'તેમણે અનેક છોકરીઓની જિંદગી બરબાદ કરી છે' : પૂર્વ કેન્દ્રીય મંત્રી પર આક્ષેપ લગાવ્યા બાદ લૉ સ્ટુડન્ટ ગુમ

સ્વામી ચિન્મયાનંદ

છોકરીની માતાએ જણાવ્યું કે, "રક્ષા બંધનના દિવસે તેણી છેલ્લે ઘરે આવી હતી. આ સમયે મેં દીકરીને પૂછ્યું હતું કે તારો ફોન વારંવાર બંધ કેમ રહે છે? જવાબમાં તેણે કહ્યું હતું કે જો મારો ફોન બહુ લાંબા સમય સુધી બંધ રહે તો સમજવું કે હું મુશ્કેલીમાં છું."

 • Share this:
  લખનઉ : ઉત્તર પ્રદેશના શાહજહાંનપુર ખાતે એસએસ લૉ કૉલેજની એક વિદ્યાર્થિની હૉસ્ટેલમાંથી ગુમ થઈ ગઈ છે. ગુમ થતા પહેલા વિદ્યાર્થિનીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ પરેશાન કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. એટલું જ નહીં લૉ સ્ટુડન્ટે આક્ષેપ કર્યો છે કે પૂર્વ મંત્રીએ અનેક છોકરીઓની જિંદગી નરક બનાવી દીધી છે.

  શુક્રવારે લૉ સ્ટુડન્ટ તરફથી સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેણીએ આક્ષેપ લગાવ્યો હતો કે તેની કોલેજના ડિરેક્ટર ચિન્મયાનંદ તરફથી તેને અને તેના પરિવારને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. વિદ્યાર્થિનીના કહેવા પ્રમાણે તેની પાસે એવા પુરાવા છે જેનાથી સ્વામી ચિન્મયાનંદ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. યુવતીએ વીડિયો જાહેર કરીને પીએમ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે મદદ માંગી છે.

  વાયરલ થઈ રહેલી ક્લિપમાં વિદ્યાર્થિની વડાપ્રધાન મોદીને ઉદેશીને બોલી રહી છે કે, "હું શાહજહાંનપુરમાંથી આવું છું અને એસએસ કોલેજમાં LLMનો અભ્યાસ કરું છું. સંત સમુદાયના એક મોટા નેતાએ અનેક છોકરીઓની જિંદગી બરબાદ કરી છે, તેમના તરફથી મને જીવનું જોખમ છે. મારી પાસે તેમની વિરુદ્ધ તમામ પુરાવા છે. હું મોદીજી અને યોગીજીને વિનંતી કરું છું કે મારી મદદ કરો. તેણે મારા પરિવારની પણ હત્યા કરી નાખવાની ધમકી આપી છે. મારા પર શું વિતિ રહી છે તે હું જ જાણું છું. મોદીજી મારી મદદ કરો. તે સન્યાસી છે અને ધમકી આપી છે કે પોલીસ, ડીએમ સહિતના લોકો તેની પડખે છે. મને ન્યાય આપો."

  મળતી માહિતી પ્રમાણે આવો વીડિયો પોસ્ટ કર્યા બાદ વિદ્યાર્થિની કોલેજની હોસ્ટેલમાંથી ગુમ થઈ ગઈ છે. આ મામલે હજી સુધી કોઈ કેસ કે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. છોકરીના પિતા તરફથી પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી સ્વામી ચિન્મયાનંદ સામે લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી છે.

  છોકરીની માતાએ જણાવ્યું કે, "રક્ષા બંધનના દિવસે તેણી છેલ્લે ઘરે આવી હતી. આ સમયે મેં દીકરીને પૂછ્યું હતું કે તારો ફોન વારંવાર બંધ કેમ રહે છે? જવાબમાં તેણે કહ્યું હતું કે જો મારો ફોન બહુ લાંબા સમય સુધી બંધ રહે તો સમજવું કે હું મુશ્કેલીમાં છું. મારો ફોન ત્યારે જ બંધ હશે જ્યારે તે મારા હાથમાં નહીં હોય. મારી દીકરીએ મને કહ્યું હતું કે કોલેજના તંત્ર તરફથી મારી દીકરીને નૈનિતાલ મોકલવામાં આવી રહી છે."

  છોકરીના પિતાના જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લા ઘણા સમયથી તેની દીકરીનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેની કોઈ ભાળ મળી નથી રહી. "મેં કોલેજના ડિરેક્ટર સ્વામી ચિન્મયાનંદ સામે લેખિતમાં ફરિયાદ આપી હોવા છતાં તેમની સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી."

  નોંધનીય છે કે ગત વર્ષે યોગી આદિત્યનાથ સરકારે સ્વામી ચિન્મયાનંદ સામે બળાત્કાર અને અપહરણની ફરિયાદ રદ કરી હતી. વર્ષ 2011માં સ્વામીના આશ્રમમાં લાંબા સમય સુધી રહેલી એક યુવતીએ તેમની વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: