ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી દાખલ દ્રમુક અધ્યક્ષ એમ. કરૂણાનિધિની તબીયત નાજુક છે, અને તેમના જરૂરી અગોને હવે ચાલુ રાખવા ડોક્ટર માટે મોટો પડકાર સાબિત થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ કરૂણાનિધિના સમાચાર લેવા સોમવારે રાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા.
મળતી તાજી જાણકારી અનુસાર કરૂણાનિધિની તબિયત ખુબ જ ગંભીર જણાવવામાં આવી રહી છે. તે ઉપરાંત કરૂણાનિધિના પુત્રી કનિમોઝી પણ હોસ્પિટલમાંથી રડતા-રડતા બહાર નિકળ્યા છે. હોસ્પિટલની બહાર કરૂણાનિધિના સમર્થકોનો જમાવડો ભેગો થઈ ગયો છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે. રાજ્યમાં સરકારી દારૂની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે.
કાવેરી હોસ્પિટલની બહાર કરૂણાનિધિના સમર્થકોની ભીડ સતત વધી રહી છે, ઘણા લોકો તેમના બેનર લહેરાવી રહ્યાં છે તો ઘણા બધા લોકો રડી રહ્યાં છે. મહિલાઓના આંખોમાં આંસુ જોવા મળી રહ્યાં છે.
આ બાજુ પોંડુચેરીના મુખ્યપ્રધાન વેલુ નારાયણસ્વામી પણ કાવેરી હોસ્પિટલ પહોંચી ગયા છે. કોવેરી હોસ્પિટલે પોતાનું નિવેદન જાહેર કરતા કહ્યું કે, 94 વર્ષીય પૂર્વ મુખ્યમંત્રીની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. હાલમાં તેઓ મેડિકલ સપોર્ટ પર છે.
કાવેરી હોસ્પિટલ અનુસાર, દ્રમુક અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિની તબીયત વધારે ખરાબ છે. વધારે ઉંમર હોવાના કારણે શરૂરના જરૂરી અંગની કાર્યક્ષમતા ચાલુ રાખવી મુશ્કેલ બની રહી છે.
હોસ્પિટલના કાર્યકારી નિર્દેશક ડોક્ટર અરવિન્દન સેલ્વારાજે કહ્યું કે, દ્રમુક અધ્યક્ષની ડોક્ટરની ટીમ સતત દેખરેખ રાખી રહી છે, અને તે મેડિકલ સપોર્ટ પર છે. આગામી 24 કલાકમાં તેમની તબીયતમાં કેટલો સુધાર આવે છે, તે પરથી આગળની ટ્રીટમેન્ટ કરી શકાશે. કરૂણાનિધિને બ્લડ પ્રેશરની સમસ્યા બાદ 28 જુલાઈના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, બ્લડ પ્રેશરની સમસ્યા તો કંટ્રોલમાં છે, પરંતુ તબીયત લથડતા તે હજુ હોસ્પિટલમાં છે.
કરૂણાનિધિની તબિયતના સમાચાર જાણવા માટે હજારોની સંખ્યામાં દ્રમુક કાર્યકર્તાઓ હોસ્પિટલ બહાર ભેગા થઈ ગયા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી એ. રાજાએ ગડકરીનું સ્વાગત કર્યું. ત્યારબાદ ગડકરી કરૂણાનિધિના પુત્ર અને દ્રમુકના કાર્યકારી અધ્યક્ષ એમ. કે. સ્ટાલિનન અને પરિવારના અન્ય સભ્યોને મળ્યા. દ્રમુક પ્રમુખના પત્ની દયાલુ અમ્મલ પણ સોમવારે તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. 28 જુલાઈ બાદ પહેલી વખત તેમના પત્ની તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અમ્મલ વ્હીલચેર સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. સામાન્ય રીતે આ વ્હીલચેરનો ઉપયોગ કરૂણાનિધિ કરતા હતા.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય કેટલાએ નેતા હોસ્પિટલ પહોંચી કરૂણાનિધિના સ્વાસ્થ્યના સમાચાર લઈ ચુક્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર