MPમાં કોંગ્રેસને મળી ગયા 'નાથ'? શિવરાજે રાજીનામું આપતા કહ્યું- 'હવે હું ફ્રી છું'

MPમાં કોંગ્રેસને મળી ગયા 'નાથ'? શિવરાજે રાજીનામું આપતા કહ્યું- 'હવે હું ફ્રી છું'
કોંગ્રેસના નેતાઓ ગવર્નર આનંદીબેન પટેલને મળ્યાં

 • Share this:
  ભોપાલઃ મધ્ય પ્રદેશમાં હાર બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે ગવર્નર આનંદીબેન પટેલને મળીને રાજીનામું આપ્યું હતું. સાથે જ તેમણે મધ્ય પ્રદેશમાં જીત માટે કમલનાથને શુભેચ્છા પાઠવી હતી. શિવરાજસિંહે ગવર્નરને રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં શાયરાના અંદાજમાં કહ્યું હતું કે, "ના હાર સે, ના જીત મેં, કિંચિત નહીં ભયભીત મેં, કર્તવ્ય પથ પર જો ભી મીલે, યે ભી સહી વો ભી સહી." શિવરાજે વધુમાં કહ્યું કે, "હવે હું ફ્રી છું. મેં મારું રાજીનામું આદરણીય ગવર્નરને આપી દીધું છે. ભાજપની હાર માટે હું એકલો જવાબદાર છું. મેં કમલનાથજીને જીત માટે અભિનંદન પાઠવ્યા છે."

  કમલનાથ ગવર્નર આનંદીબેન પટેલને મળ્યા  બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથે મધ્ય પ્રદેશના ગવર્નર સાથે મુલાકાત કરીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. સમાજવાદી પાર્ટી અને બસપાએ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સમર્થન જાહેર કરી દેતા સરકાર બનાવવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથને સત્તાની કમાન સોંપવામાં આવી શકે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે દિગ્વિજયસિંહ પણ કમલનાથમાં સમર્થનમાં આવ્યા છે. બીજી તરફ જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાહુલ ગાંધી વચ્ચે પણ વાતચીત ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  આ પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણી: મધ્ય પ્રદેશનું જાણો ફાઇનલ પરિણામ, કઇ રીતે કોંગ્રેસે મારી બાજી

  કોંગ્રેસ તરફથી કમલનાથ, દિગ્વિજિયસિંહ અને યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. સીએમ પદના ઉમેદવારનું નામ સાંજે વિધાયકદળની બેઠક બાદ હાઈકમાન્ડ તરફથી જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કમલનાથનું નામ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે.  મંગળવારે આવેલા મધ્ય પ્રદેશની ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસને સૌથી વધારે 114 બેઠક મળી છે. મધ્ય પ્રદેશ વિધાનસભામાં 230 બેઠક છે. આથી બહુમતિ માટે 116 બેઠક જરૂરી છે. કોંગ્રેસને બહુમતિ કરતા બે બેઠક ઓછી મળી છે. જોકે, બસપા અને સપાને સમર્થન જાહેર કરીને કોંગ્રેસની ચિંતા ઓછી કરી નાખી છે.

  બીજી તરફ મંગળવારે મોડી રાત સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે બીજેપી પણ મધ્ય પ્રદેશમાં સરકાર રચવા માટે પ્રયાસો કરશે. જોકે, બુધવારે શિવરાજસિંહે સ્પષ્ટ કરી દીધું હતું કે પાર્ટીને 109 બેઠક મળી હોવાથી તે સરકાર બનાવવાનો દાવો રજુ નહીં કરે.
  First published:December 12, 2018, 13:46 pm