Home /News /national-international /

શું ધૂમ્રપાન અને દારૂ પીનારા પણ રસી લઈ શકે છે? તમને સતાવતા તમામ સવાલોના આ રહ્યા જવાબ

શું ધૂમ્રપાન અને દારૂ પીનારા પણ રસી લઈ શકે છે? તમને સતાવતા તમામ સવાલોના આ રહ્યા જવાબ

પ્રતિકાત્મક તસવીર

આ મહામારી આજે પણ પીછો છોડતી નથી. મહામારીના કારણે વિશ્વમાં અનેક પરીવારો બરબાદ થઈ ગયા છે. લોકો શારીરિક, માનસિક અને ભાવનાત્મક તકલીફમાં મુકાયા છે

નવી દિલ્હી : વર્ષ 2020માં વિશ્વ પર અણધારી આફત એટલે કે કોરોના મહામારી આવી પડી હતી. આ મહામારી આજે પણ પીછો છોડતી નથી. મહામારીના કારણે વિશ્વમાં અનેક પરીવારો બરબાદ થઈ ગયા છે. લોકો શારીરિક, માનસિક અને ભાવનાત્મક તકલીફમાં મુકાયા છે. આ સાથે જ આર્થિક ફટકો પણ પડ્યો છે. કોરોના મહામારીને રોકવા માટે ઘણા પ્રકારના ઈલાજના પ્રયોગ થયા છે. પરંતુ હજી સુધી કોઈ પણ અચૂક સાબિત થયો નથી. આવી સ્થિતિમાં લોકોને રસી આપવાનું અભિયાન વિશ્વભરમાં ચાલી રહ્યું છે. રસીકરણ સંક્રમણને રોકી શકશે તેવી આશા છે. આ વાયરસની પોતાની કોઈ કોશિકાઓ હોતી નથી, જેથી તે જેના શરીરમાં પ્રવેશ કરે છે તેના શરીરની મદદ લઈને ફેલાય છે. રસી આપણા શરીરમાં આ વાયરસને ઓળખી તેને મારવા માટે એન્ટીબોડી બનાવવાની ક્ષમતા આપે છે. પરિણામે વાઇરસનો ફેલાવો બંધ થઈ જાય છે. ભારતમાં અત્યારે કોવેક્સિન અને કોવિશિલ્ડ એમ બે રસી ઉપલબ્ધ છે. આજે રસીકરણ અંગેના પ્રશ્નોનો જવાબ આપવામાં આવ્યા છે.

1. રસી લેવી જરૂરી છે?

કોઈપણ સારવાર કે રસીકરણ આવશ્યક હોતું નથી. વ્યક્તિનો આ વ્યક્તિગત નિર્ણય હોય છે. અલબત્ત લોકોને શરીરમાં વાયરસથી લડવાની ક્ષમતા મળે તે માટે રસીકરણની ભલામણ થાય છે. વધુને વધુ લોકો રસી લગાવશે તો કોરોનાનો ફેલાવો રોકી શકાશે.

2. કોણ રસી મુકાવી શકે?

- 18 વર્ષથી વધુની વયની કોઈ પણ વ્યક્તિ રસી મુકાવી શકે છે. વર્તમાન સમયે 2થી લઇ 18 વર્ષ સુધીના માટે રસીકરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જેથી થોડા સમયમાં આ વયજુથ માટે પણ રસી ઉપલબ્ધ થઈ જશે.

- હજુ સુધી ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે રસી સુરક્ષિત છે કે નહીં તે અંગે પૂરતા ડેટા નથી.

- જે લોકોને ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, કેન્સર, હૃદયરોગ, કિડનીની બીમારી, યકૃતની તકલીફ કે થાઇરોઇડ જેવી બીમારીઓ હોય તેમણે પણ રસી લેવી જોઈએ. આવા લોકો પર કોરોનાનો વધું ખતરો હોય છે. અલબત, રસી લેતા પહેલા આ લોકોએ સ્થળ પોતે કઈ દવા લે છે તેની વિગતો આપવી જોઈએ.

3. રસી કોણ ન લઈ શકે?

- જો વ્યક્તિને કોઈ પણ દવાથી એલર્જી હોય તો રસી લેતી વખતે આ બાબતની જાણકારી આરોગ્ય અધિકારીને આપવી જોઈએ.

- જે વ્યક્તિને રસીના પ્રથમ ડોઝથી એલર્જી થઈ હોય તેણે બીજો ડોઝ ન લેવો.

- તાવ, ખાંસી, શરદી વગેરેથી પીડિત હોય અને જ્યાં સુધી સંપૂર્ણ સાજા ન થાય ત્યાં સુધી રસી ન લેવી જોઈએ.

- જે લોકોને પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોય અથવા લોહી પાતળું કરતી દવા લેતા હોય તો તેઓએ રસી લેતા પહેલા આરોગ્ય અધિકારીને આ વિશે જણાવવું જોઇએ.

4. કઈ રસી છે સારી?

- એકેય રસી એકબીજાથી સારી નથી. બંને રસી સમાન રીતે અસરકારક અને સુરક્ષિત છે.

5. શું કોઈ વ્યક્તિ બે રસીના અલગ અલગ ડોઝ લઈ શકે?

- ના. કોઈએ પણ આવું ન કરવું જોઈએ.

6. શું રસી લીધા બાદ ડ્રાઇવિંગ કે કામ કરી શકાય?

- હા. ગાડી ચલાવવા કે મશીનનો ઉપયોગ કરવામાં રસીની કોઈ અસર થતી નથી.

7. શું રસીના બંને ડોઝ લેવા જરૂરી છે?

- હા, જો તમે બે ડોઝ લો, તો જેમણે એક ડોઝ લીધો છે તેમના કરતા તમારા પર વાયરસના સંક્રમિતનો ખતરો ઓછો છે.

8. બને ડોઝ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

-કોવિશિલ્ડ (COVISHIELD)- 12થી 16 અઠવાડિયા
-કોવેકસીન (COVAXIN)- 28 દિવસો

9. પહેલા અને બીજા ડોઝ બાદ શરીરમાં કઈ રીતના ફેરફાર આવે છે?

- આ રસી શરીરમાં વાયરસ સામે લડવા માટે જરૂરી એન્ટિબોડીઝ બનાવે છે. બીજો ડોઝ લીધા પછી શરીરમાં એન્ટિબોડીઝનું પ્રમાણ વધે છે અને તેથી વાયરસથી સંક્રમણ થવાનું જોખમ પણ ઓછું થાય છે. જો સંક્રમણ લગે તો પણ તે હળવું હોય છે.

- કેટલાક લોકોને માથાનો દુ:ખાવો, ખોરાક ઓછો લેવા, ચક્કર, ઉબકા, ઉલટી, પેટમાં દુ:ખાવો, ખંજવાળ, ફોલ્લીઓ, કળતર, શરીરનો દુઃખાવો અથવા જ્યાં રસી આપવામાં આવી હોય ત્યાં ભાર, થાક, તાવ, વગેરે અનુભવાય છે. આ બધા લક્ષણો ખૂબ હળવા હોય છે. દવા લેવાથી મટી જાય છે. ચિંતા કરવાની જરૂર નથી.

10. રસીકરણ બાદ માસ્ક પહેરવાની જરૂર ખરી?

- હા કોઈપણ રસી 100% સુરક્ષા આપતી નથી. જેથી માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, હાથ ના મેળવવા, સેનીટાઇઝરનો ઉપયોગ કરવો જેવી તકેદારીઓ રાખવી પડે છે.

11. ચેપ લાગ્યા બાદ રસી લઈ શકાય

- હા. સંક્રમણમાંથી સ્વસ્થ થયા પછી લોકો રસી લઈ શકે છે. જો કોરોના પ્રથમ ડોઝ પછી થાય તો સંપૂર્ણ રિકવર થયા પછી શિડયુલ મુજબ રસી લેવી જોઈએ. હજી સુધી રસી લીધી ન હોય તો નવી ગાઈડલાઈન મુજબ આવી વ્યક્તિએ પોઝિટિવ આવ્યાની તારીખના 90 દિવસ પછી અને બીજો ડોઝ ત્યારબાદના શિડયુલ મુજબ લઈ શકે છે.

12. ધુમ્રપાન કરનાર કે દારૂ પીનાર વ્યક્તિને રસી લેવામાં સમસ્યા નડે?

- ના નડે. ધૂમ્રપાન કરનાર અને દારૂ પીનારાઓ પણ રસી લઈ શકે છે. આ લોકો પર રસીની કોઈ વિપરીત અસર પડે તેવુ સુચવતા કોઈ ડેટા નથી. પરંતુ આવા લોકોએ ધૂમ્રપાન અને દારૂ પીવાનું બંધ કરવાની ભલામણ કરવામાં આવે છે. ધુમ્રપાન અને દારૂનું સેવન રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે અને ચેપનું જોખમ વધારે છે.
First published:

Tags: Corona Vaccination, Coronavirus, Vaccination in india

આગામી સમાચાર