Home /News /national-international /ચાર્લ્સ પોન્જી, વિનય, અભય, ઈમ્તિયાઝ, અશોક, ઝહીર અને CID

ચાર્લ્સ પોન્જી, વિનય, અભય, ઈમ્તિયાઝ, અશોક, ઝહીર અને CID

  ન્યૂઝ18 ગુજરાતી :

  ઇટાલીમાં જન્મેલા અને લોકોને ચૂનો ચોપડીને જિંદગી પુરી કરી નાખનારા ચાર્લ્સ પોન્જીને સાચી શ્રદ્ધાંજલિ તો આપણા ગુજરાતી બાશિન્દાઓ જ આપી રહ્યા છે, નહિ ? લોકોનું “કરી નાખવું”- એ જાણે ધંધો બની ગયો છે. આ પોન્જી-પોન્જી ચાલ્યું એટલે થોડા ઇતિહાસમાં તમને લઇ ગયા જેથી જાણી શકાય કે ચાર્લ્સ પોન્જી નામનો વ્યક્તિ આ 'કરી જવાના કરતબ' નો જનક છે ! પોન્જીએ આશરે 100 વર્ષ પહેલા 45 દિવસમાં દોઢ ગણા અને 90 દિવસમાં બમણા પૈસા કરી આપવાની લાલચ આપી અમેરિકા અને કેનેડામાં લોકોને ધુતેલા !

  આ પણ વાંચો સિંધી વિધીથી પરણવાં પહોચ્યા રણવીર-દીપિકા,વરરાજાએ કર્યો 'મેરી પેન્ટ ભી સેક્સી' પર ડાન્સ

  આ ચાર્લ્સના રસ્તે ચાલનરાઓમાં આપણા ‘ગુજ્જુ દેશીઓ’ પણ છે જે કેટલાંયનું કરોડોનું કરી ગયા. હાલ વિનય શાહ અને સુરતના કે.પટેલ માઇક્રોફાઇનાન્સ કંપનીનું નામ આવ્યું એટલે તેના પૂર્વસૂરિઓ અભય શાહ, ઈમ્તિયાઝ સૈયદ, અશોક જાડેજા અને ઝહીર રાણાની યાદ આવી ગઈ !

  ઝહીર રાણા "મલ્ટી લેવલ માર્કેટિંગ(એમએલએમ)'ની થિયરીથી હજારો લોકોની મહેનતની કમાણી ચાંઉ કરી રૂ. પ૦ કરોડનું ફૂલેકું ફેરવ્યું હતું, તો અશોક જાડેજા ઉર્ફે માડીએ 'એક કા તીન' ના નામે રૂ. 1200 કરોડનું કરી ગયો.

  ઈમ્તિયાઝ સૈયદ નામના મહાશયે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલાં સાકાર-૧માં ઈમીસન્સ નામની કંપની ખોલી લોકોને ૧૫ ટકા વ્યાજ આપવાની તેમજ ‘એક કા તીન’ની લાલચ આપી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતાં. જયારે અભય ગાંધી અને પારસ ગાંધીએ અમદાવાદમાં એ.આઈ.એસ.ઈ.કેપિટલ મેનેજમેન્ટ પ્રા.લિ.ની કંપની ખોલીને તેમાં રોકાણકારો પાસેથી લાખોની રકમ ઉઘરાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. રોકાણકારો પાસેથી ઉઘરાવેલાં નાણાંનું શેરબજારમાં રોકાણ કરવામાં આવતું હતું. રોકાણકારોને પાંચથી વીસ ટકાનું વ્યાજ ત્રણથી છ માસમાં ચૂકવવાની લોભામણી જાહેરાત કરવામાં આવી હતી.

  હવે વિનય શાહ અને ભાર્ગવી શાહ શહેરના લોકોનું લગભગ રૂ.260 કરોડનું કરી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું। લગભગ આવું જ કૌભાંડ સુરતમાં પણ કે. પટેલ માઇક્રોફાઇનાન્સ નામની ઠગ કંપની કરી ગઈ.

  'લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે' -આ કહેવત સાચી. પરંતુ પ્રજા જાય પણ ક્યાં ? સરકારની કોઈપણ યોજના સારું વળતર આપતી નથી. સામાન્ય માણસને સ્ટોક- માર્કેટની પૂરતી સમજણ નથી. વળી, આમઆદમી પાસે એટલા પૈસા નથી કે તે લાંબાગાળાનું રોકાણ કરી શકે. આ પરિસ્થિતિમાં પરસેવાની બચાવેલી કમાણી ક્યાંક રોકી થોડા વધુ પૈસા ઓછા સમયમાં પ્રાપ્ત કરવાની સ્વાભાવિક જ લોકોમાં ખેવના હોય ! આ પરિસ્થિતિનો લાભ આ ઠગભગતો ઉઠાવે છે અને ગરીબ માણસોના પૈસા લૂંટે છે.

  દુઃખદ બાબત એ છે કે, આ પ્રકારની ‘સ્કીમો’ બહાર આવે અને ઉહાપોહ થાય એટલે રાજ્ય સરકારનો ગૃહ વિભાગ 'હંમેશા' ની માફક જાગે. મંત્રીજી ગંભીર મુદ્રા બનાવે અને 'નબળાઈમાં શિરમોર' એવી ગૃહ વિભાગની સંસ્થા - 'ક્રિમીનલ ઇન્વેસ્ટિગેશન ડીપાર્ટમેન્ટ' (સીઆઇડી)ને તપાસ સોંપવાનું નાટક કરે. સરકારની આ કહ્યાગરી તપાસ સંસ્થા અને તેવા જ મંત્રીઓના કહ્યાગરા પોલીસ અધિકારીઓ તેની તપાસ કરે. આખરે પરિણામ નિર્ધારિત 'શૂન્ય' જ !

  અશોક જાડેજા 'એક કા તીન' ની ઘટના ઘટી 2008માં, 32 કેસ નોંધાયા, 10 વર્ષે જીપીઆઈડીની કલમ લાગી. જાડેજા સીઆઇડીની મહેરબાનીથી જમીન ઉપર મુક્ત થઇ ગયો. ઝહીર રાણા અને ઈમ્તિયાઝ કેસમાં પણ સીઆઇડી કશું ઉકાળી શકી નથી. 300 કરોડના શગુન ફ્રોડ સહિત અન્ય ફ્રોડ કેસમાં આરોપીઓની પ્રોપર્ટી જપ્ત કરી છે, તેવું સીઆઇડીએ કહેલું.

  હવે સરકારે 'ઘણા લોકોને છાવરવા' ફરી સીઆઇડીને તપાસ સોંપવાનું તરકટ રચ્યું છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે ધરપત આપી. ચમરબંધીઓ ખુલા જ ફરવાના છે, જાડેજા સાહેબ. બીજું નવું કૌભાંડ ન આવે ત્યાં સુધી પ્રજા, માધ્યમો અને નિષ્ણાતો ચર્ચા કરશે. બાકી બધું આમનું આમ જ ચાલવાનું । જે મૂરખ બન્યા છે તેની પાસેથી લોકો શીખે, બસ વિશેષ તો શું કહી શકાય ?!
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Vinay shah, સીઆઇડી`

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन