શ્રીનગર: શનિવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ જમ્મુ એરપોર્ટના (Jammu Airport) ટેક્નિકલ વિસ્તારમાં (Technical Area) બે વિસ્ફોટો (Jammu Airport Explosion) સાંભળાયા હતા. જે પછી આ વિસ્તારમાં સુરક્ષાકર્મીઓ એલર્ટ પર આવી ગ્યા હતા. આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા બે લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે જમ્મુ ટેક્નિકલ એરપોર્ટ પર બે વિસ્ફોટમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બંને વિસ્ફોટ એરપોર્ટની અંદર થયા હતા અને એવું માનવામાં આવે છે કે, અહીં ડ્રોન દ્વારા IED નાંખવામાં આવ્યા હતા. ડ્રોનનાં ઉપયોગ થવાના સમાચાર મળતાની સાથે જ પાકિસ્તાન (Pakistan) પર શંકાઓ વધુ તીવ્ર થવા લાગી છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, બિલ્ડિંગની છત પર વિસ્ફોટક પદાર્થ આવીને પડ્યો હતો, જેનાથી આખી બેરેક નાશ પામી હતી. બીજો બ્લાસ્ટ બિલ્ડિંગની સાથે ખુલ્લા વિસ્તારમાં થયો હતો. આ બંને વિસ્ફોટોની તપાસ માટે એનઆઈએની ટીમ થોડા જ સમયમાં જમ્મુ ટેક્નિકલ એરપોર્ટ પહોંચશે.
ભારતીય વાયુસેનાએ પણ ટ્વીટ કર્યું હતું કે, જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે ઓછી-તીવ્રતાવાળા વિસ્ફોટ થયા છે. એક બ્લાસ્ટમાં બિલ્ડિંગની છતને નુકસાન થયું હતું, જ્યારે બીજો બ્લાસ્ટ જમીન પર થયો હતો, પરંતુ તેના કારણે કોઈ નુકસાન થયું નથી.
પહેલા આશંકા હતી કે, આ પણ કોઈ આતંકવાદી ઘટના પણ હોય શકે છે. ઘટનાની માહિતી મળતાં, જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસમાં ધડાકાની પુષ્ટિ કરી હતી. આ વિસ્ફોટ કયા કારણોસર થયો તે હજુ સુધી જાણી શકાયું નથી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બ્લાસ્ટના કારણની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી સંગઠનો સક્રિય થઈ રહ્યા છે.
જોકે, ભારતીય સૈનિકોએ તેમની ઉપર પોતાનો કંટ્રોલ કડક કરી દીધો છે. આવી સ્થિતિમાં, એરપોર્ટ પરિસરમાં આવા વિસ્ફોટના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. આ વિસ્ફોટમાં હજુ સુધી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર