Home /News /national-international /

કર્ણાટક: ઇગલટન રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે મારપીટ, એક ઘાયલ, પક્ષે કહ્યું છાતીમાં દુઃખાવો હતો

કર્ણાટક: ઇગલટન રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે મારપીટ, એક ઘાયલ, પક્ષે કહ્યું છાતીમાં દુઃખાવો હતો

ઇગલટન રિસોર્ટ જેમાં કોંગ્રેસના ધારાસભ્યને રાખવામાં આવ્યા હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે મારામારી થતા ધારાસભ્ય આનંદ સિંહને હૉસ્પિટલમાં દાખલ કરાયા

    ન્યૂઝ 18 ગુજરાતી: કર્ણાટકમાં રાજકીય ડ્રામા બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. પહેલાં કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર (JDS)એ ભારતીય જનતા પાર્ટી પર ધારાસભ્યોને ખરીદવાનો આક્ષેપ મૂક્યો હતો તો હવે કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે મારામારીના સમાચાર છે.કોંગ્રેસના બે ધારાસભ્ય વચ્ચે થયેલી મારામારીના પગલે એક ધારાસભ્યને હૉસ્પિટલમાં દાખલ કરાયા હોવાનો અહેવાલ છે.

    સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે બેંગલુરૂના ઇગલટન રિસોર્ટમાં મારામારી થઈ હતી. આ એ જ ઇગલટન રિસોર્ટ છે, જ્યાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ ખરીદી ન લે તેની બીકે કોંગ્રેસે ગુજરાતના ધારાસભ્યને રાખ્યા હતા.

    અહેવાલ મુજબ, કોંગ્રેસના ધારાસભ્ય જે.એન. ગણેશે પોતાના સાથી આનંદ સિંહના માથામાં બોટલ મારી દેતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. પાછલા બે દિવસથી ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડે નહીં તેની બીકે કોંગ્રેસ દ્વારા આ રિસોર્ટમાં તમામ ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા.

    જોકે, આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે કોંગ્રેસ દ્વારા આ પ્રકારની કોઈ પણ ઘટના ન ઘટી હોવાનું જણાવાયું છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ કહ્યું કે આનંદ સિંહને અચાનક છાતીમાં દુઃખાવો થતા હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
    જોકે, હૉસ્પિટલમાં કોંગ્રેસના અનેક નેતાઓની હાજરી જોવા મળતા સમગ્ર મામલો જુદો હોવાની અટકળો છે.

    ઇગલટન રિસોર્ટ જેમની માલિકીનો હોવાની ચર્ચા છે તે કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય ડી.કે.શિવકુમારના ભાઈ ડી.કે.સુરેશે કહ્યું, “મને ઝઘડા વિશે કંઈ પણ માહિતી નથી. આનંદ સિંહને છાતીમાં દુઃખાવો થતા હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. એમને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી. હૉસ્પિટલમાં તેમના માતાપિતા ઉપસ્થિત છે. લોકો એમ જ અટકળો લગાવી રહ્યા છે.”

    જ્યારે આ સમગ્ર ઘટનાક્રમ વિશે ભાજપ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું. ટ્વીટમાં લખાયેલું છે કે કોંગ્રેસમાં બધું ઠીક નથી અને તેના આનાથી વિશેષ પુરાવા શું હોઈ શકે. જ્યારે કોઈ પણ રાજકીય પક્ષ નબળો પડી જાય છે, ત્યારે તે બીજા પર આક્ષેપ મૂકે છે.

    આ ધટના અંગે ભાજપના ઘારાસભ્ય આર અશોકે કહ્યું હતું કે કોંગ્રેસ ખોટું બોલી રહી છે. તેમણે આ ઘટના અંગે હોસ્પિટલના મેનેજમેન્ટ પાસે સ્પષ્ટતા માંગી છે.
    આર અશોકે કહ્યું, “ડી.કે. શિવકુમાર અને ડી.કે. સુરેશ ખોટું બોલી લોકોને ગુમરાહ કરી રહ્યા છે. અપોલો હૉસ્પિટલે આ ઘટના અંગે સ્પષ્ટતા કરવી જોઈએ કે આનંદ સિંહને છાતીમાં દુઃખાવાના કારણે દાખલ કરાયા છે કે પછી મામલો કંઈક જુદો જ છે.”
    Published by:Jay Mishra
    First published:

    Tags: કર્ણાટક, કોંગ્રેસ, ભાજપ

    આગામી સમાચાર