પાકિસ્તાને મંગળવારે ભારતના મિશન શક્તિ (ASAT) પરીક્ષણ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આનાથી અંતરિક્ષમાં કાટમાળ વધી ગયો છે. આ કાટમાળ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સાથે અથડાઈ શકે છે. પાકિસ્તાનના સરકારી પ્રવક્તા કાર્યાલયની એક પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે, "આ પરીક્ષણ અંતરિક્ષમાં કાટમાળ સંદર્ભે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ ગંભીર ચિંતાનો વિષય હોવો જોઈએ."
પાકિસ્તાન તરફથી આ પ્રતિક્રિયા અમેરિકાની સ્પેશ રિસર્ચ એજન્સી NASAના નિવેદન બાદ આવી હતી. નાસાએ મંગળવારે ચિંતા વ્યક્ત કરતા કહ્યુ હતુ કે ભારત દ્વારા કરવામાં આવેલા મિસાઇલ પરીક્ષણને કારણે અંતરિક્ષમાં કાટમાળના 400 ટુકડા એકઠા થઈ ગયા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે જતા અંતરિક્ષયાત્રીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
નાસા તરફથી તેના પ્રમુખ જિમ બ્રિડનસ્ટાઇને આ વાત કહી હતી. સોમવારે નાસાના વૈજ્ઞાનિકોને સંબોધન કરતી વખતે તેમણે ભારત તરફથી કરવામાં આવેલા પરીક્ષણનો ઉલ્લેખ કર્યો હતો. બ્રિડેનસ્ટાઇને કહ્યું કે તમામ ટુકડા એટલા મોટા નથી કે તેમને ટ્રેક કરી શકાય.
જિમ બ્રિડેનસ્ટાઇને કહ્યુ કે, "અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. અમે મોટા ટુકડાઓને ટ્રેક કરી રહ્યા છીએ. અમે લોકો 10 સેન્ટીમીટરથી મોટા ટુકડાની વાત કરી રહ્યા છીએ. અત્યાર સુધી આવા 60 ટુકડા મળ્યા છે. આશરે 24 ટુકડા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર ચાલ્યા ગયા છે."
જોકે, ભારતે આ અંગે પોતાની વાત સકારાત્મક રીતે મૂકી છે. અંગ્રેજી વર્તમાનપત્ર ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે ઇસરોના અધ્યક્ષના મુખ્ય સલાહકાર તપન મિશ્રાએ મંગળવારે જણાવ્યું કે ભારતીય વૈજ્ઞાનિકો એવું કંઈ નહીં કરે જેનાથી ભારતે શરમાવું પડે. આગામી છ મહિનામાં મિશન શક્તિને કારણે જન્મેલો કાટમાળ ખતમ થઈ જશે.
તપન મિશ્રાએ કહ્યું કે, ચીન તરફથી વર્ષ 2007માં કરવામાં આવેલા પરિક્ષણનો કાટમાળ હજી સુધી સ્પેસમાં હયાત છે. ભારત જાણી જોઈને એવું કોઈ પગલું નહીં ભરે જેનાથી આંતરરાષ્ટ્રીય નુક્સાન થાય.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર