જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બારપોરા ગામમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. આ ઘટનામાં સીઆરપીએફના એક જવાન શહીદ થયો છે. ભારે પથ્થરમારાનો લાભ ઉઠાવીને આતંકવાદીઓ સ્થળ ઉપરથી નાસીછૂટવામાં સફળ રહ્યા છે.
અથડામણમાં સીઆરપીએફનો જવાન શહીદ
સુરક્ષાદળના આ ઓપરેશન દરમિયાન અથડામણ સ્થળ ઉપર જ આજુબાજુના વિસ્તારોમાં ભારે પથ્થરબાજી શરૂ થઇ હતી. જેને ધ્યાનમાં રાખીને સીઆરપીએફ અને એસઓજીની એક ટીમને મોકલવામાં આવી હતી. આ દરમિયાન આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં સીઆરપીએફનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને તાત્કાલિક સારવાર માટે પુલવામા જિલ્લા હોસ્પિટલમાં અને પછી શ્રીનગરના 92 બેઝ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. જોકે, ફરજ પર હાજર તબીબે જવાનને મૃત જાહેર કર્યો હતો.
પથ્થરબાજીની આડમાં ભાગ્યા આતંકવાદીઓ
અથડામણ સ્થળ ઉપર ઓપરેશન વચ્ચે મોડી રાત્રે પથ્થરબાજોની સંખ્યા વધી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેટ સેવાઓ ઉપર પ્રતિબંધ લગાવાયો હતો. ભારે પથ્થરમારા વચ્ચે આતંકવાદી મકાનમાંથી નાસીછૂટવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ સ્થળની આજુબાજુના વિસ્તારને સેનાએ સીલ કરી દીધો હતો. સેના, એસઓજી અને સીઆરપીએફના 250થી વધારે જવાનો દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથધરાયું હતું.
આ વર્ષે અત્યાર સુધી 67 આતંકવાદીઓનો કરાયો સફાયો
ઓપરેશન ઓલઆઉટ હેઠળ કાશ્મીર ઘાટીને આતંકવાદ મુક્ત કરવા માટે મિશન ઉપર નીકળેલી ભારતીય સેનાએ અત્યાર સુધી 67 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. ગત વર્ષે સેનાએ 208 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
શોપિયામાં હિજ્બુલ મુઝાહિદ્દીનના ટોપ કમાન્ડરને ઠાર મરાયો હતો
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં હિજ્બુલ મુઝાહિદ્દીનના ટોપ કમાન્ડર સદ્દામ પૈડર અને આતંકવાદીના પથ ઉપર આવનારા કશ્મીર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર મોહમ્મદ રફી ભટ સહિત પાંચ આતંકવાદીઓને ઠાર મરાયા હતા. આ અથડામણમાં પાંચ નાગરીકોના પણ મોત થયા હતા. જ્યારે ત્રણ સુરક્ષા કર્માચરીઓ પણ ઘાયલ થયા હતા.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર