વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર સવારે તે સમયે ભાવુક થઈ ગયા જ્યારે તેઓ ISROના બેંગલુરુ સેન્ટરથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પરત આવી રહ્યા હતા. જ્યારે પીએમ બેંગલુરુ સેન્ટરથી પરત આવી રહ્યા હતા તો ISRO ચીફ કે. સીવન તેમને 'સી ઓફ' કરવા આવ્યા. આ દરમિયાન ઇસરો ચીફની આંખો ભરાઈ આવી. જોકે, પીએમ મોદીએ તેમને ભેટીને ઉત્સાહ વધાર્યો.
આ દરમિયાન પીએમ મોદી પણ ભાવુક દેખાયા. નોંધનીય છે કે, શુક્રવાર-શનિવારની રાત્રે Chandrayaan 2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો. ત્યારબાદ ઇસરોના અધ્યક્ષ કે. સીવને કહ્યું હતું કે, ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરથી કોમ્યુનિકેશન શનિવાર વહેલી પરોઢે તૂટી ગયો છે અને આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
અગાઉ, વડાપ્રધાને દેશ તથા ઇસરોના વૈજ્ઞાનિકોને સંબોધિત કરતાં વધુમાં કહ્યું કે, હું ગઈ કાલ રાત્રે આપની મનસ્થિતિને સમજતો હતો. તમારી આંખો ઘણું બધું કહેતી હતી. તમારા ચહેરા પરની ઉદાસી હું વાંચી શકતો હતો. એટલે વધારે સમય હું તમારી વચ્ચે ન રોકાયો. તમે ઘણી રાતોથી નથી સૂતા, તેમ છતાંય મારું મન હતું કે સવારે તમને ફરી બોલાવું અને તમારી સાથે વાત કરું. આ મિશન સાથે જોડાયેલી વ્યક્તિઓ અલગ જ અવસ્થામાં હતા. અચાનક જ બધું નજર આવવાનું બંધ થઈ જાય. મેં પણ એ પળ તમારી સાથે જીવી છે. જ્યારે કોમ્યુનિકેશન બંધ થઈ ગયું અને તમે હલી ગયા, હું એ જોઈ રહ્યો હતો.
ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જુઓ જીવનમાં ઉતાર-ચઢવા આવતા રહે છે. તેઓએ કહ્યું કે આ કોઈ નાની સિદ્ધિ નથી, દેશ તમારા પર ગર્વ અનુભવે છે. તેઓએ કહ્યું કે ફરીથી કોમ્યુનિકેશન શરૂ થયું તો હજુ પણ આશા જીવંત છે. મારા તરફથી વૈજ્ઞાનિકોને શુભેચ્છા, આપ લોકોએ વિજ્ઞાન અને માનવ જાતિની ઘણી મોટી સેવા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું સંપૂર્ણપણે આપની સાથે છું, હિંમતની સાથે આગળ વધો.