નવી દિલ્હી: ભારતે મંગળવારે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC)ના સેક્રેટરી જનરલની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની મુલાકાતની અને જમ્મુ-કાશ્મીર પરની તેમની ટિપ્પણી (OIC Secretary General on Jammu-Kashmir)ની આકરી નિંદા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ક્ષેત્ર સાથે સંબંધિત બાબતોમાં તેમનો કોઈ અધિકાર નથી.
ઓઆઈસીના મહાસચિવ હિસેન બ્રાહિમ તાહા (OIC Sevretary General Hissen Brahim Taha)ની પીઓકે યાત્રા (PoK Visit) પર તીખી પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ કહ્યું કે, "ઓઆઈસી અને તેના મહાસચિવ દ્વારા ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ અને દખલનો કોઈ પણ પ્રયાસ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓઆઈસીએ આ મુદ્દાઓ પર "નિર્લજ્જપણે સાંપ્રદાયિક, પક્ષપાતી અને તથ્યપૂર્ણ રીતે ખોટો અભિગમ" અપનાવીને પોતાની "વિશ્વસનીયતા" ગુમાવી દીધી છે. તાહા 10-12 ડિસેમ્બર સુધી ત્રણ દિવસની પાકિસ્તાનની મુલાકાતે હતા.
"અમે ઓઆઈસીના સેક્રેટરી જનરલની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ની મુલાકાત અને તેમની પાકિસ્તાન મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીર પરની તેમની ટિપ્પણીની કડક નિંદા કરીએ છીએ. બાગચીએ જણાવ્યું હતું કે હું ફરી એક વખત કહું છું કે જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત બાબતોમાં ઓઆઈસીનો કોઈ હક નથી, જે ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. આપને જણાવી દઇએ કે, તેઓ પીઓકેમાં ઓઆઈસી અધિકારીની મુલાકાત અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.
OICએ પોતાની વિશ્વસનીયતા ગુમાવી
બાગચીએ કડક શબ્દોમાં જણાવ્યું કે, "ઓઆઈસીએ મુદ્દાઓ પ્રત્યે નિર્લજ્જપણે સાંપ્રદાયિક, પક્ષપાતી અને તથ્યપૂર્ણ રીતે ખોટો અભિગમ અપનાવીને તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. તેના મહાસચિવ કમનસીબે પાકિસ્તાનનું મુખપત્ર બની ગયા છે. અમને આશા છે કે તેઓ ભારતમાં, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવાના પાકિસ્તાનના નાપાક એજન્ડાને આગળ ધપાવવામાં ભાગીદાર નહીં બને."
ઓઆઈસી દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાહાએ પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફને જમ્મુ-કાશ્મીરના સવાલ પર તેમના રાજદ્વારી પ્રયત્નો અંગે માહિતગાર કર્યા હતા.
શું છે OIC?
ઓઆઈસી 57 દેશોનું વૈશ્વિક સંગઠન છે અને તેના તમામ સભ્યો મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો છે. 1969માં સ્થપાયેલી આ સંસ્થા પોતાને "મુસ્લિમ સમાજનો સામૂહિક અવાજ" તરીકે વ્યાખ્યાયિત કરે છે. સંગઠનના માધ્યમથી ઈસ્લામિક દેશો મુસ્લિમ સમુદાય સાથે જોડાયેલા રાજકીય, સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરે છે. તે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) પછી વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું આંતરસરકારી સંગઠન છે. પાકિસ્તાન પણ તેનું સભ્ય રાષ્ટ્ર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર