Home /News /national-international /

મોદીના 'ખાસ' મિત્ર નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારનો કેસ ચલાવવાની ભલામણ

મોદીના 'ખાસ' મિત્ર નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારનો કેસ ચલાવવાની ભલામણ

પીએમ નેતન્યાહૂ (ફાઈલ તસવીર)

ઇઝરાયેલ પોલીસે તપાસ બાદ ભલામણ કરી છે કે વડાપ્રધાન નેતન્યાહૂન પર કથિત ભ્રષ્ટાચારના બે કેસમાં આરોપ મૂકવામાં આવે.

    તાજેતરમાં ભારતના છ દિવસના પ્રવાસે આવેલા અને મોદીના ખાસ મહેમાન બનેલા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે.

    ઇઝરાયેલ પોલીસે તપાસ બાદ ભલામણ કરી છે કે વડાપ્રધાન નેતન્યાહૂન પર કથિત ભ્રષ્ટાચારના બે કેસમાં આરોપ મૂકવામાં આવે.

    ઇઝરાયેલના કાયદા પ્રમાણે નેતન્યાહૂ પર ઔપચારિક રીતે આરોપ મૂકવાની જવાબદારી એટર્ની જનરલ કાર્યાલયની છે. કાયદા મંત્રી આયલેત શાકેડે કહ્યું કે, વડાપ્રધાન પર જે ગુના સંદર્ભે આરોપ મૂકવામાં આવ્યા છે તેમાં તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જરૂર નથી.

    ઇઝરાયેલ પોલીસનું કહેવું છે કે વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ પર લાંચ, છેતરતપિંડી, અને વિશ્વાસઘાતના આરોપ અંગે કેસ ચલાવવો જોઈએ. પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે વડાપ્રધાન સામે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા છે. બીજી તરફ સરકારી ટીવી પર નિવેદન આપતા નેતન્યાહૂએ કહ્યું હતું કે, તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપ પાયાવિહોણા છે, તેઓ વડાપ્રધાન પદ પરથી રાજીનામું નહીં આપે. તેમણે કહ્યું કે આવા આરોપ લગાવ્યા બાદ પણ પરિણામ શૂન્ય જ આવશે.

    નેતન્યાહૂ સામે શું છે આરોપ?

    • નેતન્યાહૂ પર આરોપ છે કે તેમણે એક છાપાના માલિકને તેના પ્રતિસ્પર્ધી પ્રકાશક પર દબાણ લાવવા માટે પોઝિટિવ કવરેજ કરવા માટે કહ્યું હતું.

    • વર્ષ 2009માં વડાપ્રધાન પદ પર રહેલા નેતન્યાહૂ પર આરોપ છે કે તેમણે હોલિવૂડ ફિલ્મ નિર્માતા આર્નન મિલચન પાસેથી આશરે એક લાખ ડોલરની કિંમતની ભેટ સ્વીકારી હતી.

    • આ ભેટમાં મોંઘી શરાબ અને સિગારેટનો સમાવેશ થતો હતો. આ ભેટ મિલચનને અમેરિકાના વિઝા લેવામાં મદદ કરવા બદલ આપવામાં આવી હતી.

    • મિલચન તરફથી ભેટ મેળવ્યા બાદ નેતન્યાહૂએ દેશમાં મિલચન કાયદો પસાર કરવામાં પર ભાર મૂક્યો હતો. આ કાયદા અંતર્ગત વિદેશમાંથી પરત ફરનાર ઇઝરાયેલી નાગરિકોને દશ વર્ષ સુધી ટેક્સમાં છૂટ મળે છે.

    • પોલીસનું કહેવું છે કે નેતન્યાહૂ પર ઓસ્ટ્રેલિયાના અબજોપતિ જેમ્સ પેકર સાથે જોડાયેલા એક કેસમાં છેતરપિંડી અને અન્ય લોકોનો ભરોસો તોડવાની શંકા છે. જેમ્સ પૈકરે પોલીસને જણાવ્યું હતું કે તેમણે વડાપ્રધાન અને તેમની પત્નીને ગિફટ્સ આપી હતી.


    નોંધનીય છે કે પોલીસ નેતન્યાહૂની આશરે સાત વખત પૂછપરછ કરી ચુકી છે. કાયદા મંત્રી શાકેડનું કહેવું છે કે, કોઈ પણ વડાપ્રધાન જેમના પર કેસ નોંધાયેલો છે તેઓ રાજીનામું આપવા માટે બંધાયેલા નથી. તેમણે હંમેશા દેશના હિત માટે કામ કર્યું છે. 68 વર્ષીય નેતન્યાહૂ બીજી વખત વડાપ્રધાન બન્યા છે, તેઓ છેલ્લા 12 વર્ષથી આ પદ પર છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Benjamin Netanyahu, Bribery, Fraud

    આગામી સમાચાર