બિહારના પૂર્વ ડેપ્યૂટી મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પોતાના પિતા અને રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. શનિવારે ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ચોથા કેસમાં રાંચીની સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદ યાદવને 14 વર્ષની જેલની સજા ફટકારી હતી, તેમજ રૂ. 60 લાખનો દંડ ફટકાર્યો હતો.
રાંચીમાં લાલુને સજા સંભળાવવામાં આવ્યા બાદ તેજસ્વીએ જણાવ્યું હતું કે જેલમાં મારા પિતાને જીવનું જોખમ છે.
જોકે, લાલુના નાના પુત્રએ કોર્ટના નિર્ણય પર કોઈ ટિપ્પણી કરી ન હતી. તેજસ્વીએ કહ્યું હતું કે જો લાલુ બહાર રહેતા તો તેમના વિરોધીઓને ચૂંટણીમાં જીત ન મળતી, આ માટે જ તેમને સતત જેલમાં બંધ રાખવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.
તેજસ્વીએ કહ્યું હતું કે જનતાની કોર્ટમાંથી લાલુને ન્યાય મળી રહ્યો છે, અને આગળ પણ મળતો રહેશે. તેમણે કહ્યું કે બીજેપી-જેડીયૂને બિહારની ધરતી પરથી તગેડીને જ ઝંપીને બેસીશું. અમે કોઈ પણ કિંમતે બીજેપીના સપનાને તોડીને જ રહીશું. તેજસ્વીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ નિશાન સાધ્યું હતું.
નોંધનીય છે કે ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ સામે છ જેટલા કેસ ચાલી રહ્યા છે. જેમાંથી ચાર કેસમાં લાલુ પ્રસાદ યાદવને સજા મળી ચુકી છે. લાલુ હાલમાં ઘાસચારા ગોટાળામાં જેલની સજા ભોગવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર