શ્રીનગર: જમ્મુ-કાશ્મીર સ્થિત શ્રીનગર (Srinagar)માં ધોળા દિવસે આતંકી હુમલા (Terrorist attack)નો બનાવ સામે આવ્યો છે. આતંકી હુમલાની આખી ઘટના સીસીટીવી કેમેરા (CCTV Camera)માં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે શ્રીનગરના કડક સુરક્ષા ધરાવતા એરપોર્ટ માર્ગ (Airport road) પર બધત (Baghat Barzulla) વિસ્તારમાં શુક્રવારે કરેલા આતંકી હુમલામાં બે પોલીસકર્મી શહીદ થઈ ગયા હતા. પોલીસે આ અંગે જાણકારી આપી હતી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, બંને પોલીસકર્મીઓને ખૂબ નજીકથી ગોળી મારવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે બંને પોલીસકર્મીઓને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હૉસ્પિટલ ખાતે બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શહીદ થયેલા એક પોલીસકર્મીની ઓળખ કોન્સ્ટેબલ સોહેલ તરીકે કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં આ બીજો હુમલો છે.
#WATCH Terrorist opens fire in Baghat Barzulla of Srinagar district in Kashmir today
આ પહેલા આતંકીઓએ બુધવારે શહેરના ચુસ્ત સુરક્ષા ધરાવતા દુર્ગાનગ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ માલિક અને તેના પુત્રને ગોળી મારીને ઈજાગ્રસ્ત કરી દીધા હતા. આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે અલગ અલગ દેશના રાજદૂતોનું 24 સભ્યોનું એક પ્રતિનિધિમંડળ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે મુલ્યાંકન કરવા માટે બુધવારે કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાતે આવ્યું હતું.
આ અંગે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક 'કાયર' આતંકી ભરબજારમાં અચાનક પોલીસ પર અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગે છે. જે બાદમાં તેને ભાગતો જોઈ શકાય છે. હુમલાની ઘટના બાદ આ વિસ્તારમાં સુરક્ષાદળોને ખડકી દેવામાં આવ્યા છે, તેમજ નાકાબંધી કરીને આતંકીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ પર હુમલો કરવાનું નાપાક કૃત્ય કરનાર આંતકી લશ્કર-એ-તોઇબાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના બડગાંવ જિલ્લા ખાતે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલા ફાયરિંગમાં એક પોલીસ શહીદ થયો હતો, જ્યારે એકને ઇજા પહોંચી હતી. શહીદ થયેલા સ્પેશિયલ પોલીસ ઓફિસર મોહમ્મદ અલ્તાફના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર