કર'નાટક' : સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોનાં રાજીનામાનો નિર્ણય સ્પીકર પર છોડ્યો

જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યોની ફાઇલ તસવીર

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમાર ધારાસભ્યોના રાજીનામાં પર નિયમ પ્રમાણે નિર્ણય લે. આ માટે કોઈ સમયમર્યાદા આપવામાં આવી નથી.

 • Share this:
  કર્ણાટકમાં છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા રાજકીય નાટક પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોની અરજી પર નિર્ણય આપતા કહ્યું છે કે આ અંગે વિધાનસભાના સ્પીકર નિર્ણય લઈ શકે છે. જેડીએસ-કોંગ્રેસના 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાનો નિર્ણય સ્પીકર પર છોડતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમાર ધારાસભ્યોના રાજીનામાં પર નિયમ પ્રમાણે નિર્ણય લે. આ માટે કોઈ સમયમર્યાદા આપવામાં આવી નથી.

  ધારાસભ્યો પર દબાણ ન કરી શકાય

  કોર્ટના આ નિર્ણય બાદ મુખ્યમંત્રી કુમારસ્વામી ગુરુવારે વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કરશે. કોર્ટે એવું પણ કહ્યું છે કે બળવાખોર ધારાસભ્યો વિધાનસભામાં આવવા કે ન આવવા માટે સ્વતંત્ર છે. તેમના પણ કોઈ દબાણ ન લાવી શકાય.

  હવે સ્પીકરના નિર્ણય પર નજર

  સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તમામની નજર કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમાર પર છે. જો વિધાનસભાના અધ્યક્ષ બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામાં સ્વીકારી લે છે તો તેમની સરકાર પહેલા જ પડી શકે છે.

  કેઆર રમેશ કુમાર (સ્પીકર)


  ફ્લોર ટેસ્ટના દિવસે મુંબઈમાં રહેશે બળવાખોર ધારાસભ્યો

  એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે બળવાખોર ધારાસભ્યો ગુરુવારે બેંગલુરુ નહીં આવે. ધારાસભ્યો મુંબઈમાં જ રહે તેવી શક્યતા છે.

  કોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા

  આ પહેલા મંગળવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તમામ પક્ષકારોની દલીલો સાંભળી હતી. જે બાદમાં કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ દરમિયાન કુમારસ્વામી અને વિધાનસભાના અધ્યક્ષે એક પત્ર લખીને બળવાખોર ધારાસભ્યોની અરજી પર વિચાર કરવાના કોર્ટના અધિકારક્ષેત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. બીજી તરફ બળવાખોર ધારાસભ્યોએ આક્ષેપ લગાવ્યો હતો કે વિધાનસભાના અધ્યક્ષ કેઆર રમેશ કુમાર બહુમત ગુમાવી ચુકેલી ગઠબંધન સરકારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સ્પીકરે શું કહ્યું?

  સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમારે કહ્યું કે, "હું જે પણ નિર્ણય કરીશ તે બંધારણ, કોર્ટ કે પછી લોકપાલની વિરુદ્ધ નહીં હોય."

  સ્પીકરને નિર્દેશ ન આપી શકીએ : મુખ્ય ન્યાયાધીશ

  મંગળવારે સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યુ હતુ કે, 'અમે એ નક્કી નહીં કરીએ કે વિધાનસભાના સ્પીકરે શું કરવું જોઈએ, એટલે કે તેમણે રાજીનામાનો સ્વીકાર કરવો જોઇએ કે નહીં. અમે ફક્ત એટલું કરી શકીએ કે સ્પીકર બંધારણીય રીતે પહેલા કયા મુદ્દે નિર્ણય કરી શકે છે.'
  Published by:Vinod Zankhaliya
  First published: