કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે થયેલા સામુહિત દુષ્કર્મ અને હત્યાના કેસમાં બાળકીની પિતાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પીડિત મૃતક બાળકીના પિતાએ સુપ્રીમ કોર્ટમાં સુરક્ષાની માંગણી કરતા આ કેસને રાજ્યની બહાર ખસેડવાની અપીલ કરી છે. આ કેસને ચંદીગઢ ટ્રાન્સફર કરવાની માંગણી કરી છે. આ અંગે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર સરકારને નોટિસ પાઠવી છે, તેમજ પીડિતાના પરિવારને સુરક્ષાની પૂરી પાડવાનો આદેશ કર્યો છે.
કેસને ટ્રાન્સપર પર 27મી એપ્રિલે સુનાવણી
કઠુઆ રેપ કેસના અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવાની પીડિતાના પિતાની અરજી પર સુપ્રીમ કોર્ટ 27મી એપ્રિલે સુનાવણી હાથ ધરશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પીડિતાના સુપ્રીમ કોર્ટના વકીલને પણ સુરક્ષા પૂરી પાડવાનો આદેશ કર્યો છે.
જમ્મુના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની એક બાળકી પર ગેંગરેપ અને બાદમાં હત્યાને કારણે આખા દેશમાં ગુસ્સો છે. જમ્મુ-કાશ્મીરની ક્રાઇમ બ્રાંચે આ સંદર્ભે ગત સોમવારે આરોપીઓ સામે 15 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં
બકરવાલ સમાજની બાળકીના અપહરણ, બળાત્કાર અને તેની હત્યાને લઈને રુંવાળા ઉભા થઈ જાય તેવા ખુલાસા કરવામાં આવ્યા હતા.
આરોપ છે કે આઠ વર્ષની બાળકીને જાન્યુઆરીમાં એક અઠવાડિયા સુધી કઠુઆ જિલ્લાના એક ગામના મંદિરમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી. બાળકીને નશીલી દવા આપીને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બાદમાં તેની હત્યા કરી નાખવામાં આવી હતી.