કેરળ લવ જેહાદ કેસઃ સુપ્રીમે હાદિયા અને શફીનના લગ્નને ગણાવ્યા માન્ય

હાદિયા (ફાઈલ તસવીર)

સુપ્રીમ કોર્ટે એનઆઈએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ને કહ્યું છે કે તેની પાસે માનવ તસ્કરી અંગે કોઈ પુરાવા છે તો તે આ અંગે તપાસ ચાલુ રાખી શકે છે.

 • Share this:
  કેરળના કથિત લવ જેહાદ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે હાદિયા અને શફીનના લગ્ન માન્ય છે. સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના એ ફેંસલાને અયોગ્ય ઠેરવ્યો હતો, જેમાં હાદિયાના લગ્નને ગેરકાયદે ઠેરવવામાં આવ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે એનઆઈએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ને કહ્યું છે કે તેની પાસે માનવ તસ્કરી અંગે કોઈ પુરાવા છે તો તે આ અંગે તપાસ ચાલુ રાખી શકે છે.

  નોંધનીય છે કે કેરળની અખિલા ઉર્ફે હાદિયાના પતિ શફીન જહાંએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માંગણી કરી હતી કે તેની પત્ની હાદિયાની કસ્ટડી તેને સોંપી દેવામાં આવે. હાદિયાનું લગ્ન પહેલાનું નામ અખિલા હતું. શફીન જહાંનું કહેવું છે કે તેણે અખિલા સાથે લગ્ન કરી લીધા છે અને તેની પત્નીએ તેની મરજીથી ધર્મપરિવર્તન કર્યું છે.

  જ્યારે અખિલાના પિતાએ આક્ષેપ લગાવ્યો હતો કે તેની પુત્રીને ભોળવી લેવામાં આવી છે અને તે જેહાદ માટે સીરિયા જવા માગે છે. આ પહેલા કેરળ હાઈકોર્ટે અખિલા ઉર્ફે હાદિયાના લગ્ન ગેરકાયદે ઠેરવીને તેની કસ્ટડી તેના પિતાને સોંપી દીધી હતી.

  આ પહેલા કેરળ હાઈકોર્ટે કેરળ પોલીસને આ કેસમાં આતંકી કનેક્શનની તપાસનો આદેશ કર્યો હતો. પોલીસની તપાસમાં હજુ સુધી કંઈ સામે આવ્યું નથી. અખિલા હાલમાં તેના પિતા સાથે જ રહે છે. શફીન જહાંનું કહેવું છે કે અખિલા પુખ્તવયની છે અને તેણે પોતાની મરજીથી જ લગ્ન કર્યા છે. તે લોકોનો સીરિયા જવાનો કોઈ ઈરાદો નથી.

  હાદિયાને માનસિક ગુલામ બનાવવાનો ઉઠ્યો હતો મુદ્દો

  આ કેસમાં હાદિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક એફિડેવિટના જવાબમાં મંગળવારે તેના પિતા અશોકને કહ્યું હતું કે, હાદિયાનું શારીરિકની સાથે સાથે માનસિક અપહરણ પણ કરવામાં આવ્યું છે. આ વાત સુપ્રીમ કોર્ટના એ આદેશ બાદ આવી હતી જેમાં કોર્ટે કહ્યું હતું કે, એનઆઈએ હાદિયાના લગ્ન જીવનના પાંસાની તપાસ ન કરી શકે.

  અશોકને કહ્યું હતું કે, જ્યારે મારી પુત્રીનું શારીરિક અને માનસિક અપહરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હું ચૂપ ન બેસી શકું. તેમણે કહ્યું હતું કે તે લોકોની યોજના હતી કે હાદિયાને દેશ બહાર મોકલીને 'સેક્સ સ્લેવ' અથવા 'માનવ બોમ્બ' તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે.
  Published by:Vinod Zankhaliya
  First published: