ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) હેકિંગને લઈને અમેરકિન એક્સપર્ટના દાવા બાદ કેન્દ્રીય આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે મંગળવારે રાજધાની દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. પ્રસાદે કોંગ્રેસ પર જોરદાર વળતો હુમલો કર્યો. તેમણે કહ્યું કે ઈવીએમ હેકિંગ પર લંડનમાં થયેલા કાર્યક્રમને કોંગ્રેસે સ્પોન્સર્ડ કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર નક્કી છે અને તેથી કોંગ્રેસ અત્યારથી હારના બહાના શોધવામાં લાગી ગઈ છે.
સૈયદ શુજા નામના અમેરિકન સાઇબર એક્સપર્ટે સ્કાઇપ દ્વારા લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. તેણે દાવો કર્યો કે ઈવીએમને હેક કરવું મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. તેનો દાવો છે કે ટ્રાન્સમીટર દ્વારા કોઈ બ્લૂટૂથ અને વાઇફાઈ વગર ઈવીએમને હેક કરી શકાય છે.
આટલું જ નહીં તેણે કહ્યું કે 2014ની લોકસભા ચૂંટણીમાં ઈવીએમમાં ગડબડ કરવામાં આવી હતી અને પછી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પણ ગડબડ થઈ. સૈયદ શુજાનું કહેવું છે કે બીજેપી નેતા ગોપીનાથને ઈવીએમ હેકિંગ વિશે જાણકારી હતી, તેથી 2014માં તેમની હત્યા કરી દેવામાં આવી.
આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે આ દાવાઓ પર કહ્યું કે, કાલે લંડનમાં સર્કસ થયું હતું. આ કોંગ્રેસ તરફથી સ્પોન્સર્ડ પોલિટિકલ સ્ટંટ હતું. તેનો ઉદ્દેશ્ય ભારત અને ઇલેક્શન કમીશનને બદનામ કરવાનો હતો. તેમણે વધુમાં સવાલ કર્યો કે, લંડનમાં જે કાર્યક્રમ થયો તેમાં કપિલ સિબ્બલ શું કરી રહ્યા હતા? તેમની ત્યાં શું ભૂમિકા હતી? મને લાગે છે કે તેઓ કોંગ્રેસ તરફથી સ્થિતિ જોવા પહોંચ્યા હતા. 2014ના જનમતનું અપમાન થઈ રહ્યું છે. શું આ દેશના 90 કરોડ મતદાતાઓનું અપમાન છે. 2014માં યૂપીએ સત્તામાં હતી, અમે નહોતા.
પ્રસાદે આગળ કહ્યું કે, ઈવીએમ 96ની ચૂંટણી બાદથી કામ કરી રહ્યા છે. અખિલેશ, મમતા, માયાવતી જ્યારે ચૂંટણીમાં જીત્યા તો ઈવીએમ ઠીક હતા. સ્થાનિક ચૂંટણીમાં મમતા બેનર્જીએ બેલેટનું શું કર્યું તમામ જાણે છે. દિલ્હીમાં જ્યારે કેજરીવાલ જીત્યા તો ઈવીએમ ઠીક હતા. દુનિયામાં ભારતના ઇલેક્શન કમીશનના અધિકારીઓને બોલાવવામાં આવે છે. જે પાર્ટીએ ભારતમાં 58 વર્ષ સરકાર ચલાવી તે સંસ્થા પર આરોપ લગાવી રહી છે. ઇલેક્શન કમીશને 2017માં ઈવીએમને હેક કરવાનો પડકાર આપ્યો હતો, જેમાં કોઈ ન આવ્યું. કોંગ્રેસ 2019માં હારનું કારણ શોધી રહી છે.
બીજી તરફ, ઇલેક્શન કમીશને પણ આ ઈવીએમ હેકથોન પર સખત પ્રતિક્રિયા આપી છે. કમીશને કહ્યું કે મામલામાં લીગલ એક્શન લેવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર