દૌસા: રાજસ્થાનના (Rajasthan) દૌસા જિલ્લાના લાલસોટમાં ડૉક્ટર અર્ચના શર્માના આપઘાત કેસ (Dr. Archana Sharma Suicide Case)માં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં ડો. અર્ચનાની સ્યુસાઇડ નોટ (suicide note) સામે આવી છે. જેમાં લખ્યું છે કે, મેં કોઈ ભૂલ નથી કરી, કોઈની હત્યા નથી કરી. પીપીએચ એક કોમ્પ્લિકેશન છે, આ માટે ડોક્ટરો પર અત્યાચાર કરવાનું બંધ કરો. સ્યુસાઇડ નોટના અંતમાં તેમણે લખ્યું હતું કે મહેરબાની કરીને મારા બાળકને માતાની કમી અનુભવવા દેતા નહીં.
ડો.અર્ચના શર્માના આપઘાતના સમાચાર મળતા જ તબીબોમાં રોષ ફેલાયો હતો. ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ સોસાયટીએ બંધનું એલાન આપ્યું હતું. આ સાથે જ ઇન સર્વિસ ડોક્ટરોએ બુધવારે સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી બે કલાક સુધી કામનો બહિષ્કાર કરવાની પણ ઘોષણા કરી હતી.
વધુ વિગતો મુજબ દૌસામાં આજે તમામ ખાનગી હોસ્પિટલો, લેબ અને મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા છે. બીજી તરફ જયપુરની તમામ ખાનગી હોસ્પિટલો પણ આજે બંધ છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જ સારવાર આપવામાં આવે છે. તેઓ દોષી પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરીને ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ સાથે જ પોલીસ અધિકારીઓ અને પ્રસૂતાના પરિવારના સભ્યો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવો જોઈએ તેવી પણ રજુઆત થઈ છે.
જો મેડિકલ પ્રોટેક્શન એક્ટ, 2008 હેઠળ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. જાર્ડ દ્વારા પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ છે.
શું છે આખો બનાવ? સોમવારે દૌસા જિલ્લાના લાલસોટની આનંદ હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન પ્રસૂતાનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ ત્યાં હોબાળો મચાવ્યો હતો. આ હોબાળા બાદ હોસ્પિટલના ડોક્ટર સુનીત ઉપાધ્યાય અને તેની પત્ની ડો.અર્ચના શર્મા સામે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેથી સોમવારે રાત્રે 2.30 વાગ્યાના અરસામાં ગ્રામજનોનો હોબાળો શાંત થયો હતો.
ડિપ્રેશનમાં ડોક્ટરે આત્મહત્યા કરી મંગળવારે સવારે ડો.અર્ચના શર્માએ ઘર પર ફાંસો ખાઈ પોતાનો જીવ આપી દીધો હતો. ડૉ.અર્ચના શર્માની આત્મહત્યાની જાણ પોલીસને થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં પોલીસે લાશને પોતાના કબ્જામાં લીધી હતી. આ ઘટના બાદ પોલીસ લાશને લઈને શબઘરમાં પહોંચી ગઈ હતી અને ત્યાં મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોલીસે એફએસએલ અને તેની ટીમને બોલાવી ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા હતા. બે લોકો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધાયો લાલસોટના નાયબ પોલીસ અધિક્ષક શંકરલાલ મીણાએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના બાદ મૃતક ડો.અર્ચના શર્માના પતિ ઉપાધ્યાયે લાલસોટ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ એફઆઈઆર નોંધાવી છે. સોમવારે ધરણા કરનાર ભાજપના નેતા બલ્યા જોશી અને અખબારના પત્રકાર સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અત્યારે તબીબ દ્વારા નોંધાવાયેલી એફઆરઆઈનો તપાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર