Home /News /national-international /ગાંધી હત્યાકાંડ કેસ ડાયરી: ગાંધીજીની હત્યાનું પહેલું કાવતરું નિષ્ફળ રહ્યા બાદ આ રીતે રચ્યું હતું ષડયંત્ર

ગાંધી હત્યાકાંડ કેસ ડાયરી: ગાંધીજીની હત્યાનું પહેલું કાવતરું નિષ્ફળ રહ્યા બાદ આ રીતે રચ્યું હતું ષડયંત્ર

મહાત્મા ગાંધીનો 75મો નિર્વાણ દિવસ

Mahatma Gandhi assassination case diary: આજે દેશભરમાં મહાત્મા ગાંધીના 75મા નિર્વાણ દિવસ પર તેમની સાથે સંકળાયેલી અને તેમણે દેશ માટે જે કર્યું તે મુદ્દાઓની ચર્ચાઓ થઈ રહી છે. અમે આજે તમને અહીં એ આખી ઘટના જણાવી રહ્યા છે કે કઈ રીતે મહાત્મા ગાંધીની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. એક વખત કાવતરું નિષ્ણ રહ્યા પછી કઈ રીતે તેમની હત્યાનું ફરી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
    30 જાન્યુઆરી, 1948ના રોજ બિરલા હાઉસમાં મહાત્મા ગાંધી પોતાના રૂમમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ચર્ચા કરી રહ્યા હતા. ખૂબ જ ગંભીર વિષય પર ચર્ચા કરવામાં આવી રહી હતી અને 5:10 વાગ્યે આ ચર્ચા પૂર્ણ થઈ હતી. આ દિવસે ગાંધીજી પ્રાર્થના સભામાં મોડા પહોંચ્યા હતા.

    આભાબેન અને મનુબેનના ખભા પર હાથ રાખીને ગાંધીજી આવી રહ્યા હતા. ગાંધીજીએ કહ્યું કે, મને વાર થઈ ગઈ એ મને બિલ્કુલ પણ ન ગમ્યું. જેના જવાબમાં મનુબેને કહ્યું કે, વાતચીત ચાલતી હતી એટલા માટે હું વચ્ચે બોલી નહોતી. ગાંધીજીએ જણાવ્યું કે, ‘નર્સે દર્દીને યોગ્ય સમય પર દવા આપવી તે એની ફરજ, યોગ્ય સમયે દવા આપવામાં ન આવે તો દર્દીનો જીવ જઈ શકે છે.’

    ગાંધીજીને આવતા જોઈને ભીડે તેમનું અભિવાદન કર્યું હતું અને તેમને જવા માટે રસ્તો આપ્યો, જેથી તેઓ સરળતાથી પ્રાર્થના સભામાં જઈ શકે. તે ભીડમાં નાથૂરામ ગોડ્સે પણ હતો. ગાંધીજીને આવતા જોઈને નાથૂરામ ગોડ્સે ભીડમાંથી બહાર આવ્યો અને હાથમાં રિવોલ્વર છુપાવીને ગાંધીજીને પ્રણામ કર્યું અને એક બાદ એક ત્રણ ગોળીઓ ધરબી હતી.

    ગાંધીજી નીચે પડી ગયા અને ખૂબ જ લોહી વહી રહ્યું હતું. ભાગદોડમાં તેમના ચશ્મા અને લાકડી પડી ગયા. ગાંધીજીને રૂમમાં લાવીને ચટાઈ પર મુકવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું નિધન થઈ ગયું હતું. આસપાસ ખૂબ જ ભીડ જમા થઈ ગઈ હતી અને લોકો રડી રહ્યા હતા. ગાંધીજી જે જગ્યા પર પડી ગયા હતા, લોકો ત્યાંથી માટી લઈને જતા હતા. ત્યાં ખાડો પડી ગયો હતો, થોડા સમય બાદ ત્યાં ગાર્ડ તહેનાત કરી દેવામાં આવ્યા હતા.

    ગાંધીજીની હત્યા કરનાર નાથૂરામ ગોડ્સેની ધરપકડ કરી લેવામાં આવી હતી. ભીડે તેમના માથા પર ડંડા માર્યા હતા. ગોડસેએ કહ્યું કે, ‘મારે જે કરવું હતું, એ મેં કરી દીધું.’

    30 જાન્યુઆરી, 1948ના રોજ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી, પરંતુ આઝાદીના થોડા સમય બાદ તેમની હત્યાનું ષડયંત્ર શરૂ કરી દેવામાં આવ્યું હતું. ગાંધીજીની હત્યાની તારીખ 20 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી, પરંતુ તે દિવસે ગાંધીજીની હત્યા કરવામાં સફળતા મળી નહોતી. 10 ફેબ્રુઆરી, 1949ના રોજ લાલ કિલ્લામાં ગાંધી હત્યાકાંડ પર નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. આ હત્યાકાંડને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો?, તેમાં કોણ કોણ શામેલ હતું? તે વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    ષડયંત્ર કેવી રીતે રચવામાં આવ્યું?


    નવેમ્બર-ડિસેમ્બર 1947: પૂનામાં 17 નવેમ્બરના રોજ નારાયણ આપ્ટે અને દિગંબર બડગેની મુલાકાત લીધી હતી. આપ્ટેએ બડગેને હથિયારની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. ડિસેમ્બરના અંતમાં બડગે શસ્ત્ર ભંડાર જઈને હથિયાર જોવે છે અને કહે છે કે, થોડા દિવસમાં વિષ્ણુ કરકરે આવશે.

    9 જાન્યુઆરી 1948: સાંજે 6:30 વાગ્યે નારાયણ આપ્ટે દિંગબર બગડે પાસે આવે છે. તે જણાવે છે કે, સાંજે વિષ્ણુ કરકર કેટલાક માણસો સાથે આવશે અને હથિયાર જોશે.

    તે દિવસે જ રાત્રે 8:30 વાગ્યે વિષ્ણુ કરકરે ત્રણ લોકો સાથે શસ્ત્ર ભંડારમાં જાય છે. આ ત્રણેમાંથી એક મદનલાલ પહવા હતો. બડગે તેને હથિયાર બતાવે છે, જેમાં ગન કોટન સ્લેબ અને હેન્ડ ગ્રેનેડ હતા.

    10 જાન્યુઆરી 1948: સવારે 10 વાગ્યે નારાયણ આપ્ટે ફરી એકવાર શસ્ત્ર ભંડાર જાય છે અને દિગંબર બડગેને હિંદુ રાષ્ટ્રની ઓફિસ લઈને જાય છે. જ્યાં તેને જણાવે છે કે, બે રિવોલ્વર, બે કોટન સ્લેબ અને પાંચ હેન્ડ ગ્રેનેડની વ્યવસ્થા કરવામાં આવે. બડગે જણાવે છે કે, રિવોલ્વર નથી, પરંતુ બે ગન કોટન સ્લેબ અને હેન્ડ ગ્રેનેડની વ્યવસ્થા થઈ જશે.

    14 જાન્યુઆરી 1948: નાથૂરામ ગોડસે અના નારાયણ આપ્ટે પૂનાથી સાંજની ટ્રેનમાં બોમ્બે આવે છે. તે જ દિવસે દિગંબર બડગે અને તેનો નોકર શંકર કિસ્તૈયા પણ બે ગન કોટન સ્લેબ અને હેન્ડ ગ્રેનેડ લઈને બોમ્બે આવે છે. ચારેય વ્યક્તિ સદનમાં ભેગા થાય છે. જ્યાંથી હથિયાર લઈને દીક્ષિતજી મહારાજના ઘરે આવે છે અને સામાન મુકીને સાવરકર સદન પહોંચી જાય છે.

    15 જાન્યુઆરી 1948: સવારે સવા સાત વાગ્યે નાથૂરામ ગોડ્સે અને નારાયણ આપ્ટેએ 17 તારીખની બોમ્બેથી દિલ્હીની ફ્લાઈટ બુક કરાવી હતી. ગોડ્સેએ ‘ડીએન કરમારકર’ અને આપ્ટેએ ‘એસ. મરાઠે’ નામથી ટિકીટ લીધી હતી. તે દિવસે નારાયણ આપ્ટે, નાથૂરામ ગોડસે, વિષ્ણુ કરકરે, મદનલાલ પહવા અને દિગંબર બડગે કારથી દીક્ષિતજી મહારાજના ઘરે જાય છે. જ્યાંથી નારાયણ આપ્ટેએ સામાન લઈને વિષ્ણુ કરકરેને આપતા કહ્યું હતું કે, સાંજની ટ્રેનમાં મદનલાલને લઈને દિલ્હી આવી જાય.

    16 જાન્યુઆરી 1948: દિગંબર બડગે અને શંકર કિસ્તૈયા પૂના આવી ગયા હતા. નાથૂરામ ગોડ્સે પણ પૂના આવી ગયો હતો. બડગે અને કિસ્તૈયા ગોડ્સેને મળવા માટે હિંદુ રાષ્ટ્રની ઓફિસમાં આવ્યા હતા. ગોડ્સેએ બડગેને એક નાની પિસ્તોલ આપી હતી અને કહ્યું હતું કે, તેના બદલામાં રિવોલ્વર જોઈએ છે.

    17 જાન્યુઆરી 1948: દિગંબર બડગે અને શંકર કિસ્તૈયા સવારે બોમ્બે પહોંચ્યા હતા. બંને અલગ અલગ ઓફિસમાં ઉતર્યા હતા. બડગેએ નાથૂરામ ગોડ્સે અને નારાયણ આપ્ટે સાથે મુલાકાત કરી હતી. આ ત્રણ વ્યક્તિઓએ અલગ અલગ લોકો પાસેથી 2,100 રૂપિયા લીધા હતા. ત્યારબાગ ત્રણેયે હિંદુ મહાસભાની ઓફિસમાંથી શંકર કિસ્તૈયાને સાથે લઈને સાવરકર સદન પહોંચી ગયા હતા. તે જ સાંજે વિષ્ણુ કરકરે અને મદનલાલ પહવા દિલ્હી આવ્યા હતા. નાથૂરામ ગોડસે અને નારયણ આપ્ટે સાંજે અલગ અલગ ફ્લાઈટથી દિલ્હી જવા માટે નીકળી ગયા હતા. દિગંબર બડગે અને શંકર કિસ્તૈયા પણ ટ્રેનથી દિલ્હી જવા માટે રવાના થઈ ગયા હતા.

    17થી 19 જાન્યુઆરી 1948: દિલ્હી પહોંચી ગયા બાદ વિષ્ણુ કરકરે અને મદનલાલ પહવા શરીફ હોટલમાં રોકાયા હતા. નાથૂરામ ગોડસેએ ‘એસ. દેશપાંડે’ અને નારાયણ આપ્ટેએ ‘એમ. દેશપાંડે’ નામથી મરીના હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. ટ્રેન લેટ થવાને કારણે દિગંબર બડગે અને શંકર કિસ્તૈયા 19 જાન્યુઆરીની રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. તેઓ બંને હિંદુ મહાસભાની ઓફિસમાં રોકાયા હતા, જ્યાં તેમની મુલાકાત નાથૂરામ ગોડસેના ભાઈ ગોપાલ ગોડસે સાથે થઈ હતી.

    20 જાન્યુઆરી 1948ના રોજ શું થયું હતું?

    બિરલા હાઉસની રેકી


    સવારે નારાયણ આપ્ટે, વિષ્ણુ કરકરે, દિગંબર બડગે અને શંકર કિસ્તૈયા બિરલા હાઉસ પહોંચ્યા હતા. ચારેય વ્યક્તિએ બિરલા હાઉસની રેકી કરી અને થોડીવાર પછી બહાર આવી ગયા હતા.

    ત્યારબાદ પાછળના દરવાજેથી અંદર આવ્યા હતા. જે સ્થળે ગાંધીજી પ્રાર્થના કરતા હતા, નારાયણ આપ્ટેએ તેમને તે પ્રાર્થના સ્થળ બતાવ્યું હતું. ઉપરાંત જે સ્થળે ગાંધીજી બેસતા હતા, તે જગ્યા પણ બતાવી હતી.

    ત્યારબાદ તમામ લોકો બહાર આવી ગયા હતા. નારાયણ આપ્ટેએ બિરલા હાઉસના બીજા ગેટ તરફ ઈશારો કર્યો હતો. લોકોનું ધ્યાન ભટકાવવા માટે કહ્યું હતું કે, અહીં ગન કોટન સ્લેબથી બ્લાસ્ટ કરવામાં આવશે. થોડા સમય બાદ ચારેય વ્યક્તિઓ હિંદુ મહાસભા ભવન જતા રહ્યા હતા.

    રિવોલ્વરનું ટેસ્ટીંગ


    હિંદુ મહાસભા ભવન પહોંચ્યા બાદ નારાયણ આપ્ટેએ રિવોલ્વરનું ટેસ્ટીંગ કરવા માટે કહ્યું હતું. એક રિવોલ્વર ગોપાલ ગોડ્સેએ આપી હતી અને બીજી રિવોલ્વરની વ્યવસ્થા દિગંબર બડગેએ કરી હતી.

    ત્યારબાદ નારાયણ આપ્ટે, ગોપાલ ગોડસે, દિગંબર બડગે અને શંકર કિસ્તૈયા ભવનની પાછળ બનેલ જંગલમાં જતા રહ્યા હતા. ચારેય વ્યક્તિઓએ બંદૂક ચલાવીને જોઈ હતી, પરંતુ તેમાં મુશ્કેલી થઈ રહી હતી.

    વિષ્ણુ કરકરે અને મદનલાલ પહવા આ ચાર લોકોની સાતે મરીના હોટલ પહોંચી ગયા હતા અને ત્યાં નાથૂરામ ગોડસે રોકાયો હતો. ગોડસેએ કહ્યું હતું કે, ‘આ છેલ્લો મોકો છે, કામ પૂરું થઈ જવું જોઈએ’. નાથૂરામ ગોડસે પાસે જતા પહેલા ગન કોટન સ્લેબ અને હેન્ડ ગ્રેનેડ ફિટ કરી દેવામાં આવ્યો હતો.

    હથિયારની વહેંચણી


    તમામ પ્લાનિંગ થયા બાદ હથિયારની વહેંચણી કરવામાં આવી હતી. દિગંબર બડગેએ સૂચન કર્યું હતું કે, મદનલાલ પહવાને એક ગન કોટન સ્લેબ અને એક હેન્ડ ગ્રેનેડ આપવો જોઈએ.

    ગોપાલ ગોડસે અને વિષ્ણુ કરકરેએ પોતાની પાસે એક એક હેન્ડ ગ્રેનેડ રાખ્યો હતો. તેણે અને શંકર કિસ્તૈયાએ પોતાની પાસે એક એક રિવોલ્વર અને એક હેન્ડ ગ્રેનેડ રાખ્યો હતો.

    બડગેએ જણાવ્યું કે, નારાયણ આપ્ટે અને નાથૂરામ ગોડ્સે સિગ્નલ આપે. બડગેના સૂચનને માની લેવામાં આવ્યું.

    આપ્ટેએ સૂચન આપ્યું કે, તમામ લોકો એકબીજાને ખોટો નામથી બોલાવશે. ત્યારબાદ નાથૂરામ ગોડ્સેએ ‘દેશપાંડે’, વિષ્ણુ કરકરેએ ‘વ્યાસ’, નારાયણ આપ્ટેએ ‘કરમરકર’, શંકર કિસ્તૈયાએ‘તુકારામ’ અને દિગંબર બડગેએ ‘બંડોપત’ નામ રાખ્યું.

    હુમલો નિષ્ફળ રહ્યો હતો


    મરીના હોટલથી સૌથી પહેલા વિષ્ણુ કરકરે અને મદનલાલ પહવા નીકળ્યા હતા. થોડા સમય પછી નારાયણ આપ્ટે, ગોપાલ ગોડસે, શંકર કિસ્તૈયા અને દિગંબર બડગે નીકળ્યા અને સૌથી છેલ્લે નાથૂરામ ગોડ્સે નીકળ્યો હતો.

    વિષ્ણુ અને મદનલાલ બિરલા હાઉસ પહોંચી ગયા હતા. થોડા સમય પછી નારાયણ આપ્ટે, ગોપાલ ગોડ્સે, દિગંબર બડગે અને શંકર કિસ્તૈયા પણ પહોંચી ગયા હતા. જ્યાં સૌથી પહેલા મદનલાલ મળ્યો. નારાયણ આપ્ટેએ મદનલાલને પૂછ્યું કે, શું તે તૈયાર છે? જેના જવાબમાં હા પાડી હતી. મદનલાલે જણાવ્યું કે, ગન કોટન સ્લેબ રાખી દેવામાં આવ્યો છે, ખાલી તેને સળગાવવાનો છે. વિષ્ણુ કરકરે પ્રાર્થના સ્થળની માહિતી મેળવી રહ્યા હતો. થોડા સમય પછી નાથૂરામ ગોડસે પણ બિરલા હાઉસ પહોંચી ગયો હતો.

    નારાયણ આપ્ટેએ બડગેને પૂછ્યું કે, શું તે તૈયાર છે? જેના જવાબમાં હા પાડી હતી. આપ્ટેએ મદનલાલ પહવા જ્યાં ગન કોટન સ્લેબ હતો, ત્યાં ઊભો રહી ગયો હતો. વિષ્ણુ કરકરે, દિગંબર બડગે અને શંકર કિસ્તૈયા પ્રાર્થના સ્થળ તરફ ઝઈ રહ્યા હતા.

    દિગંબર બડગે મહાત્મા ગાંધીની બાજુમાં ઊભો હતો અને તેની બાજુમાં વિષ્ણુ કરકરે તથા શંકર કિસ્તૈયા ઊભો હતો. ત્રણથી ચાર મિનિટ બાદ બિરલા હાઉસ પાછળ બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ નાથૂરામ ગોડ્સેએ ટેક્સીમાં બેસીને કહ્યું કે, ‘કાર ચાલુ કરો’.

    થોડા સમય પછી બ્લાસ્ટના સ્થળે ભીડ જમા થઈ ગઈ હતી. એક વ્યક્તિ મદનલાલને ઓળખી ગયો હતો અને તેણે પોલીસને કહ્યું કે, આ વ્યક્તિએ જ ત્યાં બોમ્બ લગાવ્યો હતો. મદનલાલની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ગાંધીજીની હત્યાનું ષડયંત્ર નિષ્ફળ રહ્યું હતું.

    20-30 જાન્યુઆરી દરમિયાન શું શું થયું હતું?


    21 જાન્યુઆરીના રોજ સવારે નાથૂરામ ગોડ્સે અને નારાયણ આપ્ટે કાનપુર પહોંચી ગયા હતા. તેઓ 22 તારીખ સુધી રેલ્વે સ્ટેશનના રિટાયરિંગ રૂમમાં જ બેઠા હતા.

    22 જાન્યુઆરીના રોજ ગોપાલ ગોડ્સે પૂના ગયો હતો અને તેના મિત્ર પાંડુરંગ ગોડબોલેને રિવોલ્વર અને કારતૂસ છુપાવવા માટે આપ્યા હતા.

    23 જાન્યુઆરીના રોજ નાથૂરામ ગોડ્સે અને નારાયણ આપ્ટે બોમ્બે પહોંચ્યા હતા. જ્યાં તેઓ આર્યપથિક આશ્રમમાં અલગ અલગ રૂમમાં રોકાયા હતા. 24 જાન્યુઆરીના રોજ તેઓ એલ્ફિંસ્ટન હોટલમાં શિફ્ટ થઈ ગયા હતા અને 27 તારીખ સુધી રોકાયા હતા.

    25 જાન્યુઆરીના રોજ સવારે ગોડસે અને આપ્ટેએ 27 તારીખે ખોટા નામથી બોમ્બેથી દિલ્હીની ફ્લાઈટ બુક કરાવી હતી. ગોડસેએ ‘ડી.નારાયણ’ અને આપ્ટેએ ‘એન.વિનાયકરાવ’ નામથી ટિકીટ લીધી હતી. નારાયણ આપ્ટે, નાથૂરામ ગોડ્સે, વિષ્ણુ કરકરે અને ગોપાલ ગોડસેએ 25 તારીખના રોજ જી.એમ જોશી નામના વ્યક્તિના ઘરે મુલાકાત કરી હતી.

    25 જાન્યુઆરીના રોજ સવારે નાથૂરામ ગોડસે અને નારાયણ આપ્ટે દાદાજી મહારાજ અને દીક્ષિતજી મહારાજના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે આ બે વ્યક્તિ પાસેથી રિવોલ્વર માંગી હતી, પરંતુ તેમણે રિવોલ્વર આપવાની ન પાડી દીધી હતી.

    27 જાન્યુઆરીના રોજ સવારે નાથૂરામ ગોડ્સે અને નારાયણ આપ્ટે બોમ્બેથી દિલ્હી પહોંચી ગયા હતા અને તે જ દિવસે રાત્રે ટ્રેનથી ગ્વાલિયર આવી ગયા હતા. 28 જાન્યુઆરીના રોજ સવારે તેઓ બંને હિંદુ મહાસભાના નેતા ડો. દત્તાત્રેય પરચુરેના ઘરે ગયા હતા. પરચુરેના ઘરે તેમની મુલાકાત ગંગાધર દંડવતે સાથે થઈ હતી, જેમણે રિવોલ્વર અપાવવામાં મદદ કરી હતી.

    29 જાન્યુઆરીના રોજ બપોરે નાથૂરામ ગોડ્સે અને નારાયણ આપ્ટે દિલ્હી પહોંચી ગયા હતા અને 30 જાન્યુઆરી સુધી ત્યાં જ રોકાયા હતા.

    ગાંધી હત્યાકાંડ


    30 જાન્યુઆરી, 1948ના રોજ સાંજે પાંચ વાગ્યા હતા. મહાત્મા ગાંધી રૂમમાંથી જઈને પ્રાર્થના સ્થળે જઈ રહ્યા હતા. મહાત્મા ગાંધી દરરોજ સમયસર પ્રાર્થના સ્થળે પહોંચી જતા હતા, પરંતુ તે દિવસે તેમને પ્રાર્થના સ્થળે પહોંચવામાં વાર લાગી હતી.

    મહાત્મા ગાંધી આભાબેન અને મનુબેનના ખભા પર હાથ રખીને પ્રાર્થના સ્થળ પર તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે ગુરબચન સિંહ પણ હતા. ગુરબચન સિંહ કોઈની સાથે વાતો કરી રહ્યા હતા, પરંતુ ગાંધીજી આગળ જઈ રહ્યા હતા.

    તે દિવસે ખૂબ જ અજીબ વસ્તુ થઈ હતી. સામાન્ય રીતે ગાંધીજી પ્રાર્થના સ્થળે જાય ત્યારે તેમની આગળ પાછળ કોઈને કોઈ હોય છે. તે દિવસે તેમની આગળ પાછળ કોઈ ગાર્ડ નહોતો. ગાંધીજી પ્રાર્થના સ્થળથી થોડા દૂર હતા તે સમયે ભીડે ગાંધીજીને આગળ જવા માટે રસ્તો આપ્યો હતો.

    ગાંધીજી આવી રહ્યા હતા તે સમયે ભીડમાંથી નાથૂરામ ગોડસે બહાર આવ્યો હતો. ગાંધીજીને પગે લાગવાને બહાને આગળ વળ્યો અને ઊભા થઈને ગાંધીજીને ધડાધડ ત્રણ ગોળીઓ મારી દીધી. ગાંધીજીના મોઢામાંથી ‘હે રામ’ શબ્દો નીકળ્યા અને તે જમીન પર ઢળી પડ્યા.

    નાથૂરામ ગોડસી તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી હતી અને પિસ્તોલ તથા કારતૂસ પણ જપ્ત કરી લેવામાં આવી હતી.

    નાથૂરામ ગોડસેનું નિવેદન


    ‘મેં મહાત્મા ગાંધી પર પિસ્તોલથી ગોળીઓ ચલાવી તે વાત સાચી છે. અન્ય કોઈ ઘાયલ ન થાય તે માટે તેમના પર બે ગોળીઓ ચલાવવા માંગતો હતો. મેં મારા જેકેટમાંથી જ પિસ્તોલનો સેફ્ટી કેચ કાઢી નાંખ્યો હતો. મને લાગે છે કે, મેં બે ગોળીઓ ચલાવી છે, પરંતુ હવે મને ખબર પડી છે કે, મેં ત્રણ ગોળીઓ ચલાવી હતી. ગોળી ચલાવતા જ સન્નાટો છવાઈ ગયો હતો અને હું ખૂબ એક્સાઈટેડ થઈ ગયો હતો. મેં બૂમો પાડીને પોલીસને બોલાવી. અમરનાથે આવીને મને પકડી લીધો. કોન્સ્ટેબલે પણ મને પકડી લીધો. ભીડમાંથી કેટલાક લોકોએ મારી પાસેથી પિસ્તોલ લઈ લીઘી હતી. કોઈએ મને પાછળથી લાકડી પણ મારી હતી. મારા માથામાંથી લોહી વહી રહ્યું હતું. મેં તેમને કહ્યું કે, ભલે તેઓ ગમે તે કરે પણ હું ક્યાંય નથી જવાનો. મારે જે કરવાનું હતું એ મેં કરી લીધું છે. પોલીસે મને ભીડથી દૂર લઈ જવાની કોશિશ કરી. ત્યારે મેં જોયું કે કોઈ વ્યક્તિના હાથમાં મારી પિસ્તોલ છે. મેં તેને કહ્યું સેફ્ટી કેચ લગાવી લે, નહીંતર તેને ગોળી વાગી શકે છે અથવા અન્ય લોકોને ઈજા થઈ શકે છે. ત્યારે તેણે કહ્યું કે, આ જ પિસ્તોલથી તે મને મારી નાંખશે. મેં તેને કહ્યું કે, મારી પિસ્તોલથી ગાંધીજી ઘાયલ થયા છે, જેથી મને કોઈ જ દુ:ખ નથી.’

    નિર્ણયનો દિવસ


    10 ફેબ્રુઆરી 1949ના રોજ ગુરુવારે દિલ્હીના લાલ કિલ્લા પર ખૂબ જ ભીડ જમા થઈ હતી અને સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આ દિવસે મહાત્મા ગાંધીની હત્યા પર નિર્ણય આવવાનો હતો. લાલ કિલ્લામાં જ સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવી હતી. 11:20 વાગ્યે નાથૂરામ ગોડસે તથા અન્ય આરોપી કોર્ટ રૂમ પહોંચી ગયા હતા. 10 મિનિટ પછી જજ આત્માચરણ પણ પહોંચી ગયા હતા. જજે નાથૂરામ ગોડસેનું નામ લીધુ અને ત્યારબાદ તમામ આરોપીઓના નામ લીધા હતા.

    ગાંધી હત્યાકાંડમાં કુલ 9 આરોપી હતા- નાથૂરામ ગોડસે, નારાયણ આપ્ટે, ગોપાલ ગોડ્સે, વિષ્ણુ કરકરે, મદનલાલ પહવા, દત્તાત્રેય પરચુરે, દિગંબર બડગે અને તેમનો નોકર શંકર કિસ્તૈયા અને વિનાયક દામોદર સાવરકર.

    જજ આત્મચરણે 8 દોશીઓને સજા આપી જેમાં નાથૂરામ ગોડ્સે અને નારાયણ આપ્ટેને ફાંસી, તો ગોપાલ ગોડ્સે, વિષ્ણુ કરકરે, મદનલાલ પહવા, દત્તાત્રેય પરચુરે, દિગંબર બડગે અને શંકરને આજીવન કારાવાસની સજા ફટકારાઇ હતી. જયારે સાવરકરને છોડી દેવાયા હતા.

    સ્પેશ્યલ કોર્ટના આ નિર્ણયને પંજાબ હાઇકોર્ટમાં પડકારાયો. 21 જૂન 1949ના રોજ હાઇકોર્ટે પોતાનો નિર્ણય આપ્યો. જેમાં હાઇકોર્ટે શંકર અને દત્તાત્રેયને છોડી મૂક્યા તથા ગોડ્સે, નારાયણ આપ્ટે અને અન્યોની સજા યથાવત રાખી.

    જે બાદ ગોડ્સે અને નારાયણ આપ્ટેને 15 નવેમ્બર 1949ના રોજ અંબાલાની સેન્ટ્રલ જેલમાં ફાંસીની સજા આપવામાં આવી, જે આઝાદ ભારતની પ્રથમ ફાંસી હતી.
    First published:

    Tags: Gujarati news, Mahatma gandhi, National News in gujarati, મહાત્મા ગાંધી

    विज्ञापन