કોંગ્રેસ નેતાનો પુત્ર અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી સામે લડશે ચૂંટણી
કોંગ્રેસ નેતાનો પુત્ર અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી સામે લડશે ચૂંટણી
રાહુલ ગાંધી (પીટીઆઈ તસવીર)
રાજીવ ગાંધી અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીના પ્રસ્તાવક રહેલા સ્થાનિક કોંગ્રેસ નેતાના પુત્રએ રાહુલ ગાંધી સામે અમેઠી બેઠક પરથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે.
ન્યૂઝ18 ગુજરાતી : અમેઠી બેઠક પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કોંગ્રેસના કાર્યકરના એક પુત્રએ ઝટકો આપ્યો છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીના પ્રસ્તાવક રહેલા સ્થાનિક કોંગ્રેસ નેતાના પુત્રએ રાહુલ ગાંધી સામે અમેઠી બેઠક પરથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે.
હાજી સુલતાન ખાનના પુત્ર હાજી હરુન રશીદે ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "કોંગ્રેસમાં તેમને સાવ કોરાણે મૂકી દેવામાં આવ્યા છે." હાજી સુલતાન ખાન વર્ષ 1991માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને 1999માં સોનિયા ગાંધીના પ્રસ્તાવક રહી ચુક્યા છે.
હાજી હરૂન રશીદે વધુમાં જણાવ્યું કે, "અમેઠીમાં કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વને કારણે અહીંનો આખો મુસ્લિમ સમાજ અસુરક્ષા અનુભવી રહ્યો છે."
રાહુલ ગાંધી સામે ચૂંટણી લડવાનું કારણ પૂછવા પર રશીદે જણાવ્યું કે, "સ્થાનિક નેતાઓ ઘણા લાંબા સમયથી અમારી ઉપેક્ષા કરી રહ્યા છે. આને કારણે સમાજ અને આ વિસ્તારનો વિકાસ નથી થયો. આ બેઠક પર આશરે 6.5 લાખ મુસ્લિમ વોટર્સ છે. આ તમામ લોકો કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન કરવાના છે."
અમેઠી બેઠક પર આ વખતે પણ રાહુલ ગાંધીને ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ટક્કર આપશે. ઇરાની વર્ષ 2014માં પણ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી દરમિયાન સ્મૃતિ ઇરાનીને ત્રણ લાખ જ્યારે રાહુલ ગાંધીને 4.07 લાખ વોટ મળ્યાં હતા.
અમેઠી બેઠક છેલ્લા ચાર દશકાથી કોંગ્રેસનો ગઢ રહી છે. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી આ બેઠક પરથી વર્ષ 1980માં ચૂંટણી લડ્યા હતા. તેમના મોત બાદ તેમના મોટાભાઈ રાજીવ ગાંધી 1981માં આ બેઠક પરથી પેટા ચૂંટણી લડ્યાં હતા. 1981 પછી રાજીવ ગાંધી 1984, 1989, 1991માં આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદ 1999માં આ બેઠક પરથી સોનિયા ગાંધી ચૂંટણી લડ્યા હતા અને જીત્યાં હતાં. 2004ની ચૂંટણીમાં સોનિયા ગાંધીએ આ બેઠક પોતાના પુત્ર રાહુલ ગાંધી માટે ખાલી કરી હતી. 2004 બાદ રાહુલ ગાંધી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે.
અમેઠી બેઠક પર 6ઠ્ઠી મેના રોજ ચૂંટણી યોજાશે. પરિણામ 23મી મેના રોજ જાહેર કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર