કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બુધવારે પોતાની કેબિનેટના અમુક સાથીઓની અનૌપચારિક બેઠક બોલાવી હતી. બેઠકમાં સિદ્ધારમૈયા બિદર જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વર ખંદેર પાસેથી વિવાદિત બિઝનેસમેન અશોક ખેનીને ટિકિટ આપવા અંગે તેમનો અભિપ્રાય જાણવા માંગતા હતા. સિદ્ધારમૈયા ખેનીને બિદર દક્ષિણમાંથી ટિકિટ આપવા માંગે છે. વિવાદિત બિઝનેસમેન અશોક ખેની નંદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર એન્ટરપ્રાઇઝ (એઆઈસીઈ)ના માલિક છે, તેમના પર હજારો કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે.
જોકે, ઇશ્વર ખંદેરના અભિપ્રાય બાદ સિદ્ધારમૈયાએ શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ્યું હતું. ઈશ્વર ખંદેરે સ્પષ્ટ કહ્યું હતું કે અશોક ખેનીને ટિકિટ ન આપવામાં આવે. પરંતુ સિદ્ધારમૈયાએ કહ્યું કે પાર્ટી પાસે તેને ટિકિટ આપાવા સિવાય છૂટકો નથી. એટલે કે ઈશ્વર ખંદેરની નામરજી છતાં અશોક ખેનીને ટિકિટ આપવા માટે તેમણે હા પાડવી પડી હતી. અશોક ખેની હાલમાં બિદર દક્ષિણ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય છે, ગયા મહિને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. સિદ્ધારમૈયા સહિત અનેક કોંગ્રેસના નેતાઓએ અશોક ખેનીને પક્ષમાં સામેલ કરવાનો વિરોધ કર્યો હતો. ગયા વર્ષે ખુદ સીએમ સિદ્ધારમૈયાએ ખેનીની કંપની વિરુદ્ધ તપાસ માટે એક કમિટિ બનાવી હતી. આ કમિટિએ ખેની વિરુદ્ધ ગંભીર ગુનાહિત કાર્યવાહીની કરવાની ભલામણ કરી હતી. આ વખતે કોંગ્રેસના અમુક નેતાઓએ ખેનીને જેલમાં ધકેલવાની વાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેનીએ દિલ્હીના રસ્તેથી કોંગ્રેસમાં એન્ટ્રી મારી છે. પાર્ટીના હાઈકમાન્ડ તરફથી તેને લીલીઝંડી મળી હતી. ન્યૂઝ 18એ જ્યારે સિદ્ધારમૈયાને ખેની અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, 'તેઓ સરકારમાં નહીં પરંતુ કોંગ્રેસમાં સામેલ થયા છે. અમે તેમને ક્લિન ચીટ નથી આપી. જો કોર્ટ દોષી ઠેરવશે તો અમે ચોક્કસ તેમની સામે કાર્યવાહી કરીશું.'
ફક્ત ખેની જ નહીં કોંગ્રેસની યાદીમાં અનેક આવા નેતા છે. ગેરકાયદે ખનન કેસમાં સજા ભોગવી ચુકેલા બેલ્લારીના રેડ્ડી બંધુઓના ખાસ મિત્ર આનંદ સિંહ અને નાગેન્દ્ર બે મહિના પહેલા પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીના હૈદરાબાદ-કર્ણાટક પ્રવાસ દરમિયાન પાર્ટીમાં સામેલ થયા હતા. સિંહ અને નાગેન્દ્ર પર અબજો રૂપિયાના ખનન ગોટાળાનો આરોપ છે. આ બંને થોડા સમય સુધી જેલમાં પણ રહ્યા હતા. આ બંને આ વખતે ફરીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે. ખનન કૌભાંડના વધુ એક આરોપી તેમજ ધારાસભ્ય સતીશ સેલને આ વખતે કોંગ્રેસે ટિકિટ આપવાનું વચન આપ્યું છે. સતીશ સેલ પણ થોડ સમય જેલમાં રહ્યો હતો.
મુખ્ય વિપક્ષી પાર્ટી બીજેપી સિદ્ધારમૈયા સરકારને ભ્રષ્ટ ગણાવી રહી છે. પરંતુ બીજેપી પણ અહીં કલંકિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની રેસમાં છે. આ અંગે જેડીએસ સુપ્રીમો તેમજ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ કહ્યું કે, તેઓ (ભાજપ અને કોંગ્રેસ) એક સાથે લૂંટે છે અને સાથે જ બેસીને જમે છે. અમે શું કરી શકીએ?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર