આજથી 600 વર્ષ પહેલાં યુરોપમાં ભારતના મસાલા અને જ્વેલરીની માંગ ખૂબ હતી. જેથી ભારત તરફ ખલાસીઓનું આકર્ષણ વધુ હતું. ભારત પહોંચી જઈશું તો ધનવાન બની જઈશું તેવું દરેક ખલાસી વિચારતો હતો. પરંતુ યુરોપથી ભારત સુધી આવવાનું કામ સરળ નહોતું. આ દરમિયાન ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવા ઇચ્છતો હતો. ભારત આવવા માટે તે 1492ની 3 ઓગસ્ટના રોજ સ્પેન ખાતેથી નીકળ્યો હતો અને ભારતના સ્થાને તે અમેરિકાના ટાપુઓ પર પહોંચી ગયો હતો. એકંદરે તેણે ભૂલથી અમેરિકાની શોધ કરી હતી.
તે સમયે ભારત સુધી જળમાર્ગે આવનાર લોકોની સંખ્યા નહિવત હતી. જેથી અમેરિકા પહોંચેલા કોલંબસને પોતે ભારત શોધી લીધું હોવાનું લાગતું હતું. જોકે, કોલંબસની માન્યતા ખોટી હતી અને આ ખોટી માન્યતા તેની સાથે આજીવન રહી હતી. તે જે ટાપુઓને ભારત સમજી રહ્યો છે તે ખરેખર અમેરિકાના ટાપુ હોવાની વાતની ખબર તેને મૃત્યુ સુધી નહોતી. કોલંબસની યાત્રા ખૂબ રસપ્રદ હતી. આજે તેની યાત્રા અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
નવો રસ્તો શોધવા કોલંબસ નીકળી પડ્યો
ક્રિસ્ટોફર કોલંબસનો જન્મ 1451માં જીનોઆ ખાતે થયો હતો. તેના પિતાનું નામ જુલાહે હતું. બાળપણથી જ કોલંબસ પિતાના કામમાં મદદ કરતો હતો. જેથી તેને દરિયો ખેડવાનો ચસ્કો લાગ્યો હતો અને તે વ્યવસાયિક ખલાસી બની ગયો હતો. તે સમયે યુરોપના દેશ ભારત સહિત એશિયન દેશો સાથે વ્યાપાર કરતા હતા. આ વ્યાપાર જમીન માર્ગે થતો હતો. તેઓ અફઘાનિસ્તાન અને ઈરાનના માર્ગે ભારત સાથે મસાલા સહિતની વસ્તુઓનો વ્યાપાર કરતા હતા. આ દરમિયાન 1453માં આ વિસ્તારમાં તુર્કાની સામ્રાજ્ય સ્થાપિત થતા યુરોપના વેપારીઓ માટે માર્ગ બંધ થઈ ગયા હતા. જેથી યુરોપના વેપારીઓ પરેશાન થઈ ગયા હતા.
બીજી તરફ કોલંબસે આ સમયગાળામાં દરિયાઈ માર્ગે ભારત આવવાનો નિર્ણય લીધો હતો. તે સમયે ભારત કેટલું દૂર છે અને ત્યાં પહોંચવા કઈ દિશાનો પ્રવાસ ખેડવો તેની જાણ કોઈને ન હતી. પરંતુ કોલંબસને પોતાના જ્ઞાન પર વિશ્વાસ હતો. તે માનતો હતો કે, પશ્ચિમના રસ્તે આગળ વધીએ તો ભારત પહોંચીશું. પણ તેની આ વાત પર અન્ય કોઈને વિશ્વાસ નહોતો.
આ સફર માટે કોલંબસને પૈસા અને ખલાસીઓની જરૂર હતી. પોતાનો વિચાર લઈ તે પોર્ટુગલના રાજા પાસે પહોંચ્યો હતો. જોકે, રાજાએ મુસાફરીનો ખર્ચ આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ સ્પેનના શાસકોએ તેની વાત સાંભળી અને યાત્રાનો ખર્ચો ભોગવવા તૈયાર થઈ ગયા હતા.
હવે પૈસાનો પ્રશ્ન તો ઉકેલાઈ ગયો પણ યાત્રા માટે કોઈ ખલાસી મળતો નહતો. કોઈને કોલંબસ પર વિશ્વાસ નહોતો. તે સમયે પૃથ્વી ટેબલની જેમ ચપટી હોવાની માન્યતા પ્રચલિત હતી. જો લાંબી દરિયાઈ મુસાફરી માટે નીકળીએ તો આગળ જતાં સમુદ્ર પૂરો થઈ જશે અને નીચે પડી જવાશે તેવું લોકો માનતા હતા.
ભારતની શોધ માટે કોલંબસે 90 ખલાસીઓને માંડ માંડ તૈયાર કર્યા હતા અને 1492ની 3 ઓગસ્ટના રોજ સાંતા મારીયા, પિંટા અને નીના નામના ત્રણ જહાજ સાથે સ્પેનથી નીકળ્યો હતો. ઘણા અઠવાડિયા વીતી ગયા હોવા છતાં મુસાફરી પુરી થઈ નહીં. દૂર દૂર સુધી પાણી જ પાણી દેખાતું હતું. પરિણામે કોલંબસ અને ખલાસીઓ ડરવા લાગ્યા હતા.
2 મહિનાથી વધુ મુસાફરી બાદ કોલંબસને ટાપુ મળ્યા
દરિયામાં ઘણો સમય વીતી ગયો હોવાના કારણે કોલંબસના ઘણા સાથીદારો પરત ફરવાનું કહેવા લાગ્યા હતા. કોલંબસને કેટલાક ખલાસીઓએ મારી નાંખવાની ધમકી આપવાનું પણ શરૂ કર્યું હતું. જોકે, કોલંબસે તેમને સમજાવ્યા હતા. આ દરમિયાન 9 ઓક્ટોબર 1492ના રોજ કોલંબસને આકાશમાં પક્ષીઓ દેખાવા લાગ્યા હતા. જેથી જહાજને તે દિશા તરફ લઈ જવાનું નક્કી થયું હતું. 12 ઓક્ટોબર 1492ના રોજ કોલંબસના જહાજ ટાપુ સુધી પહોંચ્યા હતા. ત્યારે કોલંબસને ભારત સુધી પહોંચી ગયો હોવાનું લાગ્યું હતું. પણ આ બહામાસનો સેન સલ્વાડોર ટાપુ હતો. આ ટાપુના સ્થાનિકોને ગુઆનાહાની તરીકે ઓળખવામાં આવતા હતા.
કોલંબસ ત્યાં 5 મહિના રોકાયો હતો અને અન્ય ઘણા કેરેબિયન ટાપુ શોધી કાઢ્યા હતા. જેમાં જૂઆના (ક્યુબા) અને હિસ્પાનિઓલા (સેન્ટ ડોમીનગો)નો સમાવેશ થાય છે. આ સ્થળોએથી કોલંબસે ઘણું ધન એકઠું કર્યું હતું. ત્યારબાદ તે 40 સાથીદારોને ત્યાં જ મૂકી તે 15 માર્ચ 1483ના રોજ સ્પેન પરત ફર્યો હતો. જ્યાં તેનું ભવ્ય સ્વાગત થયું હતું અને તેણે જે દેશ શોધ્યા હતા ત્યાંનો ગવર્નર બનાવી દેવાયો હતો. તે જીવ્યો ત્યાં સુધીમાં તેણે 3 વખત અમેરિકાના ટાપુઓની યાત્રા કરી હતી. કોલંબસને તેના અંતિમ સમય સુધી ખ્યાલ નહોતો કે, તેણે જે સ્થળની શોધ કરી છે તે ભારત નહીં અમેરિકાના ટાપુઓ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર