કર્ણાટકમાં સરકાર બદલાતાં જ ફરી એકવાર ટીપુ સુલતાનના નામે રાજકારણ શરૂ થઈ ગયું છે. ભારે વિરોધ બાદ યેદિયુરપ્પા સરકારે ટીપુ સુલતાનની જયંતી પર આયોજિત થનારા કાર્યક્રમને રદ કરી દીધો છે. ભાજપના ધારાસભ્ય બોપૈયાએ મુખ્યમંત્રી યેદિયુરપ્પાને પત્ર લખી કાર્યક્રમને રદ કરવાની માંગ કરી હતી. ટીપુ સુલતાન 18મી સદીમાં મૈસૂર સામ્રાજ્યનો શાસક હતો.
સરકારે આદેશ જાહેર કરતાં કહ્યું છે કે તાત્કાલીક અસરથી હજરત ટીપુ સુલતાનની જયંતી પર યોજાનારા કાર્યક્રમને રદ કરવામાં આવે છે. નોંધનીય છે કે, વર્ષ 2015માં સિદ્ધારમૈયાના મુખ્યમંત્રી બન્યા બાદથી કર્ણાટકમાં દર વર્ષે ટીપુ સુલતાનની જયંતી ઉજવવામાં આવે છે. પરંતુ દર વર્ષે ભાજપ નેતો જોરદાર વિરોધ કરતી આવી છે.
ગયા વર્ષે બીએસ યેદિયુરપ્પાએ રાજ્ય સરકારને આ કાર્યક્રમને રદ કરવાની માંગ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, અમે લોકો ટીપુ સુલતાનની જયંતી પર યોજાનારા કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છીએ. કોઈ પણ તેના પક્ષમાં નથી. હું ઈચ્છું છું કે રાજ્ય સરકાર તેને બંધ કરે. સરકાર આ કાર્યક્રમના માધ્યમથી મુસ્લિમ સમુદાયને ખુશ કરવા માંગે છે.
કેમ થઈ રહ્યો છે વિરોધ?
18મી સદીમાં મૈસૂરના શાસક રહેલા ટીપુ સુલતાનનો જન્મ 10 નવેમ્બર 1750ના રોજ થયો હતો. અંગ્રેજોની વિરુદ્ધ ચાર યુદ્ધ લડવાના કારણે ટીપુને અનેક લોકો સમર્થન કરે છે. પરંતુ ભાજપ ટીપુ સુલતાનને હિન્દુ વિરોધી શાસક માને છે. એવામાં કર્ણાટકમાં દર વર્ષે તેમની જયંતી ઉજવવા પર જોરદાર વિવાદ થાય છે.