બીજેપીમાં સામેલ થઈ જયા પ્રદા, કહ્યું- 'પીએમ મોદીના વિઝન પર કામ કરીશ'

જયા પ્રદા

2004માં જયાએ રામપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને 85,000 મતથી જીત મેળવી હતી.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : ભૂતપૂર્વ સાંસદ જયા પ્રદા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ છે. બીજેપીમાં જોડાયા બાદ જયા પ્રદાએ કહ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પર કામ કરીશ. બીજેપી જયા પ્રદાને રામપુર બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. આ પહેલા જયા સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી સાંસદ રહી ચુકી છે. જયા પ્રદાને ટીડીપીમાંથી સમાજવાદી પાર્ટીમાં લાવવાનો શ્રેય અમરસિંઘને જાય છે. એટલું જ નહીં સમાજવાદી પાર્ટીના આઝમ ખાને જે તે સમયે જયા પ્રદાને રામપુર બેઠક પરથી ચૂંટણી જીતાડવામાં ખૂબ મદદ કરી હતી. આ વખતે ઉત્તર પ્રદેશની રામપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાન છે. એટલે કે જો હવે બીજેપી તેને અહીંથી ટિકિટ આપશે તો અહીં આઝમ ખાન અને જયા પ્રદા વચ્ચે સીધી ટક્કર થશે.

  જયા પ્રદા બોલિવૂડના એક સમયની લોકપ્રિય અભિનેત્રી હતી. જયાનું સાચું નામ લલિતા રાની છે. જયાએ ફિલ્મી કારકિર્દી દરમિયાન 'શરાબી', 'સરગમ', 'સંજોગ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જયાનો જન્મ ત્રીજી એપ્રિલ 1962ના રોજ આંધ્રપ્રદેશમાં થયો હતો. જયાએ પોતાની ફિલ્મની કારકિર્દી એક તેલુગૂ ફિલ્મથી કરી હતી.  જયા પ્રદાએ 1994માં તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી)થી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ટીડીપીના સ્થાપક એન.ટી. રામા રાવના આગ્રહને માન આપીને જયા પાર્ટીમાં આવી હતી. આ વખતે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર હતી. ત્યારે એવું કહેવામાં આવતું હતું કે જયા ટીડીપીની ટિકિટ પરથી ચૂંટણી લડશે. એન.ટી. રામા રાવ તરફથી તેણીને ટિકિટ પણ ઓફર કરવામાં આવી હતી. જોકે, જયા પ્રદા ચૂંટણી લડી ન હતી.

  એન. ચંદ્રબાબૂ સાથે મતભેદ થયા બાદ જયા પ્રદા ટીડીપી છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ હતી. 2004માં જયાએ રામપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને 85,000 મતથી જીત મેળવી હતી. 2009માં જયા પ્રદા ફરીથી સપાની ટિકિટ પર જ 35 હજાર વોટથી વિજેતા બની હતી. બીજી ફેબ્રુઆરી, 2010ના રોજ સમાજવાદી પાર્ટીએ અમરસિંઘ સાથે મળીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવાના આક્ષેપ સાથે જયા પ્રદાને પક્ષમાંથી કાઢી મૂકી હતી. જે બાદમાં અમરસિંઘે 2011ના વર્ષમાં નવી રાજકીય પાર્ટી "રાષ્ટ્રીય લોક મંચ" બનાવી હતી. જયા પ્રદા અમરસિંઘની આ પાર્ટીમાં જોડાઈ હતી.

  જયા પ્રદા, અમરસિંઘ


  2012ના વર્ષમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન અમરસિંઘના પક્ષે 403માંથી 360 બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જોકે, એકપણ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો ન હતો. જે બાદમાં વર્ષ 2014માં જયા પ્રદા અમરસિંઘ સાથે આરએલડી પક્ષમાં જોડાઈ હતી. આરએલડીએ 2014ની ચૂંટણી દરમિયાન જયા પ્રદાને બીજનોર બેઠક પરથી ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં જયા પ્રદાની હાર થઈ હતી. 26મી માર્ચ, 2019ના રોજ જયા પ્રદા ભારતીય જનતા પાર્ટીના નેશનલ જનરલ સેક્રેટરી ભુપેન્દર યાદવાની હાજરીમાં ભાજપમાં જોડાઈ હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: