અંકિત ફ્રાંન્સિસ, નવી દિલ્હી : રાહુલ ગાંધીએ ગુરુવારે મોડી રાત્રે લાંબી ચર્ચા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાની યુવા અને જોશીલા છબી સામે અનુભવી કમલનાથને મધ્ય પ્રદેશની કમાન સોંપવાનો નિર્ણય કર્યો હતો. કમલનાથનો કોંગ્રેસ સાથેનો નાતો ખૂબ જ જૂનો છે. પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી તેમને એક સમયે ત્રીજો પુત્ર પણ કહી ચુક્યા હતા. જોકે, રાહુલ ગાંધીના આ નિર્ણય પાછળ બીજેપીનો ડર પણ કારણભૂત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
શું બીજેપીના ડરને કારણે કમલનાથને સીએમ બનાવ્યા?
મધ્ય પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસે બીજેપીને જોરદાર ટક્કર આપી હતી અને 114 બેઠક પર જીત મેળવી હતી. જોકે, આ આંકડો બહુમતિથી બે બેઠક દૂર છે. બીજી તરફ મધ્ય પ્રદેશ પર છેલ્લા 15 વર્ષથી શાસન કરનારી બીજેપીએ 109 બેઠક જીતી છે. એટલે કે તે બહુમતિથી માત્ર સાત બેઠક દૂર છે. સાત અન્ય બેઠકમાં બે બેઠક બસપા, એક સપા અને ચાર અપક્ષ પાસે છે. ગોવા અને નાગાલેન્ડ બીજેપીના અધ્યક્ષ અમિત શાહ પહેલા જ ઓછી બેઠક હોવા છતાં સરકાર બનાવી લેવાની પોતાની યોગ્યતાનો પરિચય આપી ચુક્યા છે. એવામાં કોંગ્રેસ માટે જરૂર હતું કે સીએમના પદે કોઈ અનુભવી રાજકારણી બેસે.
એવા સમાચાર હતા કે જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટીના કાર્યકરો સીએમની ખુરશી પર બેસાડવા માંગતા હતા. રાહુલ ગાંધી પણ આ માટે મન મનાવી ચુક્યા હતા, પરંતુ સોનિયા ગાંધીએ તેમને કમલનાથના અનુભવ પર ભરોસો કરવાનું કહ્યું હતું. જે બાદમાં તમામ સમિકરણો બદલાઈ ગયા હતા. મધ્ય પ્રદેશમાં જીતનું અંતર ખૂબ જ ઓછું હોવાથી સોનિયા ગાંધીએ આ વાત કહી હતી. કારણ કે બીજેપીના જોડ-તોડની રાજનીતિ સામે કમલનાથ જેવા પીઢ રાજકારણી સારી રીતે લડી શકે છે.
જોકે, કહેવામાં આવી રહ્યું છે કે 2019 પહેલા બીજેપી પોતાની છબીનું ધ્યાન રાખતા કદાચ જ આવું કોઈ પગલું ભરે પરંતુ સોનિયા ગાંધી કોઈ જોખમ લેવા માંગતા ન હતા. જાણકારોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્યને એવું કહીને સમજાવ્યા કે કમલનાથની રાજકીય કારકિર્દી અંતિમ પડાવ પર છે અને તેમની પાસે હજી ઘણો સમય છે. રાહુલે જ્યોતિરાદિત્ય અને કમલનાથની તસવીર સાથે એક ટ્વિટ પણ કર્યું હતું કે ધૈર્ય અને સમય બે શક્તિશાળી યોદ્ધા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર