Home /News /national-international /કર્ણાટકમાં 'કિંગ મેકર' બન્યા વજુભાઈ વાળા! ભાજપ-કોંગ્રેસના પ્રતિનિધિઓ મળવા દોડ્યા

કર્ણાટકમાં 'કિંગ મેકર' બન્યા વજુભાઈ વાળા! ભાજપ-કોંગ્રેસના પ્રતિનિધિઓ મળવા દોડ્યા

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામના અત્યાર સુધીના ટ્રેન્ડ્સ પરથી લાગે છે કે અહીં ત્રિશંકુ વિધાનસભા બનશે. એવું લાગી રહ્યું છે કે અહીં બીજેપી કે કોંગ્રેસ કોઈને સ્પષ્ટ બહુમત નહીં મળી રહી. હવે તમામની નજર કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા પર મંડાયેલી છે.  હાલ પુરતી સત્તાની ચાવી તેમની પાસે જ રહેશે એવું લાગી રહ્યું છે. કોઈ પણ પક્ષને બહુમતી ન મળતા ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ કર્ણાટકના ગવર્નર એવા વજુભાઈને મળવા પહોંચ્યા છે. જોકે, સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે વિધાનસભાના પરિણામ બાદ જ વજુભાઈ પાર્ટીના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે.

    વજુભાઈ વાળા ગુજરાતના પૂર્વ બીજેપી લીડર છે. 2002માં તેમણે નરેન્દ્ર મોદી માટે પોતાની રાજકોટની બેઠક છોડી હતી. બાદમાં તેમણે મોદી કેબિનેટમાં નાણા મંત્રી તરીકે કામ કર્યું હતું. ગુજરાતમાં રાજકોટ પશ્ચિમ બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. પરંતુ 1984માં બીજેપીએ આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી બીજેપી આ બેઠક પરથી ક્યારેય નથી હારી. કોંગ્રેસે 1980માં છેલ્લા આ બેઠક પરથી જીત મેળવી હતી. એ વખતે બીજેપીના ઉમેદવાર વજુભાઈ વાળા થોડા જ મતોથી હાર્યા હતા.

    આ બેઠક પરથી 1984માં વજુભાઈએ કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ ચુડાસમાને હાર આપી હતી. તેઓ વર્ષ 2002 સુધી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી બીજેપીના ધારાસભ્ય રહ્યા હતા. 2002માં તેમણે સીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે આ બેઠક ખાલી કરી આપી હતી. અહીં પેટા ચૂંટણીમાં મોદીને 45 હજાર વોટથી જીત મળી હતી. તેની સામે ઉભા રહેલા કોંગ્રેસના અશ્વિન મહેતાને 30,570 મત મળ્યા હતા.

    બાદમાં 2002માં થયેલી ચૂંટણીમાં મોદી અમદાવાદની મણિનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ સમયે વજુભાઈ ફરીથી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. તેઓ 2002, 2007 અને 2012માં ચૂંટણી જીત્યા હતા. તેમણે નરેન્દ્ર મોદી સરકારમાં નાણા મંત્રી તરીકેનું કામ કર્યું હતું.

    વર્ષ 2014માં જ્યારે કેન્દ્રમાં બીજેપીની સરકાર આવી તો તેમણે વજુભાઈને કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યા હતા. 2014ની પેટા ચૂંટણીમાં આ બેઠક પરથી વિજય રૂપાણીએ જંગી મતોથી જીત મેળવી હતી. 2016માં જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા. 2017માં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રૂપાણી બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Karnataka election result, Vajubhai Vala, ચૂંટણી, નરેન્દ્ર મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन