હતું.

પરંતુ પોતાના લશ્કરી અધિકારીઓની વાત સાંભળવાને બદલે નહેરુ અને મેનન બડાઈ મારવા લાગ્યા. લશ્કરી મુખ્યાલયમાં ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકે કામ કરતા તેમના 'દરબારી' લેફ્ટનન્ટ જનરલ બી એમ કૌલને 3 ઓક્ટોબર, 1962ના રોજ નવી કોર, 4 કોરની રચના કરીને ચીનને નેફામાંથી હાંકી કાઢવાની જવાબદારી સોંપવામાં આવી હતી. દિલ્હીમાં બેઠેલા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ ષડયંત્ર રચનાર જનરલ કૌલને જ્યારે યુદ્ધના મોરચા પર જવાનું થયું, ત્યારે તેમને કોઈ ખબર જ નહોતી. કૌલને હેલિકોપ્ટર, વાહનો અને પગપાળા સહિતના તમામ માર્ગોનો ઉપયોગ કરવા છતાં નિરીક્ષણ માટે ધોલા જવામાં ત્રણ દિવસનો સમય લાગ્યો હતો. ઉબડખાબડ પર્વતીય વિસ્તારમાં ભયંકર ઠંડી વચ્ચે ઘણા દિવસો સુધી સતત ચાલતા, લડતા અને ખાદ્ય ચીજો લઈ જતા સામાન્ય સૈનિકોની પરિસ્થિતિ કેવી હતી તેની કલ્પના કરવી મુશ્કેલ છે. તેઓને આ તકલીફો સામે લડવાનું જ હતું. આ સાથે મોરચો માંડવાનો હતો અને ચીની ઘૂસણખોરોને ભગાડવાના પણ હતા.

આ બધું કેવી તૈયારી સાથે કરવાનું હતું? 1962ના એ સમયગાળામાં નેફા (NEFA)ની 300 માઇલ લાંબી સરહદની સુરક્ષા માટે ભારતીય ભૂમિસેનાની માત્ર બે જ બ્રિગેડ તૈનાત કરવામાં આવી હતી. ચીની સૈન્યનું આખું ડિવિઝન ભારતની બ્રિગેડની સામે મૂકવામાં આવ્યું હતું, જે ધોલામાં તૈનાત હતું. બાકીના લશ્કરી સાધનો અને સુવિધાઓની વાત તો દૂર રહી. જે વર્ષોમાં આપણે હિન્દી-ચીની ભાઈ-ભાઈના નારા લગાવી રહ્યા હતા, ત્યારે ચીન ચૂપચાપ મેકમોહન લાઈનની બીજી તરફ સડકોનું નેટવર્ક પાથરી રહ્યું હતું અને સૈન્યની તાકાતમાં વધારો કરી રહ્યું હતું. આની સામે ભારતીય સૈનિકો પાસે હથિયારો તો દૂર યોગ્ય પ્રકારના કપડાં અને જૂતા પણ નહોતા.

ભારતીય સૈનિકો પાસે યોગ્ય હથિયાર નહોતા

આવી નબળી તૈયારીઓ અને નેફામાં ચીનના આક્રમણ વચ્ચે 12 ઓક્ટોબર, 1962ના રોજ નહેરુએ અત્યંત બેજવાબદાર નિવેદન આપ્યું હતું. તે દિવસે સવારે પાલમ એરપોર્ટથી કોલંબો જવા માટે ઉડાન ભરતાં પહેલાં નહેરુએ બડાઈ મારી હતી – અમે ભારતીય સૈન્યને આદેશ આપ્યો છે કે તેઓ નેફા (NEFA)ના ભારતીય વિસ્તારમાંથી ચીની સૈન્યને હાંકી કાઢે. આ માત્ર બેજવાબદારીભર્યું નિવેદન જ નહોતું, ખોટું નિવેદન પણ હતું. હકીકતમાં બે દિવસ પહેલાં જ્યારે નહેરુને તેમના ખુશામત જનરલ કૌલથી નેફાની કડવી વાસ્તવિકતાની જાણ થઈ, ત્યારે તેમણે ચીની સૈનિકોને હાંકી કાઢવાના આદેશને સુધાર્યો હતો. ભારતીય સૈન્યને ધોલામાં તેના વર્તમાન મોરચાને વળગી રહેવા કહ્યું હતું.

નહેરુ આ નિવેદન આપી વિદેશ જતા રહ્યા. પરંતુ ચીને આ નિવેદનને પૂરી તાકાતથી ભારત પર હુમલો કરવાનો આધાર બનાવ્યો અને સાત દિવસ બાદ 20 ઓક્ટોબરે ભારત પર મોટી સેનાથી હુમલો કર્યો, જેનું અંતિમ પરિણામ દેશ જ નહીં, પરંતુ આખી દુનિયાને ખબર છે. ભારતીય સેનાને ચીનના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આપણા બહાદુર સૈનિકોની હિંમતના અભાવને કારણે નહીં પણ રાજકીય નેતૃત્વ દ્વારા લશ્કરી સજ્જતાની બાબતમાં ટૂંકી દૃષ્ટિ, બેજવાબદારી અને બેદરકારીને કારણે.

કોઈ સમાજવાદી દેશ ભારતને મદદ કરવા આવ્યો નથી

એક મહિના પછી ચીને સામેથી યુદ્ધવિરામ કર્યો, આપણે તો તેજપુરનો ખજાનો સળગાવી ભાગી પણ ગયા હતા. પશ્ચિમી મૂડીવાદની સામે સમાજવાદ અને બિનજોડાણવાદનો ઝંડો ફરકાવવામાં રોકાયેલા નહેરુને અમેરિકા જેવા મૂડીવાદના સૌથી મોટા પ્રતીક પાસેથી મદદ માટે ભીખ મંગાવી પડી હતી. બિનજોડાણવાદી દેશ કે સમાજવાદી દેશ ભારતની મદદે ન આવ્યા, સ્વપ્નદ્રષ્ટા નહેરુને આંતરરાષ્ટ્રીય કૂટનીતિની કડવી વાસ્તવિકતાનો અહેસાસ થયો, બે વર્ષ પછી તૂટેલા હૃદયે તેમનું અવસાન થયું. જતાં પહેલાં મેનન, થાપર અને કૌલના રાજીનામાં લઇ મનને મનાવવું પડ્યું હતું.

મોદી ઈતિહાસનું કડવું સત્ય જાણે છે

દેખીતી રીતે જ મોદી ઇતિહાસનું આ કડવું સત્ય જાણે છે, બાર વર્ષના નરેન્દ્ર મોદીને વડનગરમાં તેમના પિતાની રેલવે સ્ટેશનની ચાની દુકાનમાં કામ કરતી વખતે ભારતની કારમી હારની જાણ થઈ હતી. મોદી સરદાર પટેલ જેવા 'વાસ્તવવાદી' છે, નહેરુ જેવા 'સ્વપ્નદ્રષ્ટા' નથી. તેથી તેઓ ચીનનો શિકાર નથી બની રહ્યા, પરંતુ ચીનની સામે સંરક્ષણની તૈયારીને મજબૂત કરી રહ્યા છે, તેઓ લશ્કરી અધિકારીઓની વાત સાંભળી રહ્યા છે, બહાર બેદરારીપૂર્વક નિવેદનો નથી કરી રહ્યા, ભારતીય સેના દ્વારા ચીનના દરેક નાપાક કૃત્યનો ચૂપચાપ સામનો કરી રહ્યા છે. ડોકલામથી લઇને ગલવાન અને હવે અરૂણાચલ પ્રદેશ સુધી પણ આવું જ જોવા મળ્યું છે.

ભારતીય સેના ચીની સેનાને પીઠ બતાવી નથી ભાગતી, પરંતુ તેના બદલે બેના બદલે ચાર પથ્થર મારી રહી છે, થપ્પડ નથી ખાતી, ચીનના સૈનિકોના બંને ગાલ પર તમાચા મારી રહી છે. ચીન સાથેની સરહદ પર રસ્તાઓનું નેટવર્ક પાથરવામાં આવી રહ્યું છે, લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી સેનાની તૈનાતી વધારવામાં આવી રહી છે, રાફેલ જેવા અત્યાધુનિક લડાકુ વિમાનોને ભારતીય કાફલામાં ઝડપથી સામેલ કરવામાં આવી રહ્યા છે, સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા અભિયાનને આગળ વધારવામાં આવી રહ્યું છે, ઓર્ડનન્સ ફેક્ટરીઓ 1962ની જેમ કોફી મગ બનાવી રહી નથી. તેના બદલે ભારતીય સેના માટે ઝડપથી દારૂગોળો અને ટેન્ક બનાવવામાં આવી રહ્યા છે.

દેશને નહેરુનો વાણીવિલાસ નહીં પણ આ બધું શાંતિથી કરી રહેલા મોદીનું મૌન પસંદ છે. આથી વિરોધ પક્ષો અને નેતાઓને ચીન સામે ભારત અને ભારતની સેનાને નબળી બતાવવામાં રસ હોઈ શકે છે, દેશના લોકોને તેમાં કોઈ રસ નથી, કારણ કે જનતા 1962નો ઇતિહાસ અને 60 વર્ષ પછી 2022ના ભારતના સત્યને પણ જાણે છે.

(ડિસ્ક્લેમર: આ લેખકના અંગત મંતવ્યો છે. લેખમાં આપેલી કોઈપણ માહિતીની સત્યતા/ચોક્કસતા માટે લેખક પોતે જવાબદાર છે. News18Hindi આ માટે જવાબદાર નથી.)
First published:

Tags: India china border, India china border tension, India China Conflict, India China Dispute, India China Face off

विज्ञापन