Chandrayan-2: શનિવારે વહેલી પરોઢે ચંદ્ર પર લેન્ડિંગ પહેલા લેન્ડર વિક્રમ (Lander Vikram) સાથે સંપર્ક તૂટી ગયા બાદ રવિવારે ઇસરો (ISRO)અધ્યક્ષ કે. સિવન (K. Sivan)એ જણાવ્યું હતું કે ઓર્બિટરે લેન્ડર વિક્રમનું લોકેશન શોધી લીધું છે. હવે સોમવારે પીટીઆઈ સાથે વાત કરતાં ઇસરોના અધિકારીએ મોટો ખુલાસો કર્યો છે. ઇસરોના એક અધિકારીએ જણાવ્યું છે કે, લેન્ડર વિક્રમ સુરક્ષિત છે અને કોઈ નુકસાન નથી થયું. ઇસરોના અધિકારીએ કહ્યું કે અમે લેન્ડર વિક્રમની સાથે કોમ્યુનિકેશન સ્થાપવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ.
જો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત થઈ જાય છે તો રોવર પ્રજ્ઞાન (Rower Pragyan) ફરી પોતાના પગ પર ઊભું થઈ શકે છે. તેના માટે ઇસરો ટીમ ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)માં સતત કામ કરી રહી છે. ઇસરો મુજબ લેન્ડર વિક્રમ એક તરફ ઝૂકેલું દેખાઈ રહ્યું છે.
વિક્રમમાં ઓબોર્ડ કોમ્પ્યુટર સિસ્ટમ લગાવવામાં આવી છે જેનાથી કમાન્ડ મળતાં તે પોતાના થસ્ટર્સ દ્વારા પોતાના પગ પર ફરી ઊભું થઈ શકે છે. લેન્ડર ચંદ્રની સપાટી પર પડતાં તેનું એન્ટિના દબાઈ ગયું છે. તેથી ઇસરોની ટીમને સંપર્ક સ્થાપિત કરવામાં મુશ્કેલી થઈ રહી છે.
ચંદ્ર પર લેન્ડિંગ દરમિયાન સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર લેન્ડર વિક્રમ સાથે ઇસરોનો સંપર્ક તૂટી ગયો હતો. જેના કારણે તે રસ્તો ભટકીને પોતાના નિર્ધારિતા સ્થાનથી લગભગ 500 મીટર દૂર ચંદ્રની સપાટી સાથે ટકરાઈ ગયું હતું. ત્યારબાદ ચંદ્રયાન-2ના ઓર્બિટરે રવિવારે લેન્ડર વિક્રમની થર્મલ ઇમેજ ઇસરોને મોકલી હતી. તેની સાથે જ ઇસરોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. વિક્રમથી સંપર્ક સાધવા માટે ઇસરો પાસે હવે માત્ર 12 દિવસ બચ્યા છે.
ઇસરોમાં મૂન મિશન (Moon Mission) સાથે જોડાયેલા એક સીનિયર સાયન્ટિસ્ટ મુજબ, જેમ-જેમ સમય પસાર થશે, લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવો વધુ મુશ્કેલ થઈ જશે. જો વહેલી તકે વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરી લેવામાં આવશે તો તેમાં હજુ પણ એનર્જી જનરેટ કરી શકાય છે. કારણ કે, તેમાં સોરલર પેનલ લાગેલી છે. જો સૂરજનો પ્રકાર વિક્રમ પર પડી રહ્યો હશે તો તેની સોલર પેનલ દ્વારા બેટરી રિચાર્જ થઈ જશે. પરંતુ, આ બધું વહેલી તકે કરવું પડશે. નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે.
લેન્ડરની અંદર જ છે રોવર પ્રજ્ઞાન
ઇસરો તરફથી જણાવવામાં આવ્યું કે, રોવર પ્રજ્ઞાન હજુ પણ લેન્ડરની અંદર છે આ વાત ચંદ્રયાન-2ના ઓનબોર્ડ કેમરાથી ખેંચવામાં આવેલી લેન્ડરની તસવીરને જોઈ જાણી શકાય છે. સાથોસાથ ઇસરોએ એમ પણ જણાવ્યું છે કે ચંદ્રયાન-2નું ઓર્બિટર સમગ્રપણે સુરક્ષિત છે અને સારી રીતે કામ કરી રહ્યું છે. તે સતત ચંદ્રના ચક્કર મારી રહ્યું છે.
નોંધનીય છે કે, ઇસરોએ 22 જુલાઈએ ચંદ્રયાન-2નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યુ હતું. ચંદ્રયાન-2ના ત્રણ હિસ્સા છે. ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન. ઓર્બિટર હાલ પોતાનું કામ કરી રહ્યું છે.