નિપાહનો શિકાર બની નર્સઃ ICUમાંથી પતિને લખ્યો પત્ર, 'મને નથી લાગતું કે હું તમને જોઈ શકીશ'

 • Share this:
  કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાઇરસને કારણે એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ચામાચીડિયાને કારણે આ વાઇરસ ફેલાઈ રહ્યો છે. આ વાઇરસથી અત્યાર સુધી 11 લોકોનાં મોત થયા છે.

  નિપાહ વાઇરસને કારણે દર્દીઓની સારવાર કરનાર એક નર્સનું પણ મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. લિની પુથુસેરી કેરળના પરામ્બૂરમાં નર્સ તરીકે કામ કરતી હતી. ગત અઠવાડિયે નિપાહ વાઇરસનો શિકાર બનેલા બે ભાઈઓને બચાવવાના ચક્કરમાં કે પોતે તેનો શિકાર બની ગઈ હતી. રવિવારે તેનું મોત થઈ ગયું હતું.

  મોત પહેલા લિની પોતાના પરિવારના કોઈ સભ્યનું મોઢું પણ ન જોઈ શકી. લિનીના પતિ સાજીશ બેહરીનમાં એકાઉટન્ટ છે. ઘટનાની જાણ થતાં તેઓ ભારત આવવા રવાના થઈ ગયા હતા, પરંતુ તેઓ પહોંચ્યા ત્યાં સુધી લિનીનું મોત થઈ ચુક્યું હતું.

  મરતા પહેલા લિનીએ પોતાના પતિને આઈસીયૂમાંથી એક પત્ર લખ્યો હતો, 'સાજીશેટ્ટા (પતિ) કદાચ હું હવે નહીં બચી શકું. મને નથી લાગતું કે હું તમને જોઈ શકીશ. હું માફી માંગી રહી છું. બાળકોનું ધ્યાન રાખજો. કૂંજૂ (પુત્રને પ્રેમથી બોલાવમાં આવતું નામ)ને પોતાની સાથે બેહરીન લઈ જજો. મારા પિતાની જેમ તેને અહીં એકલો ન છોડી દેતા. તમારા માટે અપાર પ્રેમ...'

  લિનીના પતિ સાજીશે જણાવ્યું કે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની અછતને કારણે તે બુધવારે હોસ્પિટલ ચાલી ગઈ હતી. મેં તેને કહ્યું હતું કે હોસ્પિટલ ન જાય, પરંતુ તે મારી વાત માની ન હતી. લિનીએ કહ્યું હતું કે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની અછત હોવાને કારણે તેણે જવું પડશે. કદાચ તેને ખબર હતી કે તેનો અંતિમ સમય નજીક આવી રહ્યો છે.

  દુર્ભાગ્યની વાત તો એ છે કે લિનીનો પરિવાર સરખી રીતે તેની અંતિમ સંસ્કારની વિધિ પણ કરી શક્યો ન હતો. કારણ કે અન્ય કોઈ લોકોમાં આ વાઇરસ ન પ્રવેશે તે માટે તેના ઝડપથી અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

  શું છે નિપાહ વાઇરસ?

  નિપાહ મનુષ્યો અને પશુઓમાં ફેલાતું એક ખૂબ ગંભીર પ્રકારનું ઇન્ફેક્શન (વાઇરસ) છે. આને નિપાહ એન્સેફલાઇટિસ પણ કહેવામાં આવે છે. આ વાઇરસ હેન્ડ્રા વાઇરસ સાથે સંબંધ ધરાવે છે. આ વાઇરસ ફળોના માધ્યમથી લોકોમાં ફેલાય છે. પ્રાથમિક તપાસ રિપોર્ટમાં જાણવા મળેલી માહિતી પ્રમાણે ખજૂરની ખેતી કરતા લોકોમાં આ વાઇરસ ફેલાવાનું સૌથી વધારે જોખમ રહેલું છે. 2004માં બાંગ્લાદેશમાં આ વાઇરસે હાહાકાર મચાવ્યો હતો. બાંગ્લાદેશમાં પહેલા આ વાઇરસ પાળતુ ભૂંડોના માધ્યમથી ફેલાયો હતો. બાદમાં આ વાઇરસના લક્ષણો પાળતુ પશુઓ જેવા કે કૂતરાં, બિલાડી, બકરી, ઘોડા અને ઘેટાઓમાં પણ જોવા મળ્યા હતા.

  કેવી રીતે ફેલાય છે?

  વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના જણાવ્યા પ્રમાણે, નિપાહ વાઇરસ ચામાચીડિયા મારફતે ફળો, અને ફળોના માધ્યમથી મનુષ્યો અને પ્રાણીઓમાં ફેલાય છે. 1998માં મલેશિયાના કાંપુંગ સુંગઈ નિપાહમાં સૌપ્રથમ વખત આ વાઇરસ જોવા મળ્યો હતો. આ જ કારણ છે કે તેનું નામ નિપાહ છે.

  નિપાહ વાઇરસના લક્ષણ

  જો કઈ વ્યક્તિને નિપાહ વાઇરસની ઝપેટમાં આવે છે તો તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સખત માથાનો દુઃખાવો રહે છે. તાવ આવવો, ચક્કર આવવા માથું દુઃખવું આ રોગના પ્રારંભિક લક્ષણો છે. જો યોગ્ય સમયે સારવાર ન મળે તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. મનુષ્યોમાં આ વાઇરસ એન્સેફલાઇટિસ સાથે જોડાયેલો હોય છે, આ કારણે દિમાગ પર સોજો આવી જાય છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે આ વાઇરસની ઝપેટમાં આવનાર વ્યક્તિ 24-28 કલાકમાં કોમામાં પણ સરકી શકે છે.

  કેવી રીતે બચવું?

  અત્યાર સુધી આ વાઇરસ સાથે જોડાયેલી કોઈ રસીની શોધ થઈ નથી. આ વાઇરસથી બચવા માટે ફળો, ખાસ કરીને ખજૂર ખાવાથી દૂર રહેવું જોઈએ. ઝાડ પરથી નીચે પડેલા ફળો તો બિલકુલ ન ખાવા જોઈએ. આ વાઇરસ એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં પ્રવેશ કરે છે આથી આનો ફેલાતો રોકવા માટે વાઇરસથી સંક્રમિત રોગીથી દૂર રહેવું હિતાવહ છે. આ વાઇરસની ઝપેટમાં આવેલા પશુઓ અને ખાસ કરીને ભૂંડોથી દૂર રહેવું.
  Published by:Vinod Zankhaliya
  First published: