ઉન્નાવ ગેંગરેપ અને કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે કરવામાં આવેલી હેવાનિયત બાદ આખો દેશ શરમ અનુભવી રહ્યો છે. ઉન્નાવમાં ધરપકડ કરવામાં આવેલા બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ પીડિત કિશોરીના કાકાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું છે જે દેશની સૌથી મોટી એજન્સી આ મામલે તપાસ કરી રહી છે. જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ દેશ છોડી દેશે.
સેંગરની સીબીઆઈએ કરી પૂછપરછ
ઉન્નાવ ગેંગરેપ કેસમાં સીબીઆઈએ 16 કલાકની પૂછપરછ બાદ બીજેપીના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની શુક્રવારે રાત્રે ધરપકડ કરી લીધી હતી. સીબીઆઈએ કુલદીપ સેંગરને કોર્ટમાં રજૂ કરવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અરજી પણ દાખલ કરી છે. આ અંગે સીબીઆઈ તરફથી અત્યાર સુધી ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે.
આરોપી ધારાસભ્યએ પોતાની ધરપકડ પર કહ્યું હતું કે સીબીઆઈએ તેની ધરપકડ નથી કરી પરંતુ પૂછપરછ માટે બોલાવ્યો હતો. સીબીઆઈએ પૂછપરછ દરમિયાન સેંગરને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. આ દરમિયાન સેંગરને અન્ય કોઈ વ્યક્તિને મળવા દેવામાં આવ્યો ન હતો તેમજ મોબાઇલના ઉપયોગની પણ છૂટ આપવામાં આવી ન હતી. સીબીઆઈના ચાર અધિકારીઓએ આ મુદ્દે સેંગરની પૂછપરછ કરી હતી.
આ દરમિયાન સીબીઆઈની ટીમ ઉન્નાવ પણ પહોંચી હતી. અહીં પીડિતાના પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી. આના બાદમાં પોલીસે માખી પોલીસ સ્ટેશનના છ પોલીસકર્મીની અટકાયત કરી હતી, આ તમામને લઈને સીબીઆઈની ટીમ લખનઉ આવી રહી છે. નોંધનીય છે કે પીડિતાની પિતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. તેમણે આક્ષેપ લગાવ્યો તો કે સેંગરના ભાઈ અને તેના ગુંડાઓએ તેમની સાથે મારપીટ કરી હતી. બાદમાં પોલીસે તેમને જેલમાં ધકેલી દીધા હતા.
મોદીએ તોડ્યું મૌન
જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સામે આવેલા હચમચાવી દેતા બનાવો બાદ શુક્રવારે વડાપ્રધાન મોદીએ મૌન તોડતા કહ્યું હતું કે બંને કેસમાં દીકરીઓને ન્યાય મળશે. દિલ્હી ખાતે આંબેડકર મેમોરિયલનું ઉદ્ઘાટન કરતા મોદીએ કહ્યું હતું કે દોષિતોને છોડવામાં નહીં આવે.
શું છે કેસ?
4 જૂન 2017ના રોજ માખી પોલીસ મથક વિસ્તારમાં આવતા ગામમાંથી 17 વર્ષની એક કિશોરીનું ગામના જ શુભમ અને તેનો સાથી અવધેશ તિવારી અપહરણ કરીને લઈ ગયો હતો. પીડિતાની માતાએ ફરિયાદ કરી હતી કે ધારાસભ્ય કુલદીપ સેંગરે પાડોશી મહિલાની મદદથી તેની પુત્રીને ઘરે બોલાવી તેના પર રેપ કર્યો હતો. પોલીસે એ વખતે ફરિયાદ નોંધી ન હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર