કર્ણાટકના પોલીસ કોન્સ્ટેબલનો અનોખો ડંડો, બે રીતે વાગે!

પોલીસ કોન્સ્ટેબલ

બેંગલુરુ પોલીસના એડીજી ભાસ્કર રાવે ચંદ્રકાંત હુતાગી પોતાના ડંડાથી મધુર સૂરો રેલાવી રહ્યા હોય તેવો વીડિયો શેર કર્યો છે.

 • Share this:
  બેંગલુરુ : હુબલી ગ્રામ્ય પોલીસના કોન્સ્ટેબલ પોતાની સાથે હંમેશા ડંડો રાખે છે. આમ તો દરેક પોલીસ કોન્સ્ટેબલ પોતાની પાસે રાખે તેવો જ આ ફાઇબરનો ડંડો છે, પરંતુ કોન્સ્ટેબલ ચંદ્રકાંત એસ હુતાગીનો ડંડો ખાસ છે. ફરજ દરમિયાન તેઓ આ દંડાથી આરોપીઓને સીધા કરે છે, જ્યારે ફરજ પર ન હોય ત્યારે તેઓ આ ડંડાથી સુમધુર સંગીત રેલવા છે.

  હકીકતમાં ચંદ્રકાતે પોતાના ફાઇબરના ડંડાને વાંસળીમાં પરિવર્તિત કરી દીધો છે. ચંદ્રકાંત હાલમાં હુબલી ગ્રામ્ય પોલીસ મથક ખાતે ફરજ બજાવે છે. તેમણે પોતાના શોખને પૂરો કરવા માટે આવું કર્યું છે.

  ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "હું હાઈસ્કૂલમાં હતો ત્યારેથી વાંસળી વગાડું છું. પોલીસની નોકરીમાં વધારે સમય આપવો પડતો હોવાથી હું ઘરે વાંસળી વગાડવાનો મારો શોખ પૂરો કરી શકતો નથી. આથી મને મારા ડંડા સાથે કંઈક નવું કરવાનો વિચાર આવ્યો અને મેં ફાઇબરના ડંડામાંથી જ વાંસળી બનાવી દીધી."

  બેંગલુરુ પોલીસના એડીજી ભાસ્કર રાવે ચંદ્રકાંત હુતાગી પોતાના ડંડાથી મધુર સૂરો રેલાવી રહ્યા હોય તેવો વીડિયો શેર કર્યો છે.

  તેમણે ટ્વિટ કરતા લખ્યું છે કે, "હુબલી ગ્રામ્ય પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત હુતાગીએ પોતાના ફાઇબરના ડંડાને વાજીંત્રમાં બદલી નાખ્યો છે, અમને તેમના પર ગર્વ છે."

  ચંદ્રકાંતે વધુમાં જણાવ્યું કે,"ચીક્કમંગલુરુના દત્તા પીતા ખાતે સાત દિવસ સુધી મને તહેનાત કરવામાં આવ્યો હતો. આ સમયે અમને સમય પહેલા જ ફરજ પર બોલાવી લેવામાં આવતા હતા. ત્યારે હું તણાવમાં રહેતો હતો. આથી મેં તણાવને દૂર કરવા માટે ડંડામાંથી વાંસળી બનાવી હતી. મારા વિભાગમાં દરેક લોકો મારાથી ખૂબ ખુશ છે. મારો આ ડંડો મને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ મધુર સંગીત છેડવામાં મદદ કરે છે."
  Published by:Vinod Zankhaliya
  First published: