કર્ણાટકમાં 225 બેઠકવાળી વિધાનસભા માટે મે મહિનામાં યોજાનાર ચૂંટણી માટે કોંગ્રેસે પોતાની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે 219 બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ચામુંડેશ્વરીથી, તેમના પુત્ર ડો. યતીન્દ્રને વરુણા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. પાંચ બેઠકને લઈને કોંગ્રેસે હાલમાં કોઈ નિર્ણય લીધો નથી. આ યાદીમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો દબદબો સ્પષ્ટ જોઈ શકાય છે. તેના અનેક સમર્થકો આ યાદીમાં સામેલ છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા એક જ બેઠક પરથી ચૂંટણી લડશે. આ પહેલા કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે સીએમ બે બેઠક પરથી ચૂંટણી લડશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને નકારાત્મક જાહેરાતથી બચવા માટે ફક્ત એક જ બેઠક પરથી ચૂંટણી લડવાનું કહ્યું હતું.
બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પરમેશ્વરા પણ એક જ બેઠક પરથી ચૂંટણી લડશે. પરમેશ્વરા બે બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમની માંગણી ફગાવી દીધી હતી.
કોંગ્રેસે 'એક પરિવાર એક ટિકિટ'ની ફોર્મ્યુલાને પણ નથી અપનાવી. પાર્ટીના મુખ્યમંત્રી અને તેના પુત્ર, ગૃહમંત્રી અને તેમના પુત્ર, કાયદામંત્રી અને તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે ગત વર્ષે પંજાબની ચૂંટણીમાં આ ફોર્મ્યુલાનું પાલન કર્યું હતું.
અમુક બેઠક પર રસપ્રદ ફાઇટ જોવા મળશે. પૂર્વ મેયર પદ્માવતીની ટક્કર બીજેપીના દિગ્ગજ નેતા સુરેશ કુમાર સાથે થશે. કોંગ્રેસ હંમેશા મંજૂલા નાડૂને સુરેશ કુમાર સામે મેદાનમાં ઉતારતી આવી છે, દર વખતે તેની હાર થઈ છે.
કોંગ્રેસે પાંચ બેઠક પરથી હજી ઉમેદવારની જાહેરાત કરી નથી. આ યાદીમાં વિવાદિત બિઝનેસમેન અશોક ખેનીને પણ ટિકિટ આપવામાં આવી છે. ખેની નંદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોરના માલિક છે, જેણે રાજધાની બેંગલુરુની ચારેબાજુ રિંગ રોડ બનાવ્યો છે. રસપ્રદ વાત એ છે કે ગયા વર્ષે ખુદ સિદ્ધારમૈયાએ ખેનીની કંપની વિરુદ્ધ ધારાસભ્યોની સંયુક્ત બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ ધારાસભ્યોના જૂથે ખેની વિરુદ્ધ અપરાધિક કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. એ વખતે કોંગ્રેસના અમુક નેતાઓએ ખેનીને જેલ મોકલવાની વાત કરી હતી.
કોંગ્રેસે પ્રથમ યાદીમાં 40 જેટલા લિંગાયત સમુદાયના નેતાઓને ટિકિટ આપી છે. આ ઉપરાંત કોંગ્રેસે 15 મહિલાઓને પણ ટિકિટ આપી છે. કર્ણાટકમાં 12 મેના રોજ વોટિંગ થશે, તેમજ 15મી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર