સોશિયલ વાયરલ : આપણી પૃથ્વી પર એક ખૂબ મોટું સંકટ આવી રહ્યું છે. આ સંકટના કારણે આપણી પૃથ્વી ખતરામાં પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, પૃથ્વી તરફ એક ખતરો ઝડપથી વધી રહ્યો છે. સૂર્યની સપાટીથી પેદા થયેલું એક શક્તિશાળી સૌર તોફાન 16 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણી પૃથ્વી તરફ આવી રહ્યું છે. વૈજ્ઞાનિકોના મતે રવિવાર અથવા સોમવારે કોઈપણ સમયે આ સૌર વાવાઝોડું આપણી ધરતી પર ટકરાય તેવી સંભાવના છે. તેથી, વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ સંકેતો અને વિમાનોની ઉડાનને લઈ ચેતવણી આપી છે. સૂર્યની સપાટીથી જન્મેલું આ શક્તિશાળી સોલર સ્ટોર્મ કલાકના 16 લાખ 09 હજાર 344 કિલોમીટરની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે.
સ્પેસવેધર ડોટ કોમ વેબસાઇટે આ સૌર તોફાન વિશેની જાણકારી શેર કરી છે. વેબસાઇટ અનુસાર, સૂર્યના વાયુમંડળથી પેદા થયેલા સૌર તોફાનને કારણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રે પ્રભુત્વ ધરાવતી જગ્યામાં ઘણી અસરો જોવા મળી શકે છે. વૈજ્ઞાનિકોએ તોફાનને લઇને ચેતવણી આપી છે કે લોકો જરૂરી ન હોય ત્યાં સુધી વિમાનમાં મુસાફરી ન કરવી જોઈએ.
વૈજ્ઞાનિકોએ તેમની ચેતવણીમાં કહ્યું છે કે, આ વાવાઝોડાની અસર વિમાનોની ફ્લાઇટ, રેડિયો સિગ્નલ, સંદેશાવ્યવહાર અને હવામાન પર પણ જોઇ શકાશે. ઉત્તર અથવા દક્ષિણ અક્ષાંશમાં રહેતા લોકો આ વાવાઝોડાને કારણે રાત્રે સુંદર અરોરા જોઈ શકે છે. ધ્રુવોની નજીક રાતના આકાશમાં તેજસ્વી પ્રકાશને ઓરોરા કહેવામાં આવે છે.
નાસાએ ચેતવણી આપી છે કે, આ સૌર તોફાનની ગતિ પ્રતિ કલાકની 16 લાખ કિલોમીટરથી વધુ હોઈ શકે છે. જો અવકાશમાંથી કોઈ મહાન તોફાન આવે છે, તો પૃથ્વી પરના દરેક શહેરમાં લાઈટો ગુલ થઈ શકે છે. આ સિવાય પાવર લાઈન્સમાં કરંટ પણ વધી શકે છે, જેના કારણે ટ્રાન્સફોર્મર પણ ઉડી શકે છે.
આ પહેલીવાર નથી જ્યારે સૌર તોફાન પૃથ્વી તરફ આવી રહ્યું છે. 1989માં, સૌર તોફાનને કારણે કેનેડાના ક્યૂબેક સિટીમાં 12 કલાક સુધી વીજળી ગુલ થઈ ગઈ હતી. ત્યારે લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 1859માં પણ, જિઓમેગ્નેટિક વાવાઝોડાએ યુરોપ અને અમેરિકામાં ટેલિગ્રામ નેટવર્કને નષ્ટ કરી દીધું હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર