જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. સમગ્ર કાશ્મીરમાં 15 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો કાશ્મીર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ હાલ પૂરતી રદ્દ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિને ધ્યાને રાખી અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેમાં 15 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો કાશ્મીરમાં સ્થિત તમામ યુનિવર્સિટીમાં 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી લેવામાં આવનારી તમામ પરીક્ષા પોસ્ટપોન્ડ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલા જ જમ્મુ કાશ્મીરમાં વધુ સૈનિકો મોકલવામાં આવ્યા છે, ત્યારબાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે તથા તમામ પર્યટકોને જમ્મુ કાશ્મીર છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય હોટેલમાં ચૂસ્ત ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
જમ્મુ કાશ્મીરની હાલની સ્થિતિ પર ચર્ચા કરવા માટે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ રવિવારે પોતાના આવાસ પર ક્ષેત્રીય પાર્ટીના નેતાઓની સાથે બેઠક કરી, આ બેઠક બાદ તેઓએ કહ્યું કે ઘાટીના લોકો સુરક્ષાદળની તહેનાતીથી ડરેલા છે. તેઓએ કહ્યું કે અગાઉ ક્યારેય આવી સ્થિતિ સર્જાઇ નથી.
ઘાટીમાં હાલની સ્થિતિ પર સર્વદળીય બેઠક પહેલા પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીના નિવાસ પર બોલાવવામાં આવી હતી, જો કે બાદમાં અબ્દુલ્લાની તબિયત ખરાબ હોવાને કારણે આ બેઠકને અબ્દુલ્લાના ઘરે બોલાવવામાં આવી. આ પહેલા આ બેઠકને એક હોટેલમાં રાખવામાં આવી હતી, પરંતુ એડવાઇઝરી જાહેર થયા બાદ તેને મુફ્તીના આવાસ પર રાખવાનું નક્કી થયું હતું.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર