કાંઝાવાલા હિંટ એન્ડ રન કેસમાં દિલ્હી પોલીસે ઘટના સમયે રોહિણી જિલ્લામાં ચોકી પર પીસીઆર વાનમાં ફરજ પર રહેલા 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. તમામ પોલીસકર્મીઓ રોહિણી જિલ્લા પોલીસના છે.
નવી દિલ્હી: કાંઝાવાલા હિંટ એન્ડ રન કેસમાં દિલ્હી પોલીસે ઘટના સમયે રોહિણી જિલ્લામાં ચોકી પર પીસીઆર વાનમાં ફરજ પર રહેલા 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. તમામ પોલીસકર્મીઓ રોહિણી જિલ્લા પોલીસના છે. જે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓ ઘટનાના દિવસે તે જ સ્થળે ત્રણ પીસીઆર વાન અને બે પિકેટ પર ફરજ પર હતા.
રાજધાની દિલ્હીના સુલ્તાનપુરી વિસ્તારમાં નવા વર્ષની ઊજવણી દરમિયાન રવિવારે મોડી રાત્રે એક કાર ચાલકે સ્કૂટી પર સવાર મહિલાને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ મહિલાને દૂર સુધી ઘસેડવામાં આવી હતી. આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આપેલ જાણકારી અનુસાર સ્કૂટી પર તે યુવતી સાથે તેની એક મિત્ર પણ હતી. સ્કૂટી પર સવાર અન્ય મહિલાની પણ ઓળખાણ કરી લેવામાં આવી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃતક યુવતીની મિત્રને સામાન્ય ઈજાઓ થઈ છે અને ઘટનાસ્થળે ડરના કારણે તે ત્યાંથી ભાગી ગઈ હતી. કાર ચાલકે સ્કૂટીને ટક્કર મારતા યુવતી કારની સામે પડી ગઈ હતી અને તેનો પગ કારના એક્સેલમાં ફસાઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે દિલ્હીના સુલ્તાનપુરી વિસ્તારમાં રવિવારે કાર ચાલકે સ્કૂટી ચાલક 20 વર્ષીય યુવતીને 12 કિલોમીટર સુધી ઘસેડી હતી, આ કારણોસર તેનું મૃત્યુ થયું હતું.
તપાસ સાથે જોડાયેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય મહિલાનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. અન્ય યુવતીએ પણ આ સમગ્ર ઘટના અંગે મહત્ત્વપૂર્ણ જાણકારી આપી હતી. તપાસ દરમિયાન ગોપનીયતાનો હવાલો આપતા તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસે દાવો કર્યો હતો કે મૃતક યુવતી સાથે જે અન્ય યુવતી હતી, તેણે આ સમગ્ર બાબતને એક્સિડન્ટનો કેસ ગણાવ્યો છે.